26th January selfie contest

ગુજરાતના એન્જિનિયરે ક્રિકેટર્સ માટે બનાવી એપ, હવે વાર્ષિક 3.5 કરોડનું છે ટર્નઓવર

PC: http://sikkimcricket.com/

દેશ-દુનિયામાં ક્રિકેટનું ફેન ફોલોઈંગ અન્ય ગેમ્સની સરખામણીમાં ખૂબ જ વધુ છે. ક્રિકેટ મેચ જોવા માટે લોકો ટીવીની સામે કલાકો સુધી બેસવા માટે તૈયાર રહે છે. T20 આવ્યા બાદ તો યુવાઓમાં તેનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે. દરેક જગ્યાએ નાના-મોટા લેવલ પર ટૂર્નામેન્ટ આયોજિત કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રેઝને જોતા અમદાવાદના એક એન્જિનિયરે તેને કમાણીનું સાધન બનાવી દીધુ. તેનુ નામ છે અભિષેક દેસાઈ. અભિષેકે 5 વર્ષ પહેલા પોતાના ફ્રેન્ડ્સની મદદથી એક એપ બનાવી, જેમા લાઈવ ક્રિકેટ સ્કોરની સાથે જ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરી શકાય છે. અત્યારસુધી આ એપ સાથે દુનિયાભરના આશરે 95 લાખ પ્લેયર જોડાઈ ચુક્યા છે. એપનો ઉપયોગ 70થી 75 દેશોમાં કરવામાં આવી રહ્યો છે. તેના દ્વારા 3.5 કરોડ રૂપિયાનું ટર્નઓવર મળી રહ્યું છે.

અભિષેકે જણાવ્યુ કે, એન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણે 2004માં પોતાના ફ્રેન્ડ્સની સાથે DIGCORP નામની કંપની શરૂ કરી. આ કંપનીમાં તેઓ દેશ-વિદેશના વ્યવસાયીઓ માટે એક એપ ડેવલપ કરી રહ્યા હતા. કંપની સારુ કામ કરી રહી હતી, પરંતુ કંઈક અલગ કરવાના પ્રયત્નમાં અમે 2007માં પેટપૂજા નામની એક એપ બનાવી. જેમા અમદાવાદના લોકો 100 કરતા વધુ રેસ્ટોરન્ટ્સમાંથી ખાવાનું મગાવી શકતા હતા. બે વર્ષ સુધી તો અમે તેને ચલાવી, પરંતુ પછી તેને બંધ કરવી પડી, કારણ કે ગ્રાહકોની સંખ્યા ઓછી પડી રહી હતી.

અભિષેકે જણાવ્યું, હું એકવાર ચાની દુકાન પર બેઠો હતો. તે સમયે પાસેના મેદાન પર ક્રિકેટ રમી રહેલા કેટલાક છોકરાઓ ચા પીવા આવ્યા અને બેટિંગ સહિત ક્રિકેટ સ્કોર, હાર અને જીત જેવી વાતો પર ચર્ચા કરવા માંડ્યા. આ ચર્ચા ડેટા વિનાની હતી. એટલે કે જે મેચો રમાઈ રહી હતી, તે પેપર્સ પર જ હતી. તેના પરથી મને વિચાર આવ્યો કે, આ સમસ્યાને દૂર કરવી જોઈએ. પછી મેં માર્કેટમાં ઉપબલ્ધ ઘણી ક્રિકેટ એપ જોઈ, પરંતુ દરેકમાં કોઈક ને કોઈક મુશ્કેલી હતી.

અભિષેકે કહ્યું કે, તેને લઈને અમે અમદાવાદમાં એક સર્વે કર્યો. શહેરના વિવિધ મેદાનો પર ગયા, ત્યાં ક્રિકેટરો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે, સ્કોરર ખૂબ જ મહેનત કરે છે, પરંતુ આ ડેટા મેચ બાદ કોઈના કામમાં નથી આવતા. મને લાગ્યું કે, જો તેને લઈને એક એપ બનાવવામાં આવે તો સારો રિસ્પોન્સ મળશે. ત્યારબાદ મેં આ બિઝનેસ પ્લાન મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને સંભાવ્યો. તેમને આઈડિયા પસંદ આવ્યો અને વર્ષ 2016માં અમે ક્રિક હીરોઝ નામથી એપ તૈયાર કરી.

2016માં અમે ક્રિક હીરોઝની પહેલી સિઝન લોન્ચ કરી. ત્યારે ગુજરાત યુનિવર્સિટીની ઈન્ટર કોલેજ ટૂર્નામેન્ટ હતી. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતની આશરે 50 કોલેજોની વચ્ચે મેચ રમાઈ રહી હતી. અમને આ ટૂર્નામેન્ટમાં સ્કોરિંગ કરવાની તક મળી. પછી અમને જાણવા મળ્યું કે, શનિવાર-રવિવારની મેચો ઉપરાંત ટૂર્નામેન્ટની અન્ય મેચોમાં પણ ખૂબ જ મોટું માર્કેટ છે. પછી અમે ટૂર્નામેન્ટના આયોજકને ધ્યાનમાં રાખીને એપમાં થોડાં બદલાવ કર્યા. જેમા ટૂર્નામેન્ટના આયોજક પોતાની ટૂર્નામેન્ટ રજિસ્ટર કરી શકે અને મેચને જાતે સ્કોર કરી શકે.

હાલ આ એપ સાથે 24 રાજ્ય ક્રિકેટ સંઘ જોડાયેલા છે. દેશના 100 કરતા વધુ જિલ્લા સ્તરીય ક્રિકેટર સંઘ પણ સામેલ છે. તેમજ ICCના 25-30 ક્રિકેટ એસોસિએશન પણ જોડાયેલા છે. દેશની સાથોસાથ વિદેશના ક્રિકેટ એસોસિએશન જેવા કે શ્રીલંકા, અફઘાનિસ્તાન, આફ્રિકા, યુરોપ, અમેરિકા પણ આ એપનો ઉપયોગ કરી રહ્યા છે.

ક્રિકે હીરોઝમાં સામેલ થવા માટે પ્લેયરે રજિસ્ટ્રેશન કરવુ પડે છે. લોગ-ઈન કર્યા બાદ જ્યારે પણ મેચ હોય, તમે તેનું સ્કોરિંગ કરી શકો છો. આ સાથે જ તમારી મેચનું લાઈવ સ્કોરિંગ શરૂ થઈ જશે. આ એપમાં તમે દુનિયામાં કોઈપણ તમારી મેચનો સ્કોર જોઈ શકશો. સાથે જ તમે પોતે જ ક્રિકેટર તરીકે પ્રોફાઈલ પણ બનાવી શકો છો. ક્રિકેટ સ્કોર જોવા માટે કોઈ ચાર્જ લેવામાં નથી આવતો, પરંતુ જો કોઈ મેચને લાઈવ સ્ટ્રીમ કરવા માગે તો તેણે પ્રતિ મેચ પ્રમાણે 199 રૂપિયા ચુકવવા પડે છે.

ક્રિક હીરોઝ સાથે જોડાયા બાદ ખેલાડીની તમામ મેચોના ડેટા રહે છે. સાથે જ આ એપમાં લાઈવ સ્ક્રીનિંગનું ફીચર પણ જોડવામાં આવ્યું છે, જેના દ્વારા ખેલાડી પોતાની મેચને મોબાઈલ કેમેરા દ્વારા જ લાઈવ કરી શકે છે. તેને કારણે દેશ-વિદેશમાં બેઠેલા લોકો પણ તમારી મેચને લાઈવ જોઈ શકે છે. લાઈવ સ્ક્રીનિંગમાં પ્લેયરની દરેક બોલના અલગ-અલગ વીડિયો ઓટોમેટિક બની જાય છે. એટલે કે પ્લેયર મેચની હાઈલાઈટ પણ જોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp