26th January selfie contest

કોંગ્રેસના કોર્પોરેટરનું ભાજપે અપહરણ કર્યું પણ પોલીસ કોઈને પકડતી નથી

PC: khabarchhe.com

ગાંધીનગર મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટનું ભાજપના નેતાએ અપહરણ કર્યું તેને લાંબો સમય થયો હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓને શોધી કઢાયા નથી. કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે, અપહરણ કરનારા લોકો ભાજપના હોવાથી પોલીસ તેમને બચાવી રહી છે. તેમની તુરંત ધરપકડ કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે.

ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયર, નાયબ મેટર, ખડી સમિતિના અધ્યક્ષની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટનું 5 નવેમ્બર 2018મા અપહરણ થયું હતું. અંકિતના પત્ની ભૂમિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કેતન અને મગન નામના બે શખ્સો સામે અપહરણનો આરોપ લગાવ્યો હતો. અંકિત બારોટે મોકલેલા મેસેજમાં બંનેના નામનો ઉલ્લેખ હતો. વાવોલ પાસેથી અપહરણ કરાયું હતું. અંકિતે અજાણ્યા નંબર પરથી ફોન કરીને તેમને ધનસુરા મોડાસા વચ્ચે ગોંધી રખાયો હોવાની જાણ કરી હતી. ફોનનું લોકેશન ધનસુરા હોવાનું જાણવા મળ્યું હતું. ધારાસભ્ય સી.જે.ચાવડાએ અરવલ્લી જિલ્લા પોલીસ વડાને જાણ કરી હતી.

ભાજપ દ્વારા અંકિત બારોટને ડેપ્યુટી મેયર અથવા ખડી સમિતિના અધ્યક્ષ પદની ઓફર કરવા માટે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. કોંગ્રેસે અપહરણ માટે ભાજપ પર સીધો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે મેયરની ચૂંટણી રદ કરવાની માગણી કરી હતી.

ગાંધીનગર મહાપાલિકામાં 2016મા કોંગ્રેસ અને ભાજપે સમાન 16-16 બેઠકો મળી હતી. એ સમયે ભાજપે કોંગ્રેસના કોર્પોરેટર પ્રવીણ પટેલનું પક્ષાંતર કરાવી અને મેયર બનાવીને ભાજપે સત્તા હાંસલ કરી હતી. ગાંધીનગરમાં મેયરની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં ફરીથી ચૂંટણી યોજાવાની હતી.

અંકિત મળી આવ્યા બાદ આરોપ મૂક્યો હતો કે, ભાજપે અપહરણ કરીને તેને રૂ. 15થી 20 લાખ અને ખડી સમિતિના અધ્યક્ષ બનાવવાની લાલચ આપી હતી. ગાંધીનગરના SP મયુર ચાવડાએ જાહેર કર્યું હતું કે, અંકિતે કરેલા આક્ષેપો મુદ્દે તેઓ ફરિયાદ કરશે.

કોંગ્રેસ MLA સી.જે.ચાવડાએ ભાજપના પૂર્વ MLA અશોક પટેલના ભત્રીજા કેતન પટેલે અપહરણ કર્યાનું જાહેર કર્યું હતું. કેતન પટેલના પત્ની ભાજપમાંથી ગાંધીનગરના કોર્પોરેટર છે.

મેયરની ચૂંટણી પૂરી થઈ ગયા બાદ અંકિત ઘરે પહોંચીને પછી જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, મેયર બનવાના રાજકારણમાં ભાજપે અપહરણ કર્યું હતું. કારમાં તેમના ઘરેથી ઉપાડી વાવોલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં ચાર કારમાં અન્ય લોકો આવીને ધનસુરા ખાતેના કોઈ ફાર્મહાઉસમાં લઈ જવાયા હતા. રાત્રે આ લોકો સૂઈ ગયા ત્યારે ડ્રાઈવરના ફોનમાંથી તેમના સાથી કોર્પોરેટરને ફોન કરી અપહરણ કરાયાની જાણ કરીને બચાવી લેવા કહ્યું હતું. પોતાનું અપહરણ ભાજપના આગેવાન કેતન પટેલ અને તેમના ભાઈ મગન પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય અશોક પટેલનું કાવતરું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મને અલગ-અલગ જગ્યાએ ફેરવવામાં આવ્યો હતો. તેણે પોતાનું અપહરણ કરીને વંથલી બાજુ લઈ જવાનો દાવો કર્યો છે. ભાજપના લોકો ડરાવી-ધમકારીને કામ કરાવે છે. મને બે-ત્રણ વખત ભાજપનો ફોન આવ્યો પરંતુ મેં સ્પષ્ટ ના પાડી દીધી હતી. મને રિવોલ્વર દેખાડીને મારો ફોન લઈ લીધો હતો. મને ગાડીમાં બેસાડીને ગાડીના દરવાજા બંધ કરીને લઈ જવામાં આવ્યો હતો. ત્રણ ઈનોવા અને બે નાની ગાડી હતી. મને જે ફાર્મ પર લઈ ગયા ત્યાં 30-35 લોકો હતા.

તે 18 કલાક બાદ ગાંધીનગરના ચિલોડા પાસેથી મળી આવ્યા હતા.

મહાનગર ભાજપના પ્રમુખ મહેન્દ્ર દાસે જણાવ્યું હતું કે અંકિત બારોટનું અપહરણ કરાયું હતું કે પછી તેઓ જાતે જ આવ્યા હતા તે આગામી દિવસમાં ખબર પડી જશે.

થોડા દિવસ પહેલા કોર્પોરેટર અંકિત બારોટની મુલાકાત એક મંત્રી સાથે કરાવવામાં આવી હતી, ત્યારબાદ નક્કી થયું હતું કે આગળ શું કરવું. પૂર્વ ધારાસભ્ય અશોક પટેલના ભત્રીજા કેતન પટેલે પોતાની પત્નીને મેયર બનાવવા માટે અપહરણ કરવામાં આવ્યું હતું, તેમ અંકિતે જણાવ્યું હતું. જો કે મેયરની ચૂંટણી પૂરી થતા જ અંકિતને રહસ્યમય રીતે છોડી મૂકાતા સમગ્ર ઘટનાક્રમ શંકાના ઘેરામાં આવી ગયો છે.

અંકિતનું અપહરણ ભાજપે કર્યું હોવાથી મેયરની ચૂંટણી મુલતવી રાખવાની માગણી કરવામાં આવી છતાં ભાજપે ધરાર ચૂંટણી કરાવી હોવાથી વાતાવરણમાં એટલી હદે ઉશ્કેરાટ ફેલાયો હતો કે કોંગ્રેસના સભ્યોએ ખુરશીઓ ઉછાળી હતી. મારા મારી થઈ હતી. લોકશાહીના લીરેલીરા ઉડ્યા હતા. છૂટ્ટા હાથની મારામારીના વરવા દૃશ્યો સર્જાયા હતા. ભાજપના કોર્પોરેટરોએ કોંગ્રેસના કોર્પોરેટરોને માઇક સહિતની વસ્તુઓનો માર મારી લોહીલુહાણ કરી દેવાયા હતા. કોંગ્રેસની મહિલા કોર્પોરેટરોના ગળા દબાવી મારી નાખવાની કોશિશ કરી હતી. ભાજપના કોર્પોરેટરોએ કોંગ્રેસની મહિલા કોર્પોરેટરોની સાડીઓ ખેંચી હતી. આ સુધીના હીન અને અત્યંત ઘૃણાસ્પદ દૃશ્યો સર્જાયા હતા. ગુજરાતના રાજકારણમાં આ અત્યંત શરમજનક ઘટના હતી. ભાજપના કોર્પોરેટર જયદેવ પરમારની તબિયત લથડતા વ્હીલચેરમાં લાવવામાં આવ્યા હતા. પૂર્વ મેયર ભાજપના પ્રવિણ પટેલ દ્વારા કોંગ્રેસના કોર્પોરેટર જીતુ રાયકાને પગમાં માઇક માર્યું હતું. તેથી તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

કોર્પોરેટરોએ ચિમકી ઉચ્ચારી હતી કે જો સભા મુલતવી નહીં રાખવામાં આવે તો પાલિકાના ચોથા માળેથી કૂદકો મારશે.

ભાજપ દ્વારા લોકશાહીનું ચીરહરણ કરી લોકશાહીની હત્યા કરાઈ હોવાના આરોપો મૂકાયા હતા. પોલીસે ભાજપના ઇશારે કોંગ્રેસની મહિલા કોર્પોરેટર અને કોંગ્રેસના આગેવાનોને અત્યાચાર અને દમનનો ભોગ બનાવ્યા હોવાનો આરોપ મૂક્યો હતો.

પછીથી ગુજરાત વડી અદાલતના આદેશ પ્રમાણે ચૂંટણીની કામગીરી લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે આગળ ધપાવવામાં આવી હતી. મેયરનો મત સીલબંધ કવરમાં રાખવામાં આવ્યા હતા. ભાજપના ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલના ભત્રીજા કેતન પટેલે પોતાની પત્ની કોર્પોરેટર હોવાથી તેમને મેયર બનાવવા માટે અંકિત બારોટનું અપહરણ કર્યું હતું.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp