રામ મંદિર પર બોમ્બ ફેંકશે,મુસ્લિમોને દોષી ઠેરવશે;કોંગ્રેસ MLAના નિવેદન પર હોબાળો

PC: livehindustan.com

કોંગ્રેસના ધારાસભ્ય B. R. પાટીલના એક નિવેદનથી કર્ણાટકમાં ખળભળાટ મચી ગયો છે. BJPની ટીકા કરતા તેમણે કહ્યું કે, આ લોકો રામ મંદિર પર બોમ્બ ફેંકાવી શકે છે અને તેના માટે મુસ્લિમ સમુદાયના લોકોને દોષી ઠેરવી શકે છે. તેના દ્વારા તેઓ હિન્દુ મતોને એક કરીને લોકસભાની ચૂંટણી જીતવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસના ધારાસભ્યના આ નિવેદનનો વીડિયો કર્ણાટક BJPએ તેના X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર શેર કર્યો છે. BJPએ આ મામલે કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે માફી માંગવાની માંગ કરી છે.

એટલું જ નહીં, BJP પાર્ટીએ કહ્યું કે, કોંગ્રેસ રામ મંદિરને નુકસાન પહોંચાડીને હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષ ઉભો કરવા માંગે છે. ત્યાર પછી સરકાર પર દોષનો ટોપલો ઢોળવાની તૈયારી છે. BJP દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કોંગ્રેસના ધારાસભ્ય કન્નડમાં બોલતા સાંભળી શકાય છે. તેઓ કહે છે, 'BJP આગામી લોકસભા ચૂંટણીમાં PM નરેન્દ્ર મોદીની જીત સુનિશ્ચિત કરવા માટે રામ મંદિર પર બોમ્બ ફેંકાવી શકે છે અને પછી તેનું દોષારોપણ મુસ્લિમો પર કરીને હિંદુઓને એક કરવાનો પ્રયાસ કરશે.' B.R. પાટીલનું આ નિવેદન ક્યારેનું છે તે સ્પષ્ટ નથી. પરંતુ BJPએ ચોક્કસપણે આ મુદ્દે તેના પર હુમલો કર્યો છે અને તેને હિન્દુ આસ્થાનું અપમાન ગણાવ્યું છે.

BJPએ સોશિયલ મીડિયા પર લખ્યું, 'કોંગ્રેસના નેતાઓ, જેઓ વારંવાર હિંદુઓની આસ્થા પર સવાલ ઉઠાવે છે, હવે તેમની ખરાબ નજર રામ મંદિર પર પણ છે. આ લોકો રામ મંદિરને નુકસાન કરીને હિંદુ-મુસ્લિમ વચ્ચે લડાઈ ઉભી કરવા માંગે છે અને દોષનો ટોપલો સરકાર પર નાખવાની યોજના બનાવી રહ્યા છે. આ જ કારણ છે કે, પાર્ટીના એક મંત્રી આવી વાત કરી રહ્યા છે.' અહીં તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી કર્ણાટક પણ એક મહત્વપૂર્ણ રાજ્ય છે.

અહીં લોકસભાની કુલ 28 બેઠકો છે, જેમાંથી 2019માં BJPએ 25 બેઠકો જીતી હતી. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો મોટો વિજય થયો હતો. તેથી, તે લોકસભાની ચૂંટણીમાં પણ પોતાના માટે મજબૂત સંભાવનાઓ જોઈ રહી છે. જ્યારે BJPએ જનતા દળ સેક્યુલર સાથે ગઠબંધન કર્યું છે અને તેને 4 બેઠકો આપવા માટે પણ સહમતિ દર્શાવી છે. એવું માનવામાં આવે છે કે JDS અને BJP સાથે મળીને વિરોધી પક્ષો માટે એક સખત પડકાર રજૂ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp