PM મોદીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએઃ CM

PC: khabarchhe.com

ગુજરાત સરકારે પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ. રાજ્યના સર્વાંગી વિકાસ માટે જળ જરૂરી છે. મા નર્મદાના જળથી ગુજરાત વિકાસની નવી હરણફાળ ભરશે અને વિકાસનો નવો માર્ગ કંડારશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરથી સરદાર સરોવર ડેમ ખાતે મા નર્મદા નીરના ઇ-વધામણાં કરતાં જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસ નિમિત્તે આજે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ છલકાંતા-ભરાતાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદાના નીરના ઇ-વધામણાં કર્યા હતાં.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના આજે 70મા જન્મ દિવસ નિમિત્તે તેમના દિઘાર્યુ અને સ્વસ્થ જીવન માટે ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે કહ્યું હતું કે, આજે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ભગવાન તેમને ખૂબ શક્તિ આપે, મા ભારતી ફરી જગત જનની બને અને દશોદિશાઓમાં ભારત માતાની વિજય પતાકાઓ લહેરાય અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત મહાસત્તા બનશે તેવો વિશ્વાસ અને શ્રદ્ધા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તા. 17મી સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસના આ સમયગાળા દરમિયાન સરદાર સરોવર ડેમમાં વધુમાં વધુ પાણી આવતું હોય છે. સરદાર વલ્લભ પટેલનું જે સ્વપ્ન હતું કે, નર્મદા નદી ઉપર એક વિશાળ ડેમ બને અને સમગ્ર ગુજરાતને સિંચાઇ, પીવાના પાણી, પશુ-પંખી માટે પાણી ઉપલબ્ધ થાય. નર્મદા નદી ઉપર ઝડપથી ડેમ બનવો જોઇએ પરંતુ કમનસીબે મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે અને તેમને આ બિડું ઝડપ્યુ, જરૂર પડી તો ઉપવાસ આંદોલન, સંઘર્ષ કરીને સરદાર સરોવર ડેમનું કામ પૂર્ણ કરાવ્યું.

તેમણે કહ્યું હતું કે, સાત વર્ષ સુધી UPAની સરકારે ડેમના દરવાજા પણ લગાવવાની મંજૂરી આપી ન હતી પણ નરેન્દ્ર મોદી જ્યારે ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે માત્ર ગણતરીના દિવસોમાં ડેમના દરવાજા લગાવવાની અને બંધ કરવાની મંજૂરી તેમજ ગયા વર્ષે ડેમને સંપૂર્ણ ભરવાની મંજૂરી પણ આપી. નર્મદા ડેમનું સંપૂર્ણ કામ આપણે પુરૂ કર્યુ. તેના ફળ સ્વરૂપે કચ્છ, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં છેવાડાના ગામ સુધી, 700 કિ.મી. સુધી આ નર્મદાના પાણીને પહોંચાડીને ગુજરાતની જનતાને આપણે સિંચાઇ, ખેતી અને પીવાના પાણી આપી શક્યા છીએ. મા નર્મદે સર્વદે ખરા અર્થમાં સાબિત થઈને ગુજરાતનો સર્વાંગી વિકાસ થશે તેવી શ્રદ્ધા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી કહ્યું હતું કે, આજે પુન: સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ 138.68 મીટરની સપાટીએ ભરાયો છે અને આજે મા નર્મદા પવિત્ર નીરના ઇ-વધામણાં કર્યા છે. આવનાર બે વર્ષ સુધી મા નર્મદાનું પાણી ગુજરાતના વિકાસને હરણફાળ ગતીથી આગળ વધારીને વિકાસની નવી દિશા કંડારશે. જળ વિના જીવન નહી અને પાણી વિના વિકાસ નહી. ગુજરાતના વિકાસ માટે આ જીવાદોરી સાબિત થશે. આવનારા દિવસોમાં સરદાર સરોવર આપણા વિકાસની નવી તાકાત બનશે અને મા નર્મદાના આર્શીવાદ ગુજરાતને સદાય મળતાં રહેશે તેવી સૌ ગુજરાતીઓ વતી ભગવાનને પ્રાર્થના કરીને મુખ્યમંત્રીએ ડેમ સંપૂર્ણ ભરાવવા બદલ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સરદાર સરોવર ડેમ કેવડિયા ખાતે નર્મદા રાજ્ય મંત્રી યોગેશ પટેલ અને સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તા ઉપસ્થિત રહીને ફળ અને પુષ્પ અર્પણ કરીને સંપૂર્ણ મંત્રોચ્ચાર વિધિ સાથે મા નર્મદાના નીરના વધામણાં કર્યા હતા.

રાજીવ ગુપ્તાએ આ પ્રસંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ખેડૂતોને સિંચાઇ અને જનતાને પીવાનું પાણી મળી રહે તે માટે વિશેષ ચિંતા કરી છે. મુખ્યમંત્રીના સતત માર્ગદર્શનથી આ વર્ષે સરદાર સરોવર ડેમમાં પાણીનો આવરો અડધો હોવા છતાં આપણે આ ડેમ સંપૂર્ણ ભરી શક્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp