26th January selfie contest

વિશ્વ હિન્દી દિવસઃ મારી, તમારી, સૌની હિન્દી

PC: cpsglobalschool.com

'khabarchhe.com'ના વાચકો પ્રક્ષાલી દેસાઈના નામથી પરિચિત છે, કારણ કે સામાજિક નિસ્બત ધરાવતા આ શિક્ષક અને કેળવણીકારે વિવિધ પ્રસંગોએ 'khabarchhe.com' પર તલસ્પર્શી લેખો લખ્યાં છે. આજે દેશભરમાં હિંદી દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે એમણે વિદેશમાં હિન્દીની વધતી જતી માગ, દેશમાં હિન્દીની સ્થિતિ અને તેમજ યુવા પેઢી હિન્દી સાથે કઈ રીતે નાતો જોડી શકે એ વિશેની સુંદર વાતો અહીં આલેખી છે.

ભાષાની શરૂઆત, વિકાસ, ઈતિહાસ, તેની સાંપ્રત સમસ્યાઓ અને એવાં કેટલાંય વિષયો સાથે આપણી રાષ્ટ્રભાષા પર ઘણું જ લખાય અને વંચાય તેમજ કહેવાય, સંભળાય છે.

ઉપરોક્ત વાક્ય એટલા માટે ખાસ છે કે, ભાષા શીખવા માટે તેને ધ્યાનપૂર્વક સાંભળવું એ પ્રથમ પગથિયું છે. પછી બોલવું આવે અને ત્યાર પછી આવે લખવું. લખવાની વાત આવે ત્યારે એમાં પણ પેટા કૌશલ્યો (આવડતો) છે. જેમ કે, સાંભળીને લખવું, જોઈને લખવું, વિચારીને લખવું. આ જ બાબત બોલવાનાં કૌશલ માટે પણ લાગું પડે! આ બધામાં વિચારીને બોલવું કે વિચારીને લખવું એ ભાષાનું ચરમ કૌશલ છે. વાંચવા માટે સમજીને વાંચવું, વાંચીને સમજવું.

ગાંધીજીએ જ્યારે આફ્રિકાનાં આશ્રમોમાં બાળકોને બુનિયાદી શિક્ષણ પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવાનો વિચાર કર્યો ત્યારે જ તેમને એ વાત સમજમાં આવી ગઈ હતી કે, એક શિક્ષણમાં બાળકોને સમજાવવા કે શીખવવા માટેનું માધ્યમ માતૃભાષાનું જ જોઈએ. આ બાબતના ઉપલક્ષમાં તેમણે ખાસ ભલામણ કરી હતી કે, જો બાળકોને એમની માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મળે તો જ આગળ ચાલીને એ બાળક પોતાની રાષ્ટ્રભાષા સાથે જોડાઈ શકે. તે સમયે તેમણે આ તાગ મેળવી લીધો હતો કે, એક ભારતવાસીનાં હૃદયમાં માતૃભાષા તેમજ રાષ્ટ્રભાષાની સ્થાપના કરવી હોય તો શિક્ષણ વ્યવસ્થામાં ભાષાનું મહત્ત્વ આ રીતે શીખવવું રહ્યું.

તે દૂરંદેશી વ્યક્તિને ત્યારે એમ પણ સમજાઈ ગયેલું કે, જે ભાષા સંપન્ન લોકો વાપરે છે, જે ભાષામાં સત્તાધારીઓ પોતાનું રાજ ચલાવશે, જે ભાષા સમાજનો પ્રભુત્વ ધરાવતો વર્ગ વાપરશે તે જ ભાષા જીવતી રહેશે. બાકીની ભાષાઓનું મૃત્યુ થશે! તે સમયે ગોરી સરકાર અંગ્રેજી ભાષાને વ્યવહારમાં વાપરતી હતી. એ ભાષા ગોરાં, દેખાવડાં લોકો સાથે જોડાયેલી હોવાને કારણે આપણાં દેશવાસીઓએ પોતાની માતૃભાષા, રાષ્ટ્રભાષા (ત્યારે હિંદી રાષ્ટ્રભાષા તરીકે ઘોષિત નહોતી) અને પોતાની જાતને ઉતરતી ગણીને અંગ્રેજી સાથે પોતાનાં જોડાણને વધારવાનો દેખાડો અને પ્રયત્ન કરવાં લાગ્યાં. અને ત્યારથી જ હિંદીની પડતીની શરૂઆત થઈ ચૂકી હતી.

અમે નાનાં હતાં ત્યારે મારાં પિતાજી વિનોબાનાં ભૂદાન યજ્ઞમાં જોડાયેલા ત્યારે તેમનાં કેટલાંક મિત્રો ઘરે આવતા ત્યારે અમે તેમને પ્રવાહિત હિંદીમાં વાતચીત કરતાં ટગર ટગર જોઈ રહેતાં. એમની ભાષાને કારણે મને એમના માટે અહોભાવ ઉભરાતો. કારણ કે, ત્યારે મારી માતૃભાષા ગુજરાતી ઉપરાંત હિંદી જેવી કોઈ બીજી ભાષા છે એ સમજાયેલું! મારા પિતાજીએ હિંદી ભાષામાં ‘કોવિદ’ સુધી પરીક્ષાઓ આપેલી. ત્યારે એનું મહત્ત્વ હિંદીનું બી.એ. જેટલું હતું! ત્યારે ગાંધીજીનાં અંતેવાસીઓએ 'હિંદી પ્રચારક સભા', 'રાષ્ટ્રભાષા વર્ધા' વગેરે દ્વારા બિન હિંદી ભાષી પ્રાંતોમાં તે વખતે સારું કાર્ય કર્યું હતું.

અમુક ધોરણનાં મારાં ગુજરાતી માધ્યમનાં ભણતર પછી મારાં પિતાજીએ મારી પાસે પણ 'રાષ્ટ્રભાષા વર્ધા' દ્વારા લેવાતી, હિંદીની પરીક્ષાઓ અપાવી. હિંદીની પરીક્ષા તો મેં આપી પણ તે ભાષા મને શું કામ લાગશે એવું જ્યારે પિતાજીને પૂછતી ત્યારે તેઓ કહેતાં કે, 'ભાષા જેટલી જાણીએ તેટલી ઓછી. કામ લાગશે કે નહીં તે પ્રશ્ન જ નકામો છે.’ એમણે બીજી વાત એ સમજાવેલી કે, 'તને સાહિત્યનું બહુ જ ઘેલું છે તો એક વાત પર ધ્યાન રાખ કે જગતમાં શું તારે માત્ર ગુજરાતી સાહિત્ય સાથે જ તારે જોડાઈને બેસી રહેવું છે? શું તને બીજી ભાષાનું સાહિત્ય વાંચવાનું મન નહીં થાય? આ રીતે હું હિંદી સાથે જોડાતી ગઈ અને પ્રેમચંદનાં સાહિત્યથી વાંચવાનું શરૂ થયું તે આજ સુધી સઘન રૂપથી હિંદી સાહિત્ય જોડે જોડાયેલી છું.

તે ઉપરાંત આજની તારીખ સુધી છેલ્લા 27 વર્ષથી હિંદી ભાષી ક્ષેત્રમાં કાર્ય કરી રહી છું. હવે તો એવી સ્થિતિ થઈ છે કે, મને સ્વપ્ન પણ હિંદીમાં જ આવે છે! જોકે એનો અર્થ એવો પણ નથી કે, હું મારી માતૃભાષા, અંગ્રેજી અથવા અન્ય પ્રાંતીય ભાષાથી વિખૂટી પડી છું. એ ભાષાઓને પણ સારી રીતે વિચારી બોલી કે લખી શકું છું. એટલે જ તો આજે હું ‘હિંદી’ માટે ગુજરાતીમાં લખી રહી છું. એનો મને આનંદ છે. ગુજરાતી મારી માતા છે તો હિંદી મારી માસી છે!

કેટલાક વખત પહેલાં મેં અસગર વજાહત દ્વારા લિખિત તેમની ઈરાન અને આઈઝરબેજાનની યાત્રાના સંસ્મરણો વાંચ્યા. એ ચોપડીનું નામ હતું ‘चलते तो अच्छा था’. એમણે એમાં ઈરાન અને આઈઝરનેજાનમાં હિંદી ફિલ્મો દ્વારા આપણી ભાષા ત્યાં લોકપ્રિય છે તે વિશે લખ્યું છે. તેમનાં વિચારો હું અહીં વહેંચવા માગું છું, તેમણે તે પુસ્તકમાં લખ્યું છે, 'રાત્રી દરમિયાન લાંબા અંતરોની બસોમાં વીડિયો પર હિંદી ફિલ્મો લગાવવામાં આવે છે. તેમની સંપૂર્ણ યાત્રા દરમિયાન એવાં લોકો વધારે મળ્યાં, જેઓ હિંદી ગીતો અને ફિલ્મોની વાતો કરતાં હતાં અને હિંદી ફિલ્મી કલાકારોને નામ સહિત ઓળખતાં હતાં. કેટલાકના ઘરોમાં તેમણે ફિલ્મ સ્ટાર્સના પોસ્ટર્સ પણ જોયાં અને એવી દુકાનો પણ મળી જ્યાં હિંદી ફિલ્મોની સી.ડી. અને પોસ્ટર્સ વેચાતાં હતા.

ઈસ્ફાહાન શહેરની સડક પર તેમણે એક ફારસી ભાષાની ફિલ્મ સંબંધી પત્રિકા જોઈ, જેની અંદર હિંદી ફિલ્મોના સમાચાર તેમજ હિંદી શબ્દાવલી અને ફારસી અર્થોવાળો એક નાનો શબ્દકોશ છપાયેલો હતો.

ફિલ્મ, ધારાવાહિક, રેડિયો, નાટક જેવા માધ્યમોથી હિંદી આખી દુનિયામાં પહોંચી રહી છે. માત્ર એશિયા ખંડના દેશોમાં જ નહીં, પણ આફ્રિકા, અમેરિકા અને યુરોપમાં પણ હિંદી વિસ્તરી વિકસી છે. જર્મની અને રશિયાનાં લોકો આપણી હિંદી ભાષા અને સંસ્કૃતિનાં એટલાં પ્રેમી છે કે તેઓ હિંદી ગીતો, આપણા નાટકો અને નૃત્યો સાથે જોડાવાનું અને શીખવાનું વધારે પસંદ કરે છે!

પાછલાં 50-60 વર્ષોમાં વિશ્વમાં હિંદીનો વ્યાપ વધ્યો છે. બીજા દેશોમાં વસેલાં ભારતીયો માટે હિંદી ફિલ્મો અને અન્ય માધ્યમો પોતાનાં દેશ અને ભાષા સાથે જોડાયેલાં રહેવા માટેનું કારણ છે, જેને કારણે પણ અન્ય દેશનાં લોકો હિંદી ભાષા અને હિન્દુસ્તાનની સંસ્કૃતિથી અવગત થયાં અને એને પસંદ કરતાં થયાં છે.

આપણા દેશનાં પૂર્વોત્તર, દક્ષિણી રાજ્યો, બંગાળ જેવાં રાજ્યોમાં હિંદી ભાષાને લઈ જવામાં પણ ફિલ્મોનું યોગદાન ઘણું છે. આપણા ગુજરાતમાં અને એનાં જેવા અહિંદી રાજ્યોમાં કેટલાક વર્ષોમાં, જે પ્રમાણે અન્ય હિંદીભાષી પ્રાંતોનાં લોકોનો વસવાટ વધ્યો તેમ હિંદી ભાષા અને સંસ્કૃતિ સાથે અહિંદીભાષી રાજ્યોનો જોડાવ પણ થયો છે. હું અહીં માત્ર હિંદી ભાષાની જ વાત નહીં કરું. ભાષાની સાથે સંસ્કૃતિની પણ વાત રાખીશ. કારણ કે ભાષા અને સંસ્કૃતિ એકબીજાની પૂરક છે.

અસગર વજાહતની વાત માનીએ તો, હિંદી ભાષા લખવા વાંચવા માટે બીજા દેશોની જનતાની લલક જોઈને ભારતીય દૂતાવાસની ભૂમિકા તેમજ જવાબદારી આ સંદર્ભે વધારવાની જરૂરત છે. ફિલ્મો, રેડિયો, ધારાવાહિક, નાટક પર આધારિત કેટલાક પાઠ્યક્રમોની રચના થવી જોઈએ, જેથી સામાન્ય જન અને અન્ય દેશોનાં લોકો સુધી હિંદીની પહોંચને વધારી શકાય.

વેદપ્રતાપ વૈદિક એક વરિષ્ઠ પત્રકાર અને ભારતીય વિદેશનીતિ તથા દક્ષિણ એશિયાના મુદ્દા માટેનાં વિદ્વાન છે, જેઓ ભારતીય ભાષા તેમજ હિંદીનાં પ્રચાર માટે ખૂબ જ સારું કાર્ય કરે છે, તેમનું કહેવું છે કે, સો વર્ષ પહેલાં ફિનલેન્ડ દેશનાં લોકો સ્વીડીશ ભાષા વાપરતાં હતાં. તેમણે એક દિવસ નક્કી કર્યું કે આપણી ભાષા હવેથી ‘ફિની’ જ રહેશે અને રાજકીય તેમજ સામાન્ય જનોનાં તમામ કાર્યો ‘ફિની’ ભાષામાં જ થશે. હવે આજ સુધી તેઓ તેમ જ કરી રહ્યાં છે. ખરી વાત તો એ જ છે કે આપણે પણ એમની જેમ નક્કી કરીએ!

તેઓ આગળ લખે છે કે, વર્ષ 1966માં તેમને 'ઈન્ડિયન સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ'માંથી એટલે માટે કાઢી મૂકવામાં આવ્યાં કે તેઓ હિંદી ભાષામાં જ પોતાનો શોધગ્રંથ લખવા માગતા હતાં અને હિંદીમાં જ પી.એચડી કરવા માગતા હતા. આ મુદ્દાને કારણે દેશભરમાં હંગામો થયો. સંસદ આ મુદ્દે કેટલીય વાર ઠપ્પ થઈ. લગભગ બધા જ પક્ષોના નેતાઓએ તે સંદર્ભે અવાજ ઉઠાવ્યો અને તત્કાલીન વડાપ્રધાન ઈંદીરા ગાંધીએ એ મુદ્દે સીધો હસ્તક્ષેપ કર્યો. અંતમાં આપણા સંવિધાનમાં સંશોધન કરવામાં આવ્યું અને વેદપ્રતાપ વૈદિકને સંસ્થામાં પાછા લેવામાં આવ્યાં. આવી રીતે એમને હિંદી ભાષામાં લખાયેલા શોધ નિબંધ પર દેશમાં પહેલી પી.એચ.ડી.ની ડિગ્રી મળી!

તેમનો એક આ અનુભવ પણ સમજવાં જેવો છે. તેઓ કહે છે, 'હિંદીભાષા તેમની મજબૂરી નથી. તેઓ અંગ્રેજી, ફારસી, જર્મન, રશિયન જેવી અનેક ભાષા શીખી ચૂક્યાં છે. પરંતુ તેમનું બધું કામકાજ તેઓ હિંદી ભાષામાં જ કરે છે. આ તો ઠીક તેઓ હિન્દુસ્તાનનાં અંગ્રેજીભાષી લોકોને અર્ધશિક્ષિત માને છે! આ માટે તેઓ જણાવે છે કે, જ્યારે તેઓ અને બીજા કેટલાક યુવાનો દિલ્હીમાં સંઘ લોકસેવા આયોગ સામે હિંદી માટે ધરણાં કરતાં હતાં ત્યારે તેઓ સમાચાર એજન્સી પી.ટી.આઈ.ની હિંદી સમાચાર સમિતિ ‘ભાષા’નાં સંપાદક હતાં. તેઓ આંદોલનકારીઓ મદદ કરી રહ્યાં હતાં એ સમયે એક કેન્દ્રિય સ્તરના મંત્રીએ ફોન કરીને તેમને કહ્યું કે ‘તમે સંપાદક થઈને આ મામલામાં શા માટે પડો છો?’ ત્યારે વેદપ્રતાપ વૈદિકનો જવાબ હતો કે ‘મંત્રીનાં કામ કરતા મારા માટે હિંદીભાષાનું કામ મોટું છે. કોઈપણ પદ રાષ્ટ્રભાષા કરતા મોટું નહીં હોઈ શકે.’

તેઓ આપણને, હિન્દુસ્તાનીઓને હિંદી ભાષા માટે એક નાનકડું આંદોલન કરવાની ભલામણ કરે છે. એ માટે વધારે કંઈ જ નથી કરવાનું. બસ, સામાન્ય કામ અને વ્યવહારમાં આપણે હિંદી ભાષાનાં ઉપયોગને વધારીએ જેમ કે...

(1) તમારાં હસ્તાક્ષર હિંદીમાં કરો. આ ઉપરાંત અંગ્રેજી દસ્તાવેજો પણ દેવનાગરી લિપીમાં કરો.

(2) તમારા કૌટુંબિકસામાજિક અને ધાર્મિક આયોજનોનાં નિમંત્રણ પણ હિંદીમાં છપાવી શકો.

(3) હિંદીમાં પત્ર લખો. કવર પર હિંદીમાં સરનામું લખો.

(4) અંગ્રેજી પત્રોનાં જવાબ હિંદીમાં આપવાનું રાખો.

(5) આપણી દુકાનોપ્રતિષ્ઠાનોનાં નામસાઈનબોર્ડ પર હિંદીમાં લખવાનું રાખીએ.

(6) ખરીદારીકારોબારી કામોની પાવતીરસીદ અને અન્ય આવેદનપત્રઅરજીઓનાં પત્રક હિંદીમાં છપાવીએ.

(7) બેંકરેલવેનાં પત્રક હિંદીમાં ભરીએ.

(8) ઉત્તમ વિદેશી પુસ્તકોનાં અનુવાદ હિંદીમાં કરો.

(9) બોલચાલમાં અંગ્રેજીનો વગર કામનો ઉપયોગ ટાળોપોતાની માતૃભાષા સાથે ભારતીય પ્રાંતોની ભાષાનાં શબ્દોનો ઉપયોગ કરો.

(10) સંકલ્પ સાથે બધા કાર્ય ‘स्वभाषा’ રાષ્ટ્રભાષામાં કરો.

મિત્રો, આ બહુ જ સાચી વાત છે. આપણે ઉપરના મુદ્દાને આજથી જ અનુસરીશું તો એક વર્ષમાં તો આપણી રાષ્ટ્રભાષા ક્યાંની ક્યાં પહોંચી જશે. આપણી રાષ્ટ્ર પ્રત્યે જેટલી જવાબદારી છે એટલી જ જવાબદારી રાષ્ટ્રભાષા પ્રત્યે પણ છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp