વ્હિસ્કીની ચુસ્કી મારતા-મારતા મજ્જાની લાઈફ જીવતા કુલ દાદી

PC: facebook.com

દાદી શબ્દ સાંભળતા જ આપણને દાદીનો પ્રેમ અને તેમની વાર્તાઓ યાદ આવી જાય. સાથે જ રામાયણ અને મહાભારત તેમજ આપણી સંસ્કૃતિ વિશે તેમના વિચારો, ભગવાનમાં અતૂટ શ્રદ્ધા, પૂજા-પાઠ અને આપણને પણ તે પ્રમાણે વર્તવાની તેમની સલાહ યાદ આવી જાય. પરંતુ શું તમે ક્યારેય દાદીને તેમના પૌત્ર-પૌત્રીઓ સાથે મોડી રાત્રે મેગી કે પિત્ઝા પાર્ટી કરતા અને ગપ્પા મારતા જોયા છે? ના જોય હોય તો વાંધો નથી. અમે આજે તમને એક એકદમ કુલ દાદી વિશે વાત વાત કરવા જઈ રહ્યા છીએ, કે જેમના વિશે વાંચ્યા બાદ તમારા મગજમાં દાદીની પરિભાષા જ બદલાઈ જશે.

મુંબઈમાં રહેતા એક 75 વર્ષીય મહિલાએ પોતાના જીવન સંઘર્ષ અને પોતાની વિચારસરણી વિશે વાત કરતા કહ્યું હતું કે, હું રોજ સવારે ભગવાનની પૂજા કરું છું અને દર બીજા દિવસે સાંજે વ્હિસ્કી પીઉં છું. જ્યારે મારા દીકરાનો જન્મ થયો હતો, ત્યારબાદ પહેલીવાર મેં બ્રાન્ડી ચાખી હતી- અને સાચુ કહું તો મને ખૂબ જ મજા આવી હતી. ત્યારબાદ, વિવિધ પ્રસંગોએ કે પછી કોઈ વાર-તહેવારે કે પછી પરિવારના કોઈ ફંક્શન્સમાં હું આલ્કોહોલ પીતી અને ઘણીવાર બીયર સાથે વિવિધ એક્સપરિમેન્ટ્સ પણ કરતી. મને ડાયાબિટીસ છે, પરંતુ મને ચોકલેટ્સ અને કેન્ડી ખૂબ જ પ્રિય છે. જીવનમાં ઘણો સંઘર્ષ કર્યા બાદ હવે હું જીવનને વધુ ગંભીરતાથી નથી લેતી.

જ્યારે હું 25 વર્ષની હતી, ત્યારે મારા પરિવારજનો સાથે મારો સંબંધ કપાઈ ગયો હતો, કારણ કે તેઓ એવું વિચારતા હતા કે મારા અંકલની સાથે મારી નણંદને ભગાવવામાં મારો જ હાથ હતો. આ ઘટનાના તુરંત બાદ મને જાણવા મળ્યું કે હું પ્રેગનેન્ટ છું, પરંતુ જન્મના એક દિવસમાં જ મારી પુત્રીનું મૃત્યુ થઈ ગયું. ત્યારે મારી પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે મને મારી જન્મેલી દીકરીનું મોઢું જોવાની તક પણ નહોતી મળી. આ પ્રસંગ બાદ મેં જીવનમાં આવતા ઉતાર-ચડાવ સાથે જીવતા શીખી લીધુ.

જ્યારે હું 50 વર્ષની થઈ, ત્યારે મને પેટનું કેન્સર હોવાનું નિદાન થયું. પરંતુ પરિવારજનોના સાથ અને સારી ટ્રીટમેન્ટના કારણે હું તેમાંથી ખૂબ જ જલ્દી બહાર આવી ગઈ. પરંતુ તેના 15 વર્ષ બાદ મને બ્રેસ્ટ કેન્સર હોવાનું જાણવા મળ્યું. 67 વર્ષની ઉંમરે મને બ્રેસ્ટ કેન્સર હોવાનું જણાતા મને એક અજીબ પ્રકારનો ડર લાગવો માંડ્યો અને હું તેની સામે કઈ રીતે લડીશ અને તેમાંથી સલામત કઈ રીતે બહાર આવીશ તે વિચારે જ મને ધ્રૂજારી છૂટી જતી. પરંતુ, મારી પ્રબળ મનોશક્તિને કારણે હું તેમાંથી પણ જલ્દી બહાર આવી ગઈ અને સર્જરી દ્વારા મારું એક બ્રેસ્ટ દૂર કરવામાં આવ્યું. ત્યારે મારી આંખમાંથી એક આંસુ સરી પડ્યું હતું અને તે છેલ્લી વખત હતું કે જ્યારે હું રડી હતી.

ત્યારબાદ જેટલા પણ પ્રોબ્લેમ્સ જીવનમાં આવ્યા ત્યારે હું વિચારતી કે મારા જીવનમાં મેં જે દુઃખો અને તકલીફો સહન કરી છે, તેની સામે તો આ કંઈ જ નથી અને પછી તે સમસ્યા વિશે વધુ ના વિચારતી. સમસ્યા પર ધ્યાન આપવાને બદલે હું હવે મારા જીવનને હસી-ખુશી અને ઉત્સાહથી જીવું છે અને મારા બધા જ શોખ પૂરા કરું છે. મને રાંધવાનો પણ ખૂબ જ શોખ છે, એટલે જ્યારે પણ થોડી ઉદાસી જેવું લાગે એટલે રસોડામાં જઈને મારી વર્લ્ડ ફેમસ પ્રોન બિરયાની બનાવું છે અને મારા પૌત્ર-પૌત્રીઓની આદતો ખરાબ કરવાનો શ્રેય પણ મને જ જાય છે. દર અઠવાડિયે અમે મીડ-નાઈટ દાદી પાર્ટીનું આયોજન કરીએ છીએ, જ્યાં અમે મેગી કે પછી પિત્ઝાનો આનંદ માણતા-માણતા ગપ્પા મારીએ છીએ.

હવે મારી ઉંમર 75 વર્ષની થઈ ગઈ છે અને હું લાઈફ માત્ર એક સિમ્પલ ફંડા સાથે જીવુ છું- જેવો સમય આવશે તેવો સામનો કરાશે, થોડી વ્હિસ્કી પીઓ અને મજ્જાની લાઈફ જીવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp