50000 રોકડમાં આટલો ઊહાપોહ કેમ? શું સંસદમાં રોકડ ન લઈ જઈ શકાય? શું કહે છે નિયમ
રાજ્યસભામાં નોટોના બંડલ મળવાના મામલાએ જોર પકડ્યું છે. રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખરે સંસદની કાર્યવાહી દરમિયાન જણાવ્યું હતું કે, એક દિવસ પહેલા સંસદમાંથી 500 રૂપિયાની 100 નોટોનું એક બંડલ મળ્યું હતું. જે સીટ પરથી નોટોના બંડલ મળ્યા તે સીટ (222) કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીના નામે ફાળવવામાં આવી છે.
જો કે આ બંડલ તેમનું ન હોવાનું અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે. પણ સવાલ એ છે કે શું રાજ્યસભામાં 50000 રૂપિયા રોકડ પણ ન લાવી શકાય. આને લઈને શું નિયમ છે તે અંગે આપણે વાત કરીએ. ખરેખર સંસદમાં રોકડ લાવવા પર કોઈ નિયમ નથી. કોઈપણ સાંસદ અંદર કેટલી પણ કરન્સી લઈ જઈ શકે છે. આને લઈને કોઈ મર્યાદા નક્કી નથી કરવામાં આવી. ઘણા એવા સાંસદો છે, જે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ નથી કરતા, તે સાંસદો અંદર બેંકની બ્રાન્ચથી પૈસા ઉપાડે છે અને ચેમ્બરમાં લઈ જાય છે.
હવે આ પૈસા મળવા પર તપાસ શેની થાય? તેનો સવાલ છે. તપાસ એ વાતની થઈ શકે કે સીટની પાસે નોટોનું આ બંડલ ક્યાંથી આવ્યું. મનુ સિંઘવીએ તો ના પાડી દીધી છે કે, 500ની નોટનું બંડલ એમનું હતું. આ મામલે તપાસ તો શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ હવે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ પર આધાર રાખે છે કે, તેઓ આની તપાસ દિલ્હી પોલીસને આપે છે કે, બીજી કોઈ એજન્સીને આપશે.
હવે આ મુદ્દે કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીએ સફાઈ આપી છે. સિંઘવીએ કહ્યું, 'મેં આવું પહેલીવાર સાંભળ્યું છે! હું જ્યારે પણ રાજ્યસભામાં જાઉં છું ત્યારે મારી સાથે ફક્ત એક 500 રૂપિયાની નોટ લઈને જઉં છું. હું ગઈકાલે 12.57 વાગ્યે સંસદમાં અંદર ગયો અને 1 વાગ્યે સંસદ ચાલુ થયું. પછી હું સાંસદ અયોધ્યા રામી રેડ્ડી સાથે બપોરે 1.30 વાગ્યા સુધી કેન્ટીનમાં બેઠો અને પછી સંસદમાંથી નીકળી ગયો!'
હકીકતમાં, શુક્રવારે અધ્યક્ષ જગદીપ ધનખરે માહિતી આપી હતી કે, 'સંસદ ગઈકાલે (ગુરુવારે) સ્થગિત થયા પછી, સુરક્ષા અધિકારીઓએ અમને માહિતી આપી કે, સીટ નંબર 222 પરથી રોકડા પૈસા મળી આવ્યા છે. આ સીટ તેલંગાણાના સાંસદ અભિષેક મનુ સિંઘવીને ફાળવવામાં આવી છે. આ મામલે નિયમ મુજબ તપાસ થવી જોઈએ અને તે થઈ પણ રહી છે.'
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે જેવી નોટો મળવાની વાત કરી, તો વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કરી દીધો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'જ્યાં સુધી મામલાની તપાસ ચાલી રહી છે અને બધું સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તમારે (અધ્યક્ષ) તેમનું (અભિષેક મનુ સિંઘવી) નામ બોલવું ન જોઈએ.' ખડગેના નિવેદન પર શાસક પક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. તેના પર ખડગેએ કહ્યું કે, આવું નિમ્ન કક્ષાનું કામ કરીને દેશને બદનામ કરવામાં આવી રહ્યો છે. તમે (અધ્યક્ષ) કોઈ ચોક્કસ વ્યક્તિના નામ અને બેઠક વિશે કેવી રીતે કહી શકો? ખડગેના આરોપો પર અધ્યક્ષે કહ્યું કે, તેમણે કહ્યું છે કે, નોટોનું બંડલ કઈ સીટ પરથી મળ્યું છે અને તે સીટ કોને ફાળવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp