મહિલા સવારીએ રિક્ષાચાલકના માથા પર છત્રી ધરી, દિલ જીતી લેતો ફોટો વાયરલ

PC: aajtak.in

ઈન્ટરનેટ પર ફેલાવવામાં આવતી નફરત, ઉગ્ર ચર્ચા, આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોના ગરમાવા વચ્ચે, વાયરલ થયેલી એક તસવીરે યૂઝર્સને રાહતની છાયા આપી છે. આ તસવીર જોઈને સ્પષ્ટપણે સમજી શકાય છે કે, બળબળતા તડકામાં એક મહિલા સવારીએ સાઈકલ રિક્ષા ચલાવતા માણસના માથે છત્રીનો છાંયો કર્યો હતો. મહિલા સવારીની આ માનવતા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ મહિલાના વખાણ કરતા થાકતા નથી. હવે લોકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ તસવીર ક્યાંની છે અને રિક્ષામાં બેઠેલી મહિલા કોણ છે?

વાયરલ ફોટોમાં દેખાઈ રહ્યું છે કે, એક મહિલા તેના ગંતવ્ય તરફ જઈ રહી હતી. આ માટે તેણે રીક્ષા બોલાવી અને તેમાં બેસી ગઈ. પરંતુ તે જુએ છે કે આવા આકરા તાપમાં રિક્ષાચાલક તડકાને કારણે બેચેન બની રહ્યો છે, પછી તે તેના માથા પર રાખેલી છત્રીને આગળની તરફ ફેરવે છે, જેથી વૃદ્ધ રિક્ષાચાલકના માથા પર છાંયડો મળી રહે.

આ માનવતાવાદી તસવીર હવે ઈન્ટરનેટ પર અલગ અલગ કેપ્શન સાથે શેર કરવામાં આવી રહી છે. હવે યુઝર્સ તે મહિલાની પ્રશંસા કરી રહ્યા છે, કારણ કે તેણે તેની છત્રીની મદદથી ગરમ બપોરે અજાણ્યા રિક્ષાચાલકને થોડો ઘણો આરામ આપવાનો પ્રયાસ કર્યો હતો.

મીડિયા દ્વારા તપાસમાં એ જાણવા મળ્યું છે કે, વાયરલ તસવીર ઉત્તર પ્રદેશના બુલંદશહર સ્થિત કાલાઆમ ચાર રસ્તા પરથી ક્લિક કરવામાં આવી છે. એક ટ્વિટર યુઝરે દાવો કર્યો છે કે, શનિવારે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના કારણે જિલ્લાના લોકો પરેશાન થઈ રહ્યા હતા. દરમિયાન શાળાની શિક્ષિકા હુમા સ્કુલેથી છૂટ્યા પછી બપોરે પોતાના ઘરે જવા નીકળી હતી. જ્યારે તેણે કાલાઆમ ચારરસ્તા પર રિક્ષાચાલકને જ્યારે તેણે આકરા તડકાને કારણે પરેશાન થતા જોયો, ત્યારે તેણે તેની છત્રી તેના માથા તરફ આગળ કરી હતી.

IAS નેહા શર્માના બિનસત્તાવાર એકાઉન્ટમાંથી આ તસવીર શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે, આજે કોલેજોમાં લાખો ડિગ્રીઓ મળતી હોય છે, પરંતુ આવી તસવીર જ માનવતાનો પાઠ શીખવી જાય છે.

બીજી તરફ, અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ રિક્ષાચાલક અને મહિલાના ફોટાને 'માનવતાથી મોટો કોઈ ધર્મ નથી', 'ઇન્સાનિયત ઝિંદા રહે', 'મનને શાંતિ આપતી તસવીર...' વિગેરે જેવા શીર્ષકોની સાથે શેર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp