જીરુંમાં ભેળસેળ કરવા બદલ 80 લાખનો શંકાસ્પદ માલ જપ્ત કરાયો

PC: khabarchhe.com

ફુડ સેફટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી.કોશીયાની યાદીમાં જણાવ્યા મુજબ તા.6 જૂન 2018ના રોજ તંત્રને મળેલી માહિતી અનુસાર ઉંઝા તાલુકાના બ્રાહ્મણવાડામાં જીરુંમાં ભેળસેળ કરવા બદલ પાલડીયા કોર્પોરેશનમાંથી રૂા.80,08,000થી વધુ કિંમતનો શંકાસ્પદ માલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલ ભેળસેળીયા જીરુંમાંથી નમૂના લઇને ચકાસણી અર્થે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. વધુ માહિતી આપતા ફૂડ કમિશનરે કહ્યું હતું કે, મળેલી માહિતી મુજબ વાહન નં.જીજે-12-બીટી-1910 તથા જીજે-12-બીટી-0568ના મોટા કન્ટેઇનરમાં ભેળસેળીયુ જીરું એક્ષપોર્ટ કરવા માટે મુંદ્રા પોર્ટ તરફ જઇ રહ્યું છે અને હાલ તે કન્ટેઇનર પાટણ જિલ્લામાં છે. આથી ડેઝીગ્નેટેડ ઓફિસર પાટણની ટીમ તે સ્થળે પહોંચીને જરૂરી તપાસ કરી હતી.

આ તપાસમાં જાણવા મળ્યું કે, કન્ટેઇનરમાં રહેલો માલ મે. પાલડીયા કોર્પોરેશન, બ્રાહ્મણવાડા તા. ઉંઝાના માલિક ભરત જગદીશ પટેલની માલિકીનો છે અને તેઓ આ માલ ઇજીપ્ત દેશમાં એક્ષપોર્ટ કરવા માટે મોકલી રહ્યા છે. ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા જીરું ભરેલી બેગો ખોલાવીને જોતા પ્રથમ દ્રષ્ટિએ જ તે માલમાં મોટા પાયે ભેળસેળ કરેલ હોવાનું જણાતા લોકલ ક્રાઇમ પોલીસની મદદથી બંને કન્ટેઇનરને ભરત જગદીશ પટેલની માલિકીના ગોડાઉન મે. પાલડીયા કોર્પોરેશન, બ્રાહ્મણવાડા તા. ઉંઝા-સિદ્ધપુર હાઇવે ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં 280 X 25 કિલો = 52000 કિલોગ્રામ શંકાસ્પદ ભેળસેળયુક્ત જીરું જપ્ત કરવામાં આવ્યું હતું. આ બંને કન્ટેઇનરમાંથી જીરુંના નમુના લઇ પ્રયોગશાળામાં વધુ ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

મહેસાણાના ડેઝીગ્નેટેડ ઓફિસર કે.આર.પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર એસ.કે.પ્રજાપતિ તથા પાટણના એસ.બી.પટેલ દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઇ છે જેના પરિણામે ઉંઝાના ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપેલ છે તેમ કમિશનર ઓફ ફૂડ સેફ્ટી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp