તાલુકા પંચાયતના ઉમેદવારોને ખરીદવામાં આવતા હોવાનો ભાજપના સાંસદનો સ્વીકાર

PC: DainikBhaskar.com

જયારે-જ્યારે ચૂંટણી આવે છે ત્યારે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવે છે. રાજ્યમાં ચૂંટણી સમયે કોંગ્રેસના નેતાઓ ભાજપની સાથે જોડાયા હોવાના કિસ્સાઓ સામે આવે છે. તો ક્યારેક ચૂંટાયેલા ધારાસભ્યો કે કોર્પોરેટરો કોંગ્રેસમાંથી ભાજપની સાથે જોડાયા હોય તેવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે. તો કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી પર અવાર નવાર નેતાઓને ખરીદવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા નેતાઓની કે નગરપાલિકાના સભ્યોની ખરીદી થતી હોવાનો સ્વીકાર જ એક કાર્યક્રમમાં ભાજપના સાંસદ દ્વારા કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર ભારતીય જનતા પાર્ટી દ્વારા વાપીમાં એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના સાંસદ કે.સી. પટેલ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સાંસદ કે.સી. પટેલ ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરી રહ્યા હતા તે સમયે જ તેમને ભાજપ દ્વારા નગરપાલિકાના સભ્યોને ખરીદવામાં આવતા હોવાનો સ્વીકાર કર્યો હતો.

ભાજપના સાંસદ કે.સી. પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, મારા ધરમપુરના સૌ કાર્યકર્તાઓએ મહેનત કરીને ધરમપુર તાલુકા પંચાયતને કબજે કરી છે. તેવી જ રીતે ઉંમરગામ તાલુકા પંચાયત આપણી કટોકટ આવતી હતી. આપણે એક સભ્ય અપક્ષને ખરીદવો પડતો કે લાવવો પડતો. પણ આજે ઉંમરગામ તાલુકા પંચાયતને ખૂબ જંગી બહુમતીથી વિજય બનાવીને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા તે બદલ આપ સૌ કાર્યકર્તાઓને મારા ખૂબ-ખૂબ અભિનંદન.

મહત્ત્વની વાત છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા દ્વારા થોડા દિવસ પહેલા આ બાબતે એક નિવેદન આપવામાં આવ્યું હતું. તેમને ભાજપ પર નેતાઓની ખરીદીનો આરોપ લગાવ્યો હતો. રઘુ શર્માએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનો ઓરીજનલ ચહેરો તો આખા દેશે જોયો છે. ગોવામાં તેમની સરકાર કેઈ રીતે બની.

બીજી પાર્ટીના નેતાઓને ખરીદીને, લોકતંત્રની ગળું દબાવીને, આખા દેશમાં સરકાર બનાવી રહ્યા છો. કર્ણાટકમાં ચૂંટાયેલી સરકાર પાડી દીધી, મધ્યપ્રદેશમાં ચૂંટાયેલી સરકાર પાડી દીધી. અહીં 15 ધારાસભ્યો વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના નિશાન પર ચૂંટણી જીત્યા હતા તેને તોડીને તમારા પક્ષની સાથે જોડી દીધા.

અમારે ત્યાં એક કહેવત છે કે, 100-100 ઉંદર ખાઈને બિલાડી હજ ચાલી. તેમના મોઢામાંથી આ વાતો સારી લાગતી નથી. આ લોકો તો લોકતંત્રનું ગળું દબાવવાવાળા લોકો છે. તેમનો વિશ્વાસ લોકતંત્રમાં નથી અને તેમની પાસે જનાદેશ નથી હોતો તો પણ તેમની ઈચ્છા રહે છે કે આપણે તોડજોડ કરીને, ખરીદી કરીને સરકાર બનાવી લઇએ. તેમને સત્તાથી પ્રેમ છે લોકતંત્રથી પ્રેમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp