26th January selfie contest

ભાજપમાં જોડાયેલા કોંગ્રેસીઓએ પોતાની કબર જાતે જ ખોદી છેઃ ગોવા કોંગ્રેસ

PC: theneutralview.com

એક તરફ કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આજે જાઉં, કાલે જાઉં કરી રહ્યા છે ત્યારે ગોવામાં પણ કોંગ્રેસના દસ ધારાસભ્યો એકસાથે ભાજપમાં જોડાઈ ગયા છે. પાટલી બદલવાની આ સામુહિક ઘટના સંદર્ભે ગોવા મહિલા કોંગ્રેસના પ્રમુખ પ્રતિમા કૌટિન્હોએ બયાન આપ્યું આપ્યું હતું કે કોંગ્રેસના જે ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે, તેમણે પોતે જ પોતાની કબર ખોદી છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે રાત્રે ગોવા વિધાનસભાના વિપક્ષના નેતા ચંદ્રકાત કાવલેકર સહિત કોંગ્રેસના દસ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યાર પછી ચાળીસ ધારાસભ્યો ધરાવતી ગોવાની વિધાનસભામાં કોંગ્રેસના માત્ર પાંચ ધારાસભ્યો રહી ગયા છે.

આ ઘટના સંદર્ભે પ્રતિમા કૌટિન્હોએ કહ્યું હતું કે, ‘લોકો તમને જોઈ રહ્યા છે. વિપક્ષના રૂપમાં અમને ક્યારેય શરમ નડી નથી, ભૂતકાળમાં પણ અમે વિપક્ષમાં રહ્યા જ છીએ.’ સાથે જ કૌટિન્હોએ એમ પણ કહ્યું હતું કે ‘એ દસેય ધારાસભ્યો તેમના વ્યક્તિગત લાભ માટે ત્યાં ગયા છે. રાજ્યના વિકાસ સાથે તેમને કોઈ લેવાદેવા નથી. અને જો તેઓ રાજ્યના વિકાસ માટે ત્યાં ગયા હશે તો તેમણે એ વાત સ્વીકારવી પડશે કે ભાજપ ભેદભાવ કરે છે અને ભાજપ કોંગ્રેસને અહીં કામ નથી કરવા દેતી.’

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘હું એ તમામ ધારાસભ્યોને પડકાર આપું છું કે તેઓ ભાજપની ટિકિટ પરથી પોતાની સીટ પર લડી બતાવે.’   

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp