ભૂખને શાંત કરવા તીખું મરચું ખવડાવતી હતી મા, IPS કહી પોતાના સંઘર્ષ સમયની કહાની

PC: jagran.com

આપણી આસપાસ અનેક એવા લોકો છે, જેમણે કારમો સંઘર્ષ કરીને સફળતા પ્રાપ્ત કરી હોય છે. એવો જ કિસ્સો છે છત્તીસગઢના તારાપુર ગામના યુવાન IPS ભોજલરામ પટેલનો, જેમણે હંફાવી કાઢે એટલી ગરીબીનો સામનો કરવો પડ્યો હતો.

ભોજલરામ પટેલની માતા નિરક્ષર છે. તો તેમના પિતા માત્ર પ્રાયમરી સુધી ભણી શક્યા હતા. પોતાનું જીવન ગુજારવા માટે તેમની પાસે માત્ર બે વિઘા જમીન હતી, જેમાં તેઓ ખેતી કરતા હતા. પોતાના ગામની સરકારી સ્કૂલમાં ભણેલા ભોજલરામે બાળપણમાં જ તેમના જીવની આ પરિસ્થિતિને એક ચેલેન્જ તરીકે સ્વીકારી લીધી હતી. અને માત્ર શિક્ષણના માધ્યમથી જ જીવનમાં આગળ વધવાનું તેમણે પ્રણ લઈ લીધું હતું. પાછળથી તેમણે શિક્ષક તરીકે નોકરી તો લઈ લીધી હતી, પરંતુ આ કંઈ તેમના જીવનની મંજીલ નહોતી. એટલે પાછળથી તેઓ વધુ મહેનત કરે છે અને એક દિવસ તેઓ દેશના IPS બની જાય છે.

જોકે આજે ભલે ભોજલરામ IPS તરીકે કાર્યરત છે, પરંતુ તેઓ તેમનો ભૂતકાળ હજુ સુધી ભૂલ્યા નથી. આ વિશે એક ઈન્ટરવ્યુમાં તેઓ કહે છે કે તેમના જીવનમાં એક સમય એવો પણ હતો, જ્યારે પેટ ભરવું જ તેમના પરિવાર માટે મોટો પડકાર હતો. ઘરમાં ઝાઝું અનાજ નહોતું રહેતું એટલે તેમની મા શાક અથવા દાળમાં મરચું વધુ નાંખી દેતી, જેથી અમને ભૂખ ઓછી લાગતી અને વધુ પાણી પીને અમારી ભૂખ શાંત થઈ જતી.

ગરીબી નજીકથી જોઈ હોવાને કારણે આજે પણ ભોજલરામ પટેલ પોતાના ગામના બાળકોને ભણતરમાં મદદ કરે છે અને તેમને એ વાત કહે છે કે જીવનમાં આગળ આવવા માટે શિક્ષણ જ એકમાત્ર સાધન છે. ભોજલરામ એમ પણ સ્વીકારે છે કે તેમના માતા-પિતાએ પણ તેમને ભણતરનું મહત્ત્વ સમજાવ્યું હતું અને તેમને અભ્યાસ કરવા માટે પ્રેરિત કર્યા હતા.

ગરીબીને કારણે સ્કૂલમાં ભણતી વખતે ભોજલરામ તેમના માતા-પિતાને ખેતીમાં પણ મદદ કરતા હતા. જોકે કૉલેજનું શિક્ષણ પૂરું થયા બાદ તેમનું વર્ગ બેના શિક્ષક તરીકે સિલેક્શન થયું હતું અને ત્યારપછી તેમના દિવસો ઘણા બદલાયા હતા. જોકે શિક્ષકની નોકરીને તેમણે અંતિમ લક્ષ્ય નહોતું માન્યું એટલે શિક્ષક તરીકેની જવાબદારી પૂરી કર્યા બાદ તેઓ સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારીઓ કરતા હતા. પાછળથી તેમની એ મહેનત રંગ લાવી અને તેઓ IPS થવામાં સફળ રહ્યા. હવે તેઓ ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે કાર્યરત છે અને પોતાની સર્વિસમાંથી જ્યારે પણ સમય મળે છે ત્યારે પોતાના ગામના યુવાનોને કરિયરમાં આગળ વધવા માટેની સલાહ આપે છે અને ગામની સ્કૂલના બાળકોને સમય આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp