પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, મુંદ્રામાં પહેલીવાર BJPને જીત મળી

મહાનગર પાલિકા અને નગર પાલિકાની રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામોજાહેર થયા છે, જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને 30 બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે 8 બેઠકો પર જીત મેળવી છે. જો કે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી માત્ર 16 બેઠકો મેળવનારી કોંગ્રેસ માટે તો આ સારી વાત છે. જો કે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના કેટલાંક ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવવાનો પણ વારો આવ્યો છે.
રવિવારે મહાનગર પાલિકા અને નગર પાલિકાની કુલ 30 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઇ હતી, જેના પરિણામો જાહેર થયા છે. 30 બેઠકોમાંથી 21 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઇ છે, કોંગ્રેસને 8 અને એક સીટ અપક્ષને ફાળે ગઇ છે.
જે સીટો પર કોઇકનું અવસાન થયું હોય કે અન્ય કારણોસર એ બેઠક ખાલી પડી હોય તેના માટે પેટા ચૂંટણી રાખવામાં આવી હતી. આ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કોઇ બેઠક મળી નથી.આ પેટા ચૂંટણીમાં 3 બેઠકો એવી હતી જેની પર કોંગ્રેસે ડિપોઝીટ ગુમાવી છે.આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઇ ગઇ છે. ભાજપ માટે બીજી મહત્ત્વની વાત એ સામે આવી છે કે કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવડિયાનો ગઢ ગણાતી પોરબંદર બેઠક ભાજપે જીતી લીધી છે.
ગુજરાતમાં 29 નગર પાલિકા અને 1 મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. પેટા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા પછી ભાજપના મહામંત્રી રજની પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. ભાજપના મહામંત્રી તરીકે પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા પછી તાજેતરમાં રજની પટેલને મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
રજની પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, પેટા ચૂંટણીના જે પરિણામો જાહેર થયા છે, તેના પરથી સ્પષ્ટ દેખાઇ છે કે પ્રજાને હજુ પણ ભાજપ પર વિશ્વાસ છે.પ્રજાએ ફરી ભાજપ પર વિશ્વાસ મુક્યો છે.પટેલે કહ્યુ કે, આઝાદી પછી પહેલીવાર મુંદ્રા બેઠક પર ભાજપે જીત મેળવી છે.
તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહે ગોહિલે મતદારોનો અને કાર્યકરોનો આભાર માન્યો હતો.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાંથી 156 બેઠકો પર જીત મેળવીને ઇતિહાસ રચી દીધો હતો. લોકસભાની ગુજરાતની 26 બેઠકો માટે પણ ભાજપની તડામાર તૈયારી ચાલે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp