સૈફ અલી ખાન સાથે થયેલી ઘટના બાદ CM ફડણવીસે કહ્યું- મુંબઈ સૌથી સુરક્ષિત શહેર છે

સૈફ અલી ખાન પર પોતાના જ ઘરે હુમલો થતા રાજકારણમાં પણ અનેક નિવેદનો આવી રહ્યા છે, જેમાં વિપક્ષના નેતાઓએ મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ અંગે મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું હતું કે, બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાના આધારે મુંબઈને અસુરક્ષિત શહેર ન કહી શકાય. ગુરુવારે બાંદ્રામાં સૈફના ઘરે થયેલા હુમલા પર દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલ દ્વારા ભાજપ પર કરેલા કટાક્ષના જવાબમાં ફડણવીસે કહ્યું હતું કે, ફક્ત એક ઘટનાના આધારે એ કહેવું ખોટું છે કે, મુંબઈ એક અસુરક્ષિત શહેર છે. મુંબઈ એક મેગાસિટી અને સૌથી સુરક્ષિત શહેર છે.
દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું હતું કે, અમને હુમલા પાછળ શું હેતુ હતો એ અંગે જાણકારી આપવામાં આવી છે. દેશના તમામ મોટા શહેરોમાં મુંબઈ સૌથી સુરક્ષિત છે, અમુક ઘટનાઓ બને છે અને તેને ગંભીરતાથી લેવી જોઈએ, પરંતુ એ ઘટનાઓને કારણે મુંબઈને અસુરક્ષિત કહેવું યોગ્ય નથી. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તપાસ માટે ઘણી ટીમ બનાવવામાં આવી છે.
Shocked to hear about the attack on Saif Ali Khan. Wishing him a speedy recovery and strength to his family during this difficult time. https://t.co/nWnO1BreWS
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 16, 2025
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર મધ્યરાત્રિએ તેમના ઘરે ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સર્જરી ચાલી રહી છે. શરૂઆતની તપાસમાં આ મામલો લૂંટનો લાગે છે. બાંદ્રા પોલીસે ઘટના સમયે અને તે પહેલાંના CCTV ફૂટેજની તપાસ કરી છે, જેમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ ઘરમાં પ્રવેશતો દેખાતો નથી. આ કેસમાં ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે બની હતી, જ્યારે અભિનેતા તેના પરિવારના સભ્યો સાથે તેના ઘરમાં સૂઈ રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે, ઘરના લોકો જાગી ગયા અને બૂમ પાડવા લાગ્યા પછી, લૂંટારુ હુમલો કરીને સ્થળ પરથી ભાગી ગયો.
બાંદ્રા પોલીસે આ કેસમાં લૂંટ અને હુમલાની કલમો હેઠળ FIR નોંધી છે. ગુનેગારને પકડવા માટે પોલીસની અનેક ટીમો બનાવવામાં આવી છે. એક વરિષ્ઠ IPS અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી છે. સર્જરી પછી, અભિનેતાની હાલત હવે ખતરાથી બહાર છે. તેના શરીરમાંથી 3 ઇંચની તીક્ષ્ણ ધાતુ જેવી વસ્તુ મળી આવી હતી. તે છરીનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે.
પોલીસે આ કેસમાં ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. આ સાથે, ઘરની નોકરાણી અને અન્ય સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં નોકરાણીની ભૂમિકા શંકાસ્પદ માનવામાં આવી રહી છે. કારણ કે ઘટના સમયે બે કલાકના CCTV ફૂટેજમાં કોઈ બહારનો શંકાસ્પદ વ્યક્તિ ઘરમાં પ્રવેશતો જોવા મળ્યો ન હતો. આવી સ્થિતિમાં, એવું સમજી શકાય છે કે હુમલાખોર પહેલાથી જ ઘરમાં હાજર હતો. એવી પણ આશંકા છે કે તે પાઇપલાઇન અથવા AC ડક્ટ દ્વારા પ્રવેશ્યો હશે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, શંકાસ્પદ લૂંટારો સૈફના બાળકો તૈમૂર અને જેહના રૂમમાં ઘૂસી ગયો. બાળકોની સંભાળ રાખતી આયાએ તેની આજુ બાજુ કોઈ અવાજ સાંભળ્યો અને તેની ઉંઘ ઉડી ગઈ હતી. બાળકો પણ જાગી ગયા હતા અને બૂમો પાડવા લાગ્યા હતા. આનાથી સૈફ અને પરિવારના બાકીના સભ્યો જાગી ગયા હતા. જ્યારે સૈફ બાળકોના રૂમમાં પહોંચ્યો ત્યારે અજાણ્યો વ્યક્તિ આયા સાથે ઝઘડો કરી રહ્યો હતો. સૈફે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અજાણ્યો વ્યક્તિ ગભરાઈ ગયો અને તેણે સૈફ પર ચાકુ વડે હુમલો કર્યો અને ત્યાંથી ભાગી ગયો.
ઘટના પછી તરત જ સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ ત્યાં પહોંચી ગયો. તેને બોલાવવામાં આવ્યો હતો. ઇબ્રાહિમ પોતે સૈફને લીલાવતી હોસ્પિટલમાં લઈ ગયો. કરીના કપૂરનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ઘટના પછી ઘરના સ્ટાફની પૂછપરછ કરતી જોવા મળી રહી છે. આ સમય દરમિયાન, કરીના પણ ચિંતા અને પરેશાનીથી આમતેમ આંટા મારતી જોવા મળી.
મુંબઈ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ગઈકાલે મોડી રાત્રે એક અજાણ્યો માણસ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો હતો. ઘરમાં બાળકો અવાજ કરવા લાગ્યા હોવાથી બધા જાગી ગયા હતા. તે સમયે અજાણ્યો વ્યક્તિ અભિનેતાની નોકરાણી (આયા) સાથે ઝઘડો કરી રહ્યો હતો. જ્યારે અભિનેતાએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો કર્યો. આ હુમલામાં તે ઘાયલ થયો હતો.'
પોલીસે જણાવ્યું હતું કે, લૂંટારુ સાથેની ઝપાઝપીમાં તેને ચાકુના ઘા મારવામાં આવ્યા હતા કે, તે બચાવવા જતા ઘાયલ થયો હતો તે હજુ સ્પષ્ટ નથી. તેમણે કહ્યું કે, તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પણ આ ઘટનાની તપાસ કરી રહી છે. સૈફ અલી ખાનને કુલ 6 જગ્યાએ ચાકુના ઘા લાગ્યા છે.
આ દરમિયાન, લીલાવતી હોસ્પિટલના COO ડૉ. નીરજ ઉત્તમાણીએ પણ એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું, 'સૈફ પર તેના ઘરમાં એક અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો. તેમને વહેલી સવારે 3:30 વાગ્યે લીલાવતી લાવવામાં આવ્યા. તેમને છ જગ્યાએ ઈજાઓ થઈ છે, જેમાંથી બે ગંભીર છે. એક ઈજા તેમના કરોડરજ્જુની નજીક છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ. ન્યુરોસર્જન નીતિન ડાંગે અને કોસ્મેટિક સર્જન લીના જૈન અને એનેસ્થેટિસ્ટ નિશા ગાંધી દ્વારા તેમનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સર્જરી પછી જ આપણે ચોક્કસ કહી શકીશું કે ઈજાથી કેટલું નુકસાન થયું છે.'
આ સમગ્ર મામલે સૈફ અલી ખાન અને કરીના કપૂરની ટીમે એક નિવેદન બહાર પાડ્યું છે. કરીનાની ટીમે કહ્યું, 'ઘરમાં લૂંટનો પ્રયાસ થયો હતો. આ દરમિયાન સૈફ પર હુમલો થયો. હાલમાં હોસ્પિટલમાં તેમની સર્જરી ચાલી રહી છે. મીડિયા અને ચાહકોને ધીરજ રાખવા વિનંતી છે. આ પોલીસ તપાસનો વિષય છે. અમે ભવિષ્યમાં પણ મહત્વપૂર્ણ માહિતી શેર કરતા રહીશું.'
NCP (SP) સાંસદ સુપ્રિયા સુલેએ કરિશ્મા કપૂરને ફોન કરીને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. કરિશ્માએ તેને કહ્યું કે, કરીના અત્યારે હોસ્પિટલમાં છે. આ ઘટનાથી આખો પરિવાર દુઃખી અને પરેશાન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp