26th January selfie contest

ખુશ્બુ મહિલા હતી પણ તેની તાકાત અને હિંમત પુરુષ પોલીસ અધિકારીને શરમાવે તેવી હતી

PC: khabarchhe.com

2017માં ખુશ્બુ જુનાગઢ પોલીસ તાલીમ શાળામાંથી પોલીસ અધિકારી તરીકેની આકરી તાલીમ અને પરિક્ષા પાસ કરી રાજકોટ પોલીસમાં આસીસ્ટન્ટ પોલીસ સબઈન્સપેકટર તરીકે સામેલ થઈ હતી. ખુશ્બુ સાથે નોકરી કરનાર તેના સાથીઓ અને તાલીમ શાળામાં તેની સાથે તાલીમઆર્થી રહી ચકેલા પોલીસ અધિકારીઓ કહે છે. ખુશ્બુ ભલે મહિલા હતી પણ તેની તાકાત અને હિંમત કોઈ પુરૂષ અધિકારીને શરમાવે તેવી હતી. પોલીસ અધિકારી તરીકે તે એકદમ ફીટ હતી. તા 10મી જુલાઈની રાતે પોતાના ગામમાં બંધાઈ રહેલા નાનકડા ઘરના ખર્ચ માટે પોતાની અભણ માતા સાથે ફોન ઉપર વાત કરે છે, તે માતા કહે છે માં તે હમણાં સુઘી ઘણુ કર્યુ હવે મારો સમય છે મને મારૂ કામ કરવા દે.

ખુશ્બુ ખુબ નાની હતી ત્યારે તે મા તેને પલંગની બાજુમાં સુવાડી ભજીયા બનાવતી હતી. ખુશ્બુના માતા પિતાએ ગુજરાન ચલાવવા માટે ભજીયા બનાવી વેચવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. ખુશ્બુ તેમનું સૌથી મોટુ સંતાન હતી, એટલે જ ખુશ્બુના પિતાએ શરૂ કરેલી લારીનું નામ પણ ખુશ્બુ ભજીયા રાખ્યુ. આજે પણ ખુશ્બુના પિતા જામજોધપુરમાં ભજીયાની લારી ચલાવે છે.2017માં ખુશ્બુ પોલીસમાં જોડાઈ ત્યાર પછી માતા પિતા માનવા લાગ્યા કે જીવનની કઠણાઈના અંત આવ્યો છે. જામજોધપુર જેવા નાનકડા ગામમાંથી મુંબઈની શ્રોફ કોલેજમાં જઈ ખુશ્બુએ સ્નાતકની ડીગ્રી મેળવી હતી. બધુ જ સારૂ થશે તેવી કહેતી ખુશ્બુએ તા 11 જુલાઈના રોજ પરિવારને આધાત આપ્યો.સવારે ખુશ્બુ જે સરકારી આવાસમાં રહેતી હતી ત્યાંથી ગોળી મારેલી હાલતમાં ખુશ્બુની લાશ મળી. તેની બાજુમાં જ કોન્સ્ટેબલ રવિરાજનો પણ મૃતદેહ પડયો હતો તેના લમણામાં પણ ગોળી વાગી હતી.

ખુશ્બુ અને રવિરાજ વચ્ચે પ્રેમ હતો જે વાત હવે જાહેર થઈ ચુકી છે. ખુશ્બુના લગ્ન ન્હોતા થયાં અને રવિરાજ એક બાળકીનો પિતા હતો. આ તબ્બકે સામાજીક કારણસર ખુશ્બુ અને રવિરાજના લગ્ન શકય ન્હોતો. ખુશ્બુ છુપાઈને કંઈ કરે તેમ પણ ન્હોતી. ખુશ્બુને જયારે સાથી અધિકારીઓ રવિરાજના પ્રેમને લીધે થઈ રહેલી ચર્ચા અંગે તે કહેતા તો તે જવાબ આપતી કે જેને મારા સંબંધ અંગે પુછવુ હોય તે સામે આવી પૂછે. આમ તો પોતાના સંબંધોને લઈ સ્પષ્ટ હતી. હમણાં સુધી રાજકોટ પોલીસની તપાસમાં જે આવ્યુ તે પ્રમાણે પહેલા રવિરાજે ખુશ્બુને ગોળી મારી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી. પણ અચાનક શું બન્યું તેનો તાળો પોલીસ શોધી રહી છે. એકબીજાને અઢળક પ્રેમ કરનાર માણસ બીજાને ગોળી મારે અને પોતે પણ કેમ મરી જાય, તે હજી તપાસ કરનાર અધિકારીઓને સમજાતુ નથી. આવા અનેક પ્રશ્નના ઉત્તર પોલીસ શોધી રહી છે આ પ્રશ્નનો ઉત્તર પોલીસને મળશે કે સમયના ગર્ભમાં તે ઓગળી જશે, તે કહેવુ હાલમાં શકય નથી.

ખુશ્બુના માતા પિતા માટે આ બીજો આધાત હતો, ખુશ્બની નાની બહેન વિધિએ ચાર વર્ષ પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી. ખુશ્બુ પોતે પણ વિધિને ભુલી શકી નહીં. વિધિની ગેરહાજરીમાં પણ છેલ્લાં ચાર વર્ષથી ખુશ્બનો જન્મ દિવસ ધામધુમથી ઉજવતી હતી. ખુશ્બએ હજી ચાર દિવસ પહેલા તા 9મી જુલાઈના રોજ વિધિના જન્મ દિવસે મિત્રો અને સંબંધીઓને બોલાવી કેક કાપ્યો હતો. ગરબે ધુમી હતી. ખુશ્બુ જયારે નોકરી ઉપર ના હોય અને કોઈ પ્રસંગમાં જવાની હોય ત્યારે તૈયાર થવાનો ખુબ શોખ હતો. એટલે જયારે તેની અંતિમવિધિમાં હાજર તેની સાથી મહિલા પોલીસ અધિકારીઓએ તેના અંતિમ સંસ્કાર પહેલા તેને તૈયાર કરી હતી. અંતિમવિધિ વખતે આવી પહોંચેલી ત્રણ બાળાઓ ખુશ્બનો નશ્વર દેહ જોઈ કહ્યું અમને દીદીએ કહ્યુ તમારે ખુબ ભણવાનું છે. તમારા પપ્પા ના પાડે તો હું તમને ભણાવીશ. પણ હવે અમને કોણ ભણાવશે, આ બાળાનો પ્રશ્ન સાંભળી ત્યાં હાજર તમામની આંખો ભીની થઈ ગઈ હતી.

ખુશ્બુના ખાખી કપડા પાછળ પણ એક ઉત્તમ માણસ જીવતો હતો. ખુશ્બુએ આવુ કેમ કર્યુ તેનો ઉત્તર આપવા તો હવે ખુશ્બુ નથી. ખુશ્બુની ગેરહાજરીમાં તેણે ગર્ભપાત કરાવ્યો હતો, ખુશ્બુ જેને ભાઈ માનતી હતી તેવા સાથી ઓફિસર વિવેકને લઈ પણ અનેક અટકળો અખબારમાં આવી રહી છે, પણ આ બધાનો જવાબ આપવા માટે હવે ખુશ્બુ નથી. ખુશ્બુને તેના નાના ભાઈ કરણે અગ્નીદાહ આપ્યો હતો. ખુશ્બુની સાથી રહેલી મહિલા અધિકારીઓ જયારે ખુશ્બુના અંતિમ સંસ્કાર પછી જઈ રહી હતી ત્યારે તેની માતાએ તેમનો હાથ પકડી કહ્યું -હું તો અભણ મા છુ. મને કાયદો ખબર પડતી નથી. પણ મારૂ ખુશ્બુએ આવુ કેમ કર્યું, તેનો જવાબ તમારે શોધવાનો છે. મારી ખુશ્બુને તમે મદદ કરજો. આ વખત આંખમાં આંસુ સિવાય મહિલા અધિકારીઓ પાસે કોઈ જવાબ ન્હોતો.

(પ્રશાંત દયાળ)

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp