હાર્દિક અને જિગ્નેશ ગુજરાતમાં કામ વધારે તે પહેલા બીજા રાજ્યમાં પ્રચારે મોકલાયા

PC: https://clarionindia.net

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપે તેના કાર્યકરોને ચાર્જ કરવાના શરૂ કરી દીધા છે. જગ્યા જગ્યા બેઠકો થઇ રહી છે. નિમણૂકો થઇ રહી છે. નવી બનેલી સરકાર પણ તમામ કામો આગામી ચૂંટણીને ધ્યાને લઇને કરી રહી છે. પરંતુ કોંગ્રેસની હાલત હજુ સુધરતી હોય તેમ લાગતું નથી. કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને હાલમાં વૈચારિક રીતે જોડાયેલા જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં હજુ કામ શરૂ કર્યું હોય તેમ લાગતું નથી પરંતુ તેમને છેક બિહારમાં ચૂંટણી પ્રચાર માટે મોકલી દેવાયા છે.

બિહારમાં હાલ તારાપુર અને કુશેશ્વસ્થાન ખાતે વિધાનસભાની પેટા ચૂંટણી છે. હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને ત્યાં પ્રચાર માટે કન્હૈયા કુમાર સાથે મોકલવામાં આવ્યા છે. શુક્રવારે તેઓ પટણા પહોંચ્યા હતા અને ત્યાં એક રેલી પણ યોજી હતી. તેમને ત્યાં 23 અને 24 ઓક્ટોબર એમ બે દિવસ માટે ચૂંટણી પ્રચાર માટે મોકલવામાં આવ્યા છે. આમ, એક રીતે તેઓ કોંગ્રેસના સ્ટાર પ્રચારક બની ગયા છે. તેમનું વજૂદ હવે નેશનલ લેવલનું થઇ ગયું હોવાનું લાગે છે. કારણ કે તેમને હવે બીજા રાજ્યોમાં પણ પ્રચાર માટે મોકલવામાં આવી રહ્યા છે,

જોકે, સવાલ એ થાય છે કે તેમણે પહેલા ગુજરાતમાં કામ કરવું જોઇએ કે બીજા રાજ્યોમાં પોતાની શક્તિ ખર્ચવી જોઇએ. ગુજરાતમાં કોંગ્રેસની હાલત ખરાબ છે. સંગઠન હતોત્સાહિત છે. પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાની નિમણૂક હજુ સુધી થઇ નથી ત્યારે આગામી ચૂંટણી માટે ઘણું કામ છે.

પરંતુ જે નેતાઓ પર કોંગ્રેસ આગામી ચૂંટણી માટે દારોમદાર રાખી રહી છે તે નેતાઓને તો બહારના રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે મોકલવામાં આવી રહ્યા છે. કદાચ તેમનો ઉપયોગ ઉત્તરપ્રદેશ અને પંજાબની ચૂંટણીઓમાં પણ થાય. પરંતુ ગુજરાતમાં તેમનો એટલો ઉપયોગ કેમ નથી કરાતો તે મોટો સવાલ છે હાર્દિક પટેલનો જાહેરમાં કહી ચૂક્યા છે કે ગુજરાતના નેતાઓ તેમનો ઉપયોગ કરતા નથી. તેમને કામ કરવું છે પરંતુ તે કરવા દેવામાં આવતું નથી.

એટલે આ ઘટનાથી એક વાત તો સાબિત થાય છે કે ગુજરાતના પ્રભારી રઘુ શર્મા આવ્યા પછી પણ જેટલી ગતિએ અહીં કામ થવું જોઇએ તેટલું હાલ કરવામાં આવી નથી રહ્યું. જે નેતાઓને ગુજરાતમાં કામ પર લગાવવા જોઇએ તે બીજા રાજ્યોમાં જઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp