કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું 'રેપના આરોપીને સળગાવી દેવો જોઈએ', જુઓ વીડિયો

દેશના રાજકીય નેતાઓ વાણી વિલાસ કરવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. રોજેરોજ નીત નવા નિવેદનો કરીને આ તમામ રાજકીય નેતાઓને પ્રસિદ્ધિ મેળવવામાં રસ હોય છે. આવા જ એક નેતા છે ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર. જે હંમેશાં વિવાદાસ્પદ નિવેદન કરીને ચર્ચામાં રહે છે. આજે ફરી ગેનીબહેનનો વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં હિંમતનગરના ઢૂંઢર ગામના દુષ્કર્મની ઘટના બાદ આ નિવેદન કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

દેશમાં બળાત્કારની ઘટનાઓ રોજેરોજ બનતી હોય છે. ત્યારે આ ઘટનાઓથી રાજકીય નેતાઓ પોતાનો રાજકીય રોટલો શેકવા કે પછી ચર્ચામાં રહેવા માટે હંમેશાં વિવાદાસ્પદ નિવેદનો કરતા રહે છે. ઢૂંઢરમાં માસૂમ બાળકી સાથે થયેલા દુષ્કર્મની ઘટના બાદ કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર સમક્ષ કેટલીક મહિલાઓ આ પ્રકારની ઘટના મામલે રજૂઆત કરવા આવી હતી. ત્યારે ગેનીબહેન ઠાકોરે એવું નિવેદન કર્યું કે, આવી ઘટનાઓ બને ત્યારે જ આરોપીને સળગાવી દેવો જોઈએ. આટલેથી ન અટકતા તેમણે એવું પણ નિવેદન કર્યું કે, 500-1000 લોકોના ટોળાએ આરોપીને સળગાવી દેવો જોઈએ. આરોપીને પોલીસના હવાલે ન કરી તેને પકડીને સ્થળ પર જ પૂરો કરી નાખવો જોઈએ.

ગેનીબહેન ઠાકોરના આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદનના કારણે રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. ભાજપના નેતાઓએ જવાબદાર ધારાસભ્ય દ્વારા કરાયેલા આ પ્રકારના નિવેદનની આકરી ટીકા કરીને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતાઓમાં પણ ક્યાંક કચવાટ જોવા મળ્યો છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા આ પ્રકારના અશોભનીય નિવેદનો કરવામાં આવે છે તેમ છતાં કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યાં છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા બેલગામ થઈને કરવામાં આવતા નિવેદનો મામલે પ્રદેશ નેતાગીરી આવનારા દિવસોમાં કેવા પગલા લે છે તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp