શું ઉદ્ધવની સેના તૂટશે? ઉદય સામંતનો દાવો, મહારાષ્ટ્રમાં 'ઓપરેશન ટાઇગર' શરુ!

PC: marathi.abplive.com

મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં 'ઓપરેશન ટાઇગર'ની ચર્ચા ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં કોઈ મોટી રાજકીય ઉથલપાથલ થવા જઈ રહી છે. મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતના દાવા પછી, આ મુદ્દા પર સમગ્ર મહારાષ્ટ્રમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઉદ્ધવ જૂથ અને કોંગ્રેસના ઘણા ધારાસભ્યો અને સાંસદો શિવસેનામાં જોડાવા જઈ રહ્યા છે.

ઉદય સામંતે દાવો કર્યો છે કે, નેતાઓના જોડાવાની પ્રક્રિયા ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે. જોકે, આ મુદ્દે ઉદ્ધવ જૂથ અને કોંગ્રેસ બંનેએ સ્પષ્ટપણે કહ્યું છે કે, કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ ક્યાંય જઈ રહ્યા નથી. ઉદય સામંતે વધુમાં કહ્યું કે, બાળાસાહેબ વિશે જે કોઈ સારું બોલશે તેને અમે સમર્થન આપીશું. કાલે મારો રત્નાગિરીમાં એક કાર્યક્રમ છે, ત્યાંના 90 ટકા UBT પદાધિકારીઓ DyCM એકનાથ શિંદે સાહેબના નેતૃત્વને સ્વીકારી અમારી સાથે કામ કરવા માટે આવી રહ્યા છે અને રત્નાગિરીના 2-3 ભૂતપૂર્વ ધારાસભ્યો પણ અમારી સાથે જોડાશે. માનનીય DyCM એકનાથ શિંદે સાહેબ સાથે ચર્ચા થશે અને ત્યાર પછી તેઓ આવશે.

ઉદય સામંતના મતે, આગામી 2 થી 3 મહિનામાં મહારાષ્ટ્ર કોંગ્રેસ અને ઉદ્ધવ શિવસેનાના કેટલાક મોટા નેતાઓ મહાયુતિમાં જોડાવાના છે. ઉદય સામંતે દાવો કર્યો હતો કે, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ચાર ધારાસભ્યો અને કોંગ્રેસના પાંચ ધારાસભ્યો મહાયુતિમાં જોડાવા જઈ રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, ઉદ્ધવ ઠાકરેના ત્રણ સાંસદો પણ NDAનો ભાગ બનવાના છે. જોકે, ઉદય સામંતે ધારાસભ્યો અને સાંસદોના નામ જાહેર કર્યા ન હતા.

શિવસેનાના વરિષ્ઠ ભૂતપૂર્વ ધારાસભ્ય રાજન સાલ્વી શુક્રવારે રત્નાગિરીમાં DyCM શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં જોડાઈ શકે છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, સાલ્વી રાજાપુર વિધાનસભા મતવિસ્તારમાંથી DyCM શિંદે સેનાના ઉમેદવાર કિરણ સામંત સામે હારી ગયા. સાલ્વીએ ચૂંટણી દરમિયાન શિવસેના (UBT)ના નેતાઓ પર તેમની વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ દરમિયાન, મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેએ શિવસેના (UBT)ને ચેતવણી આપી હતી કે, જો તે તેમના પક્ષ અને મહાયુતિની ટીકા કરવાનું બંધ નહીં કરે, તો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના પક્ષ પાસે વર્તમાન 20માંથી ફક્ત બે ધારાસભ્યો બાકી રહેશે. તેમણે કહ્યું કે, રાજ્યના લોકોએ ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં શિવસેના (UBT)ને યોગ્ય જવાબ આપ્યો હતો અને હવે તેમના માટે આત્મનિરીક્ષણ કરવાનો સમય આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp