મોંઘવારીનો માર મા અંબાના મંદિર પર, અંબાજી મંદિરના પ્રસાદના ભાવમાં 50%નો વધારો

PC: dnaindia.com

મોંઘવારીનો માર દેશની જનતાને તો નડી જ રહ્યો છે, પણ તેની સાથે-સાથે ભગવાનના મંદિર પર પણ પડી રહ્યો છે. એક તરફ મંદિરમાં લાખો રૂપિયાનું દાન આવે છે અને બીજી તરફ વધતી જતી મોંઘવારીના કારણે મંદિરના ટ્રસ્ટને પ્રસાદમાં આપવામાં ખોટ જતી હોવાથી તેઓ હવે માતાજીના પ્રસાદના ભાવમાં પણ વધારો કરી રહ્યા છે. પ્રસાદની કિંમતમાં 10% કે 20%નો નહીં પણ સીધો 50%નો વધારો કરી રહ્યા છે. પ્રસાદના ભાવમાં વધારો કરવાનો નિર્ણય ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.

એક રિપોર્ટ અનુસાર, દૂર-દૂરથી લોકો પાલનપુરમાં બિરાજેલા મા અંબાના દર્શન કરવા માટે અંબાજી મંદિરે આવે છે. માતાજીના ધામમાં દર્શન કરવા આવેલા ભક્તો માતાજીના આશીર્વાદરૂપે મંદિરમાંથી 10 રૂપિયા ભાવે આપવામાં આવતું 80 ગ્રામના પ્રસાદનું પેકેટ લઇ જાય છે. પરંતુ વધતી મોંઘવારીમાં આ નાના એવા પ્રસાદના પેકેટના કારણે દર વર્ષે મંદિરને ચાર કરોડ કરતા વધારે નુકસાન થતું હતું, એટલે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદના નાના એવા 80 ગ્રામના બોક્સના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી 1 ડિસેમ્બરને રવિવારથી 80 ગ્રામના પ્રસાદના નાના એવા પેકેટનાં ભાવમાં સીધો 50%નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. 50% ભાવ વધારો થતા 10 રૂપિયાના પ્રસાદીના પેક્ટના હવે ભક્તોએ 15 રૂપિયા ચુકવવા પડશે.

આ બાબતે મંદિર ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2016-17ના પ્રસાદમાં મંદિરને 4 કરોડ રૂપિયાનું, વર્ષ 2017-18ના પ્રસાદમાં મંદિરને 4.42 કરોડનું અને વર્ષ 2018-19ના પ્રસાદમાં મંદિરને 4.43 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને આ વર્ષે પણ પ્રસાદમાં ભાવ ન વધારવામાં આવતે તો મંદિર ટ્રસ્ટને 6 કરોડ રૂપિયાનું નુકસાન થાત. મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ બનાવતી એજન્સીને 15.07 રૂપિયા GST સાથે ચુકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં એજન્સીને 7 પૈસાને નુકસાન સહન કરવું પડે. પ્રસાદના ભાવમાં વધારો કરવાથી આ વર્ષે જે 6 કરોડ રૂપિયાનો નફો થશે તેનો ઉપયોગ અમે યાત્રિકોની સુખાકારી માટે કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp