પહેલા નોરતે રાજકોટમાં લોકો ઘરમાં ગરબે ઘૂમ્યા, જુઓ તસવીરો

PC: dainikbhaskar.com

રાજ્યમાં શનિવારથી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ગરબાની મંજૂરી આપવામાં આવી નથી. માત્ર લોકોને માતાજીની પૂજા-અર્ચના કરવા માટે એક કલાક 200 લોકોની મર્યાદામાં એકઠા થવાની મંજૂરી આપવામાં આવી છે. તેવા સમયે રાજકોટના એક પરિવાર ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇ પોતાના ઘરમાં જ માતાજીના ગરબા કર્યા હતા. અને લોકોને પણ ઘરની બહાર નહીં નીકળી ઘરમાં જ આ પ્રકારે ગરબા કરીને કોરોનાથી સુરક્ષિત રહેવાની અપીલ કરી હતી.

રિપોર્ટ અનુસાર રાજકોટ હનુમાન મઢી ચોક પાસે આવેલ તિરૂપતિ સોસાયટીમાં રહેતા એક પરિવારે પોતાના ઘરમાં જ માતાજીના ગરબાની સ્થાપના કરી હતી અને ત્યારબાદ પરિવારના સભ્યો ટ્રેડિશનલ પહેરીને માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરી ગરબે રમ્યા હતા. આમ પરિવારના સભ્યોએ ગરબે ઘૂમી પહેલા નોરતાની ઉજવણી કરી હતી.

તો બીજી તરફ રાજકોટના સત્યસાંઇ હોસ્પિટલ રોડ પર આવેલ ઇન્દ્રલોક બંગ્લોઝમાં પણ સ્થાનિક લોકોએ જવારા વાવીને માતાજીના ગરબાની સ્થાપના કરી હતી અને ત્યારબાદ સ્થાનિક લોકો સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરી એક કલાક સુધી ગરબે રમ્યા હતા. આ પરિવારે પણ પોતાના ઘરમાં જ માતાજીના ગરબાની સ્થાપના કરી હતી અને પરિવારના 6થી 7 લોકોએ ગરબા કરીને નવરાત્રીનું પહેલું નોરતું ઉજવ્યુ હતું.

આ સમગ્ર મામલે પરિવારના પારૂલબેન નામની મહિલાએ જણાવ્યું હતું કે, અમે માતાજીના ગરબાની સ્થાપના ઘરમાં જ કરી છે. સોસાયટીઓમાં ગરબાના આયોજનની મનાઇ છે. જેથી કરી અમે ગરબાનું આયોજન ઘરમાં જ કર્યું છે અને પરિવારના સભ્યો ઘરમાં ગરબા કરીએ છીએ. અમે લોકોને પણ કહેવા માંગીએ છીએ કે, તમે લોકો ઘરમાં જ ગરબા કરી શકો છો અને ગરબા કરતા સમયે વ્યવસ્થિત રીતે સેનિટાઇઝ થઇ, માસ્ક પહેરીને ઘરમાં જ ગરબા કરો.

આ ઉપરાંત રાજકોટના યુનિવર્સિટી રોડ પર એક એપાર્ટમેન્ટમાં મહિલાઓએ ટીવીમાં ગરબા વગાડીને પોતાના ફ્લેટમાં જ ગરબે ઘૂમી હતી.

ઘરમાં પરિવારની સાથે ગરબાનું આયોજન કરનાર રાહુલ મકવાણા નામના યુવકે જણાવ્યું હતું કે, અમે ઘરની અંદર માતાજીનું સ્થાપન કર્યું છે અને પરિવારના સભ્યો ઘરની અંદર જ ઘરમાં ગરબા કરીએ છીએ. અમે કૌટુંબીક ભાઇ-બહેનનો અને ફઈના દીકરાઓએ સાથે મળી ઘરની અંદર ગરબાનું આયોજન કર્યું છે. લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે, ઘરની બહાર જવાનું ટાળે અને પોતાના ઘરે જ ગરબાનું આયોજન કરે જેથી કોરોનાનું સંક્રમણ ન ફેલાઈ શકે.

મહત્ત્વની વાત છે કે, રાજ્ય સરકારે લોકોને જાહેર રસ્તાઓ પર કે, સોસાયટીઓમાં ગરબા નહીં કરવાની અપીલ કરી છે. જેથી કરીને લોકો પોતાના મનપસંદ તહેવાર નવરાત્રીની ઉજવણી પોતાના ઘરમાં જ ગરબા લઈને કરી રહ્યા છે. આ ઉપરાંત કલાકારો પણ વર્ચ્યુઅલ ગરબા કરીને લોકોને ઉત્સાહ પૂરો પાડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp