રાજકોટમાં ટલ્લી થયેલાં બે શખ્સો ભાજપનાં સભ્ય? જુઓ વીડિયો

PC: Khabarchhe.com

ગાંધીનાં ગુજરાતમાં રાજ્ય સરકારે દારૂબંધીનો કડક અમલ કરવા અને દારૂબંધીનો ભંગ કરનારને કડકમાં કડક સજા કરવાનો કાયદો પસાર કર્યો હોવા છતાં, રાજ્યમાં ખૂલ્લેઆમ દારૂની હાટડીઓ મંડાય છે અથવા તો દારૂની  મહેફિલ મંડાય છે, પણ પોલીસ દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. પોલીસ દ્વારા બૂટલેગરો સાથેની સાંઠગાંઠને કારણે રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ થઈ શકતો નહીં હોવાનું પણ કહેવાય છે અને તેના કારણે દારૂ પીને છાકટાં બનેલાઓને કોઈ પ્રકારનો ડર લાગતો નથી. આવો જ એક કિસ્સો બુધવારે રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હોમટાઉનમાં જોવા મળ્યો.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજકોટનાં લીમડા ચોક વિસ્તારમાં નો પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્ક કરી ટ્રાફિક પોલીસ સાથે બે વ્યક્તિઓને માથાકૂટ થઈ. આ બોલાચાલી ઉગ્ર બનતાં લીમડાં ચોકમાં લોકો એકઠાં થઈ ગયાં. ગુજરાત પ્રદેશ ભાજપ સભ્ય લખેલી ગાડી નંબર GJ-03-JL-1234 નો પાર્કિંગ ઝોનમાં ઊભી રાખી હતી. ત્યારબાદ પોલીસ સાથે આ મામલે બોલાચાલી થઈ. જોકે આ સમયે હાજર રહેલી એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, ગાડીમાં સવાર બે વ્યક્તિઓ એકદમ ચિક્કાર પીધેલી હાલતમાં છે. બંનેમાંથી એકને પણ સરખી રીતે બોલવાનાં હોંશ પણ નથી.

ડ્રાઈવરની સાથે બેઠેલી વ્યક્તિ તો જાણે સાતમા આસમાનની સફર કરતો હોય એમ જણાય છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. શરૂઆતમાં તો પોલીસ પણ અસમંજસમાં મૂકાઈ ગઈ હતી, કેમ કે ગાડી પર ગુજરાત પ્રદેશ ભાજપ સભ્ય લખ્યું હતું અને આ બે વ્યક્તિ પૈકીનું કોઈ ભાજપનું ખરેખર સભ્ય હશે તો. પરંતુ પોલીસે આગે દેખા જાયેગા સમજીને આ બંને ટલ્લી થયેલાં સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

રાજકોટ પોલીસે હિંમતભેર આ બંને સામે કાયદેસરની કાર્યવાહી તો કરી દીધી, પણ હવે જોવું એ રહ્યું કે, ભાજપ કે રાજ્ય સરકારમાંથી આ બંને સામેની કાર્યવાહી અટકાવવા કોણ આગળ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp