26th January selfie contest

40 લાખનો લોસ થયા બાદ ફરી ઊભી કરી કંપની, હાલ છે 12 કરોડનું ટર્નઓવર

PC: youtube.com

મોટાં શહેરો હોય કે નાના ગામડાં આજના યુવાનો રોજગારી મેળવવા નવા-નવા આઇડિયા પર સ્ટાર્ટઅપ કંપની ખોલી રહ્યા છે. આવી જ એક સ્ટાર્ટઅપ કંપની ખોલી હતી દિપ્તીએ. દિલ્હીની રહેવાસી દિપ્તીએ 2 વર્ષ પહેલાં તેણે ખોલેલી સ્ટાર્ટઅપ કંપની ચાલવામાં નિષ્ફળ થઈ ગઈ હતી અને 40 લાખનું નુક્સાન થઈ ગયું હતું. હાલ, તે 12 કરોડ ટર્નઓવરની આઉટડોર એડ્વર્ટાઈઝિંગ કંપની ચલાવી રહી છે.

2014 માં દીપ્તીએ સીએ છોડી દીધું હતું અને કંઈક નવું કરવાનું વિચારતી હતી. તે સમયે તેને એક મોટી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવાની તક મળી. જેમાં મોટા સેલિબ્રિટીઝ ભાગ લેવાના હતા. દિપ્તીએ ભાગીદારીમાં આ ઇવેન્ટને સફળ બનાવવાની જવાબદારી લીધી પરંતુ દિપ્તી આ ઈવેન્ટ માટે સ્પોન્સર્સ ભેગાં ન કરી શકી અને ઇવેન્ટની ટિકિટ પણ વધુ વેચી ન વેચાઈ. આ રીતે તેને 40 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું. ઈવેન્ટનો પાર્ટનર પણ દિપ્તીને એકલો મૂકી જતો રહ્યો. આ પરિસ્થિતિમાં દિપ્તી માટે માત્ર 2 જ રસ્તા હતા. પહેલો એ કે તે ક્યાંક ભાગી જવું અથવા તો પછી આ પરિસ્થિતિનો સામનો કરવો પણ દિપ્તીએ આ પરિસ્થિતિ સામે લડવાનું સ્વીકાર્યું.

દિપ્તિએ હિંમત કરીને તેના પિતાને તેને થયેલા નુક્સાનની વાત કરી. દિપ્તિ કહે છે કે, 'પપ્પાએ એ જ દિવસે ઘર વેચવાનું આયોજન કર્યું અને બહુ ઓછા પૈસામાં ઘર વેચી નાંખ્યું. જેથી ઈવેન્ટમાં થયેલા નુક્સાનની ભરપાઈ થઈ શકે. પાપ્પાએ સમજાવ્યું હતું કે જે પૈસા ગયા છે તેને બેકાર ન સમજીશ. તે તને ઘણું બધું શીખવાડી ગયા છે. આ પૈસાને તું તારી એમબીએની ફી સમજી લે અને આગળ વધ.' પછી દિપ્તીમાં હિમ્મત આવી અને તેણે ફરી પ્રયત્ન કરવાનું નક્કી કર્યું અને આ નિર્ણય બન્યો દિપ્તીના જીવનનો ટર્નિંગ પોઇન્ટ. ત્રણ મહિના પછી દિપ્તીના લગ્ન વિકાસ સાથે થઈ ગયા. વિકાસ એક સોફ્ટવેર એન્જિનિયર હતો અને મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો પણ પોતાનો ધંધો શરૂ કરવા પહેલાં થોડી ટેક કંપનીઓ સાથે ફ્રી લાન્સિંગ કરવા લાગ્યો. વિકાસ કોઈ પ્રોડેક્ટ પર કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ ક્લાયન્ટે કહ્યું કે અહીંયા હોર્ડિંગ્સ લગાવવાના છે. ત્યારે વિકાસને વિચાર આવ્યો કે એક એવી કંપની ખોલવામાં આવે જે એક ક્લિક પર હોર્ડિંગ્સ લગાવવાના કામ થઈ જાય. આ રીતે વિકાસ અને દિપ્તીએ સાથે મળીને 'ગોહોર્ડિંગ્સ ડોટ કોમ' કંપનીની શરૂઆત કરી. નોઇડા સ્થિત આ સ્ટાર્ટઅપમાં હાલમાં 20 લોકો કામ કરી રહ્યા છે.

દિપ્તી અને વિકાસે માત્ર 50-50 હજાર રૂપિયા લગાવી કંપની શરૂ કરી હતી અને માત્ર 2 વર્ષમાં તેમણે કંપનીનું ટર્નઓવર 12 કરોડ કરી દીધું. જેમાં પહેલાં વર્ષનું ટર્નઓવર માત્ર 2 કરોડ હતું. આવનારા સમયમાં કંપનીનું ટર્નઓવર 50 કરોડ રૂપિયા થાય તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. દિપ્તી અને વિકાસને વિશ્વાસ છે કે તેમની મહેનત રંગ લાવશે અને એક દિવસ તેમની કંપની ચોક્કસ સફળતાના દરેક શિખર પાર કરી જશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp