સફળતા માટે મહેનત જ એકમાત્ર વિકલ્પ છેઃ અમિત શાહ

PC: khabarchhe.com

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ઝારખંડનાં દેવઘરમાં રામકૃષ્ણ મિશન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. અમિત શાહે પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, જો કોઇ પણ સંસ્થા 100 વર્ષ સુધી ચાલે છે તો પછી તે નિશ્ચિતપણે સમાજ માટે ચાલતી બની જાય છે. તેમણે કહ્યું હતું કે, જે સંસ્થાઓ સમાજ, દેશ અને અન્યો માટે ચાલતી નથી, તે 100 વર્ષ સુધી કાર્યરત રહેતી નથી અને ટકાઉ રીતે કામ કરી શકતી નથી. તેમણે કહ્યું હતું કે, આ સંસ્થાને 100 વર્ષ સુધી ચાલુ રાખવી એ રામકૃષ્ણ મિશન અને તેને ચલાવનારા લોકોની તપસ્યાનું જ પરિણામ છે કે, 100 વર્ષથી આ સંસ્થા ચારિત્ર્ય ઘડતરનું કાર્ય કરી રહી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસના ઉપદેશોનો પ્રચાર કર્યો અને તેમને સમગ્ર વિશ્વમાં સ્વીકાર્ય બનાવ્યા. તેમના આદર્શો પર નિર્મિત રામકૃષ્ણ મિશન વિદ્યાપીઠ ભારતનાં નિર્માણમાં મોટું યોગદાન આપી રહી છે. તેમણે કહ્યું હતું કે, વિવેકાનંદે સનાતન ધર્મનાં સંપૂર્ણ બ્રહ્માંડનાં કલ્યાણના વિચારને આગળ વધાર્યો હતો અને એ જ આદર્શો પર રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ હતી. આઝાદી બાદના સમયગાળામાં અહીંથી પાસ થયેલા વિદ્યાર્થીઓએ ભારતનાં નિર્માણમાં ઘણું યોગદાન આપ્યું છે. શાહે જણાવ્યું હતું કે, 1922થી અત્યાર સુધીમાં આ શાળાએ ખૂબ જ મુશ્કેલ પરંતુ સફળ યાત્રા પૂર્ણ કરી છે. તેમણે કહ્યું હતું કે નિઃસ્વાર્થ કાર્ય વિના સમાજમાં આટલી પ્રસિદ્ધિ ફેલાવી શકાતી નથી. તેમણે કહ્યું હતું કે, રામકૃષ્ણ પરમહંસે સમાજ કલ્યાણનો માર્ગ ચીંધ્યો છે, જે દેશ અને સમાજ માટે યોગ્ય માર્ગ છે.

અમિત શાહે કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી અને તેના થકી જ સફળતા મળી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, સફળતા માટે સખત મહેનત જ એકમાત્ર વિકલ્પ છે અને જો સફળતા મેળવવાનો ઉદ્દેશ સમાજનું કલ્યાણ છે તો ભગવાનના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. જો આપણે નક્કી કરીએ કે આપણા પરિવારનાં કલ્યાણ પછી પણ આપણે સમગ્ર સમાજ અને દેશનાં ઉત્થાનમાં યોગદાન આપીશું, તો ભગવાન આપણને ચોક્કસ આશીર્વાદ આપશે, અને આપણે આપણી જાતને સફળતાનાં ઉચ્ચતમ સ્તરે પામીશું.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. દેશ આઝાદ થયાને 75 વર્ષ થયાં છે અને PM નરેન્દ્ર મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવને ભારે ઉત્સાહથી ઉજવવાનો નિર્ણય કર્યો છે. PMએ આપણી સામે ત્રણ લક્ષ્યો મૂક્યાં છે. પહેલું, 1857થી 1947 સુધી, આઝાદીની ચળવળમાં લાખો લોકોએ અલગ અલગ રીતે પોતાનું યોગદાન આપ્યું, પોતાનું બલિદાન આપ્યું અને આપણી નવી પેઢીએ તે બધા જાણ્યા અને અજાણ્યા શહીદો વિશે જાણવું જોઈએ, જેઓ સ્વતંત્રતા સંગ્રામમાં લડ્યા હતા. બીજું લક્ષ્ય એ છે કે, આપણે દરેક ક્ષેત્રમાં ઘણી સિદ્ધિઓ મેળવી છે, તે સિદ્ધિઓની યાત્રા પણ યુવાનોએ સમજવી જોઈએ. ત્રીજું લક્ષ્ય એ છે કે, 75 વર્ષ પૂરાં થવાં પર યુવા પેઢીએ સંકલ્પ લેવો જોઈએ કે જ્યારે આઝાદીની શતાબ્દી ઉજવવામાં આવશે, ત્યારે ભારત દરેક ક્ષેત્રમાં વિશ્વમાં પ્રથમ સ્થાને હશે. અમિત શાહે જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ એ માત્ર ઉજવણી અને ગૌરવની અનુભૂતિ માટેનો ઉત્સવ નથી, પરંતુ સંકલ્પો લેવાનું વર્ષ છે. આઝાદી કા અમૃત મહોત્સવથી માંડીને ભારતીય સ્વતંત્રતાની શતાબ્દી સુધીનાં 25 વર્ષનો સમયગાળો, જે સ્વતંત્રતાના અમૃત કાલ તરીકે ઓળખાય છે, તે આ સંકલ્પોને પરિપૂર્ણ કરવા માટે સખત મહેનત કરવાનો સમયગાળો છે અને આ જવાબદારી આપણી અને વધુ મહત્ત્વની વાત એ છે કે બાળકોની છે. તેમણે કહ્યું હતું કે, ભારતને માત્ર સમૃદ્ધિથી જ નહીં, પરંતુ વિવેકાનંદે કલ્પેલા ભારતને બનાવીને એક મહાન રાષ્ટ્ર બનાવવામાં આવશે, જે આપણાં હાર્દરૂપ વિચાર અને ભારતીય સંસ્કૃતિનાં હાર્દને સમગ્ર વિશ્વ સુધી લઈ જવાથી દુનિયાના વિચારોની રીતમાં પરિવર્તન લાવશે. તેમણે કહ્યું હતું કે, માત્ર યુવાનો જ ભારતને મહાન બનાવી શકે છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, દેશ આઝાદ છે અને હવે દેશ માટે શહીદ થવાની જરૂર નથી, પરંતુ આપણે દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, જો આપણે આપણાં જીવન દરમિયાન ભારતને મહાન બનાવવાનાં લક્ષ્ય સાથે નીકળીશું, તો ભારતને દરેક ક્ષેત્રમાં કૌશલ્ય પ્રાપ્ત કરતાં કોઈ નહીં રોકી શકે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ બાળકોને વર્ષ 2020માં PM નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલી નવી શિક્ષણ નીતિ વાંચવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદના સંદેશાઓ આ નવી શિક્ષણ નીતિનો પાયો છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, જે શિક્ષણ સામાન્ય લોકોને જીવન સંઘર્ષ માટે સશક્ત નથી બનાવતું, વિદ્યાર્થીઓનાં ચારિત્ર્યનું નિર્માણ નથી કરતું, બાળકોમાં દાનની ભાવના નથી કેળવતું અને વિદ્યાર્થીઓમાં સાહસ પેદા કરતું નથી, તે અધૂરું અને હેતુવિહીન છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતની શિક્ષણ વ્યવસ્થામાં સ્વામીજીએ આપણા માટે નિર્ધારિત કરેલા લક્ષ્યાંકો પૂર્ણ કરવા PM નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિ ઘડી છે, જે આપણને આપણી ભાષા, સંસ્કૃતિ અને ઇતિહાસ પર ગર્વ લેવામાં મદદરૂપ થશે, પણ સાથે-સાથે દુનિયાનું આધુનિક જ્ઞાન પ્રાપ્ત કરવામાં પણ મદદરૂપ થશે.

અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતીય સમાજે, ખાસ કરીને ભારતના યુવાનોએ ભાષાની લઘુતાગ્રંથિમાંથી બહાર આવવું જોઈએ. તેમણે કહ્યું કે આપણા દેશમાં સૌથી મહાન ભાષાઓ છે. તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વની કોઈ પણ ભાષા શીખવામાં કોઈ નુકસાન નથી પરંતુ દરેક વ્યક્તિ માતૃભાષામાં જ વિચારે છે તેમ પોતાની ભાષાનું જતન કરવું જોઇએ અને તે શીખવી જોઈએ. અમિત શાહે જણાવ્યું હતું કે, આપણી વિચારવાની, વિશ્લેષણ કરવાની, તર્ક કરવાની અને નિર્ણયો લેવાની આપણી શ્રેષ્ઠ ક્ષમતા આપણી માતૃભાષામાં જ થાય છે. તેમણે કહ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલી નવી શિક્ષણ નીતિ સાથે આપણાં શિક્ષણની સંપૂર્ણ રૂપરેખા બદલાઈ જશે. તેમણે કહ્યું હતું કે, ભારતીય લોકાચાર, ઇતિહાસ અને સંસ્કૃતિ માટે ગર્વની લાગણી જગાવવાની સાથે PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર ભારતમાં દરેક ક્ષેત્રમાં વૈશ્વિક આધુનિક શિક્ષણ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp