ચંદ્રકાંત પાટીલ-ઉદ્ધવ મળ્યા, BJP પ્રત્યે રાઉત નરમ! શું થવાનું છે મહારાષ્ટ્રમાં?

શિવસેના (UBT) નેતા સંજય રાઉતનું વલણ ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રત્યે ખૂબ નરમ બની ગયું છે. તેમના નિવેદનથી મહારાષ્ટ્રના વિપક્ષી ગઠબંધન, મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA)માં ખળભળાટ મચી ગયો છે, તેમણે BJP સાથેના ગઠબંધન અંગે ઘણી વાતો કહી છે. રાઉતે કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઘણા લોકો શિવસેના (UBT) સાથે ગઠબંધન કરવા માંગે છે.
હકીકતમાં, તાજેતરમાં જ BJPના નેતા ચંદ્રકાંત પાટિલ અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે એક લગ્ન સમારોહમાં મળ્યા હતા. આ બેઠક પછી જ સંજય રાઉતનું નિવેદન આવ્યું. રાઉતે કહ્યું, 'ચંદ્રકાંત પાટિલ અમારા મિત્ર છે. તેઓ હંમેશા BJP-શિવસેના ગઠબંધનના સમર્થક રહ્યા છે. હવે BJPમાં ઘણા બહારના લોકો આવી ગયા છે, જેમને આપણા (BJP-શિવસેના) 25 વર્ષ જૂના જોડાણના મહત્વની ખબર નથી. આવા લોકોનો BJP કે હિન્દુત્વ સાથે કોઈ સંબંધ નથી.'
સંજય રાઉતે કહ્યું, 'ચંદ્રકાંત પાટીલ (BJP-શિવસેના ગઠબંધન)ની લાગણીઓ BJPના અન્ય ઘણા લોકોની પણ લાગણીઓ છે. હું તેમના વિચારોની કદર કરું છું. અમે MVAમાં ગયા તેનું કારણ BJPના કેટલાક લોકો હતા. આપણી મૂળ શિવસેના છોડીને બનેલી નવી 'ડુપ્લિકેટ શિવસેના'ને BJPએ સંપૂર્ણ ટેકો આપ્યો છે. જે અમારો અધિકાર હતો તે DyCM એકનાથ શિંદેને આપવામાં આવ્યો.'
જ્યારે સંજય રાઉતને BJP અને શિવસેના (UBT) વચ્ચેના સંભવિત જોડાણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, BJPમાં ઘણા લોકો છે જે ચંદ્રકાંત પાટીલ જેવું વિચારે છે. અમે આ અંગે સતત ચર્ચા કરી રહ્યા છીએ. પરંતુ આ સમયે, આપણે 'થોભો અને રાહ જુઓ'ની નીતિ પર છીએ. જોકે, અમે પહેલાથી જ જાણીએ છીએ કે આગળ શું થવાનું છે. મને શંકા છે કે, DyCM એકનાથ શિંદે BJP સાથે કેટલો સમય રહી શકશે. તે ફક્ત સત્તા અને પૈસાના જોરે ટકી રહેલા છે.'
એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, સંજય રાઉતે ગઠબંધન અંગે શિવસેના નેતાઓની ઇચ્છા વિશે વાત કરી. રાઉતે કહ્યું, 'ગઠબંધન અંગે અમારી વચ્ચે કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી. પરંતુ ઘણા BJPના નેતાઓ બંને પક્ષોને સાથે જોવા માંગે છે. ચંદ્રકાંત પાટીલની લાગણીઓ પાર્ટીના ઘણા લોકોની લાગણીઓ જેવી જ છે. કારણ કે અમે 25 વર્ષથી તેમની (BJP) સાથે સારી રીતે કામ કર્યું છે.'
અહેવાલ મુજબ, વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું કે, BJP અને શિવસેનામાં ઘણા લોકોનું માનવું છે કે, બંને પક્ષોએ સાથે રહેવું જોઈએ. કારણ કે તે એક કુદરતી જોડાણ છે. જોકે, તેમણે કહ્યું છે કે આ અંગે કોઈપણ નિર્ણય ફક્ત ઉદ્ધવ ઠાકરે જ લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp