26th January selfie contest

એક મતનું મૂલ્ય શું છે, જરા આ તરફ નજર ફેરવો, આશ્ચર્ય થશે

PC: connectedtoindia.com

1998મા યોજાયેલી 12મી લોકસભાની ચૂંટણીનો દિવસ હતો. દિલ્હીના એક ચૂંટણી બૂથ ઉપર લાગેલી કતારમાં એક મતદાતાને ઊભેલા જોઈ તમામ લોકો આશ્ચર્યમાં પડી ગયા. એ મતદાતા હતા દેશના પ્રથમ નંબરના નાગરિક તત્કાલીન મહામહિમ રાષ્ટ્રપતિ કે.આર.નારાયણન. તેઓ સામાન્ય મતદારની માફક જ કતારમાં મત આપવા ઊભા હતા. વળી તેઓ એકલા ન હતા, તેમની સાથે તેમના પુત્રી ચિત્રા પણ હતા.

એક પત્રકારે અહોભાવપૂર્વક તેમને પ્રશ્ન પૂછ્યો, તો તેના જવાબમાં તેમણે કહ્યું કે, મત અતિ કિંમતી છે. મતદાન દરેક નાગરિકનો ધર્મ છે. હું મારો નાગરિક ધર્મ નિભાવી રહ્યો છું પણ પ્રશ્ન એ થાય છે કે મત કિંમતી શા માટે છે? મતની કિંમત શું? આ સમજવા માટે એક બીજા પ્રશ્નને સમજવો જરૂરી છે કે જીત અને હાર વચ્ચેનું અંતર કેટલું? તો જવાબ મળે છે કે જીત અને હાર વચ્ચેનું અંતર માત્ર એક જ મતનું છે અને તે કારણે જ ચૂંટણીમાં મત અતિ મૂલ્યવાન છે.

2008ની રાજસ્થાનના નાથદ્વારાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના દાવેદાર સી.પી.જોષી ભાજપના કલ્યાણસિંહ સામે એક મતે હારી ગયા હતા અને મુખ્યમંત્રી પદ ગુમાવ્યું હતું. તેમને એક મત ઓછો મળ્યો હતો. એવી જ રીતે 2008મા મધ્ય પ્રદેશની વિધાનસભાની ચૂંઠણીમાં ધાર બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર નીના વિક્રમ વર્માને મેદાનમાં ઉતાર્યા હતા, જેની સામે કોંગ્રેસે બાલમુકુન્દને ટિકિટ આપી હતી. ધારમાં કુલ 1,06,703 મત પડ્યા હતા, જેમાંથી 50,510 મતો નીના વર્માને મળ્યા હતા અને બાલમુકુન્દને 50,509 મત મળ્યા હતા. એક મતથી નીના ગુપ્તા ચૂંટણી જીત્યા હતા.

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ 1917મા એક મતે જીત્યા હતા. સરદાર પટેલ સામે મોઇનુદ્દીન નરમાવાલા ઉભા હતા. સરદારે 314 મત મેળવ્યા હતા જ્યારે નરમાવાલાને 313 મત મળ્યા હતા. ગુજરાતના ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામની પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસના વારીસમિયાં ઠાકોર અને ભાજપના જહીરમિયાં ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ હતો. બંને ઉમેદવારો એક જ જ્ઞાતિના હતા અને તેઓના આ વોર્ડમાં તે જ જ્ઞાતિ સમુદાયના મત વધારે હતા, જેના કારણે બેઠક ઉપર કોણ હારશે ને કોણ જીતશે તેની ચર્ચાઓ પણ ખૂબ થતી હતી, પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે સૌને આશ્ચર્ય થયું. ભાજપના જહીરમિયાં ઠાકોરને 1,250 અને કોંગ્રેસના વારીસમિયાં ઠાકોરને 1,249 મત મળ્યા હતા. ભાજપના જહીરમિયાંનો એક મતે વિજય થયો.

2010મા ભટોલી જદીદ પંચાયતના સરપંચની ચૂંટણી યોજાઈ. બે મહિલા નીતુ શર્મા અને પૂનમ શર્મા વચ્ચે અહીં બરાબરીનો જંગ થયો. ચૂંટણી યોજાઈ અને પરિણામ પણ આશ્ચર્યજનક રહ્યું. મતગણતરીમાં પૂનમ શર્મા માત્ર એક વોટથી જીતી રહ્યાં હતા. સ્થિતિને જોઈને ચૂંટણી અધિકારીએ એકવાર નહિ દસવાર મતોની ગણતરી કરી પણ પૂનમ શર્મા માત્ર એક મતથી જ જીતી રહ્યાં હતા. અંતે પૂનમ શર્માને વિજેતા ઘોષિત કરાયા. માત્ર એક વોટથી નીતુની હાર થઈ હતી.

2012મા ચંદીગઢ. પંચાયત સમિતિના ચેરમેનની ચૂંટણી. આ ચેરમેનના પદ માટે ભાજપ અને કોંગ્રેસ સામસામે હતા. ભાજપના શિંગારા સિંહ કોંગ્રેસના ઉમેદવાર સામે માત્ર એક વોટની સરસાઈથી જીતી ગયા. કોંગ્રેસના ઓલપાડની બેઠક પરથી ઊભા રહેલા દર્શન નાયકનો 1 મતે વિજય થયો. પ્રતિસ્પર્ધી જે.ડી.પટેલને 1 મત ઓછો મળ્યો. જલાલપોર તાલુકા પંચાયતમાં મંદિરગામની બેઠક પર BJPના વિક્રમ મહેતાનો એક મતે વિજય થયો. કોંગ્રેસના દેવાંગકુમાર નાયકને એક મત ઓછો મળ્યો.

1998મા ભાજપના સોમ મરાન્ડી બિહારની રાજમહલ સંસદીય બેઠક પર માત્ર નવ મતે જીત્યા હતા. તેવી રીતે 1989મા કોંગ્રેસના રામકૃષ્ણ આંધ્રની અનાકપલ્લી સંસદીય બેઠક નવ મતે જીત્યા હતા. 1996મા વડોદરાની બેઠક ભાજપના જીતુભાઈ સુખડિયા માત્ર 17 મતે હાર્યા હતા.

1999મા પાર્લામેન્ટમાં અટલ બિહારી વાજપેયીની સરકાર માત્ર એક મતથી પડી ગઈ હતી. આ સમયે ભાજપની સરકાર સામેના અવિશ્વાસના પ્રસ્તાવમાં 270 મત પડ્યા, જ્યારે એ પ્રસ્તાવની સામે 269 મત પડ્યા હતા. જયલલિતાએ અટલજીને એક વોટ ન આપ્યો અને આમ એક મતથી આખેઆખી સરકાર પડી ગઈ હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp