ગ્રાહકે પકડી એટલી મોટી ભૂલ કે ઝોમેટોના કર્મચારીથી લઈને CEO સુધી બધાએ માફી માંગી

PC: india.com

ભારતીય ખાદ્ય વિતરણ પ્લેટફોર્મ ઝોમેટોના CEO દીપિન્દર ગોયલે તાજેતરમાં જાહેરમાં માફી માંગી છે જેમાં તેમણે શાકાહારી ખોરાક પર લેવાતી વધારાની ફી વસૂલવાના મુદ્દા પર માફી માંગી છે. આ મુદ્દો ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે એક લિંક્ડઇન યુઝરે તેના વિશે ફરિયાદ કરી, ત્યાર પછી CEO ગોયલે તેનો તાત્કાલિક જવાબ આપ્યો અને વચન આપ્યું કે, લેવાનારી આ વધારાની ફી તાત્કાલિક દૂર કરવામાં આવશે.

રૂટ ટુ માર્કેટ ખાતે E-કોમર્સના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ રોહિત રંજને લિંક્ડઈન પર પોસ્ટ કરી ત્યારે આ વિવાદ શરૂ થયો. તેમણે કહ્યું કે, ભારતમાં શાકાહારી ખોરાકનો ઓર્ડર આપવો હવે 'લક્ઝરી ટેક્સ' બની ગયો છે. રંજને લખ્યું, 'ભારતમાં શાકાહારી હોવું હવે એક અભિશાપ બની ગયું છે. ઝોમેટોના તાજેતરના પગલા, 'વેજિટેરિયન ફ્લીટ' માટે વધારાની ફીએ આપણને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં ફેરવી દીધા છે. તો મારા બધા શાકાહારી મિત્રો, તૈયાર થઈ જાઓ! આપણે 'ગ્રીન અને સ્વસ્થ'થી દૂર થઈ ગયા છીએ અને 'ગ્રીન અને મોંઘુ' બની ગયા છીએ. શાકાહારી હોવું હવે એક લક્ઝરી ટેક્સ છે, તે ફરીથી સાબિત કરવા બદલ ઝોમેટોનો આભાર.'

ઝોમેટોના CEO દીપિન્દર ગોયલે તરત જ રંજનની પોસ્ટનો જવાબ આપ્યો અને માફી માંગી. તેમણે લખ્યું, 'આ અમારા તરફથી સંપૂર્ણપણે મૂર્ખતાપૂર્ણ હતું. મને આ માટે ખૂબ જ દુઃખ છે. આ ફી આજે જ દૂર કરવામાં આવશે. અમે ટૂંક સમયમાં અમારી ટીમમાં જે જરૂરી સુધારાઓ કરવાની જરૂરિયાત છે તેને પણ જલ્દી જ કરીશું, જેથી આવી ભૂલ ફરી ન થાય.'

રંજને દીપિન્દર ગોયલના જવાબ માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું, 'અમને બચાવવા બદલ ફરીથી આભાર! આ સફર દરમિયાન મને સૌથી આશ્ચર્યજનક બાબત એ મળી કે, આ વિચારને અમલમાં મૂકવા અને વરિષ્ઠ અધિકારીઓ પાસેથી મંજૂરી મેળવવામાં જે સમય લાગ્યો તે સફળ રહ્યો.' આ વાતચીતથી સોશિયલ મીડિયા પર ઘણી રસપ્રદ પ્રતિક્રિયાઓ પણ ઉભી થઇ છે. એક યુઝરે ટિપ્પણી કરી, 'એવું લાગે છે કે ઝોમેટોએ કોઈક પાસેથી ઘણું સાંભળી લીધું છે.' જ્યારે, બીજા એક યુઝરે લખ્યું, 'ઝોમેટો હવે કોઈની પાસેથી શીખી રહ્યું છે કે, દરેક વસ્તુ પર ટેક્સ કેવી રીતે લગાવવો.'

આ બાબતે ઝોમેટોના ઝડપી પ્રતિભાવ અને માફીથી કંપનીની છબી કંઈક અંશે સુધારવામાં મદદ મળી. ભારતમાં શાકાહારી ગ્રાહકોની સંખ્યા ખૂબ મોટી છે અને આવી ઘટનાઓ ગ્રાહકોના સંતોષને અસર કરી શકે છે. જોકે, ગોયલે આ બાબતને ગંભીરતાથી લીધી અને તેને તાત્કાલિક સુધારવાનું વચન આપ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp