26th January selfie contest

ઉમા ભારતીએ પ્રિયંકા ગાંધી વિશે આપ્યું વિવાદિત નિવેદન

PC: static.toiimg.com/

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં પહોંચેલા BJPના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યું હતું કે, દેશ પ્રિયંકા ગાંધી વાડ્રાને ચોરની પત્ની તરીકે જોશે. મળતી માહિતી અનુસાર, ઉમા ભારતીને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે, આ ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી શું અસર કરી શકશે? તો તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ચોરની પત્નીને જે નજરે જોવામાં આવે છે, દેશ એ જ નજરથી તેને જોશે. આ ઉપરાંત, ઉમા ભારતીએ ચૂંટણી આયોગનું સન્માન કરવાની વાત કહીને ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચૂંટણી પ્રચાર પર બેન લગાવવાના નિર્ણય પર પણ અસહમતિ દર્શાવી હતી.

વાત જાણે એમ છે કે, કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી મંગળવારે દુર્ગ પહોંચ્યા હતા. ત્યાં પત્રકારોએ તેમને સવાલ પૂછ્યો હતો કે, પ્રિયંકા ગાંધી આ વખતે ચૂંટણીમાં કેવી અસર કરશે? તો ઉમા ભારતીએ તેના જવાબમાં કહ્યું હતું કે, જેના પતિ પર ચોરીનો આરોપ હોય, તેને લોકો કેવી નજરથી જોશે? આખરે ચોરની પત્નીને કઈ નજરથી જોવામાં આવે છે? ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, ચોરની પત્નીને જે નજરથી જોવામાં આવે છે, દેશ એ જ નજરથી તેમને જોશે. આ ઉપરાંત, ઉમા ભારતીએ કહ્યું હતું કે, પ્રિયંકાના રાજકારણમાં આવવાથી કોઈ ફરક નહીં પડશે.

ચૂંટણી આયોગની કાર્યવાહી અંગે બોલતા ઉમા ભારતીએ કહ્યું હતું કે, તે ચૂંટણી આયોગનું સન્માન કરે છે, પરંતુ SP નેતા આઝમ ખાન અને ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથને મળેલી સજાની સમાનતા સાથે હું સહમત નથી. ઉમા ભારતીએ કહ્યું હતું કે, આદિત્યનાથે માયાવતીને જવાબ આપ્યો, જ્યારે આઝમ ખાને મહિલાઓનું અપમાન કર્યું હતું. એવામાં IPCની કલમ અંતર્ગત પણ આઝમ ખાન વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ ચૂંટણી આયોગે યુપીના 4 મોટા નેતાઓ પર કાર્યવાહી કરી હતી. આયોગે આઝમ ખાન અને યોગી આદિત્યનાથ પર 72 કલાક, જ્યારે મેનકા ગાંધી અને માયાવતી પર 48 કલાકનો બેન લગાવ્યો છે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp