સી.આર.પાટીલ સુપર CM નથી! જોકે, હોય તો લોકોને ફાયદો થાય

PC: khabarchhe.com

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ચન્દ્રકાંત રઘુનાથ પાટીલ એટલે કે સી.આર. પાટીલે જ્યારથી પાર્ટીની કમાન હાથમાં લીધી ત્યારથી એવું કહેવામાં આવતું રહ્યું છે કે તેઓ સુપર CM એટલે કે સુપર ચીફ મિનિસ્ટરની જેમ વર્તે છે.

હવે સૌથી પહેલો સવાલ એ થાય છે કે આવું કહે છે કોણ? શું ભાજપના કોઇપણ નેતાએ આવી વાત કોઇને કહી છે ખરી? સ્વાભાવિક રીતે જાહેરમાં કોઇ નહીં બોલે. પાર્ટીમાં અંદર-અંદર ગણગણાટ હોઇ શકે છે. જોકે, ખરેખર પાર્ટીમાં નેતાઓ અને કાર્યકરોને જો તેમનાથી વાંધો હોય તો કોઇ તો જાહેરમાં બોલી જ દે. પરંતુ આજ દિન સુધી એવું થયું નથી. કોઇપણ પાર્ટીમાં જૂથો તો હોય જ છે.

એક જૂથને નવી આવેલી વ્યક્તિ ગમતી હોય અને બીજાને ન ગમતી હોય. જે જૂથને વ્યક્તિ ન ગમતી હોય તે તેની વિરુદ્ધમાં વાતો ફેલાવે. સી.આર. પાટીલના કેસમાં તો અરવિન્દ કેજરીવાલ અને કોંગ્રેસના નેતાઓએ પણ આ વાતને ખૂબ ચગાવી છે. કારણ કે તેનાથી તેમને ફાયદો છે. મીડિયાને આવો મસાલો ખૂબ ખપે. એટલે ચર્ચાને ચગડોળે ચડતી હોય છે.

સી.આર.પાટીલની બાબતમાં પણ આવું જ કંઇક બન્યું હોઇ શકે છે. જોકે, સૂત્રો કહે છે કે સંઘ અને પાર્ટી વચ્ચે સંકલન કરનાર બી.એલ. સંતોષે હાલમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમણે સી.આર. પાટીલના કામકાજનું મૂલ્યાંકન કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો. એટલે પાર્ટી લેવલેથી તો તેમને હાઇકમાન્ડ તરફથી ફૂલ સપોર્ટ હોવાનું કહેવાય છે.

એક બીજી બાબત એ પણ છે કે સી.આર. પાટીલ પહેલા ભાજપમાં જે કોઇપણ પ્રમુખ બન્યા તેમની એવી કોઇ ખાસ સિદ્ધિ ન હતી. તેઓ બે વાર સાંસદ બની ચૂક્યા ન હતા. તેમણે દેશમાં સૌથી વધુ મતોથી પોતાની બેઠક પણ જીત મેળવી ન હતી. તેઓ સંસદની હાઉસિંગ કમિટીના ચેરમેન ન હતા. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશ અને વિદેશની સભાઓના આયોજન માટે ખાસ નીમાયા ન હતા.

આ ઉપરાંત તેમની સોશિયલ મીડિયા પર કોઇ પ્રેઝન્સ હતી નહીં. તેઓ ખૂબ લો પ્રોફાઇલ હતા. જ્યારે સી.આર. પાટીલ તો પહેલાથી જ ગુજરાત ઉપરાંત દેશભરમાં સૌથી હાઇએસ્ટ મતોથી જીતનાર સાંસદ તરીકે જાણીતા જ હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ તેઓ વડાપ્રધાન અને ગૃહપ્રધાનને બાદ કરતા ગુજરાતના તમામ નેતાઓ કરતા આગળ છે.

તેમને નજીકથી જાણતા અને વિશ્વ હિન્દુ પરિષદમાં પદાધિકારી રહી ચૂકેલા સુરતમાં રહેતા સંઘના એક સિનિયર કાર્યકરે કહ્યું કે સી.આર. પાટીલ ખૂબ જ મહેનતું વ્યક્તિ છે. ગુજરાત ભાજપમાં ખૂબ ઓછા મોટા નેતાઓ હશે જે તેમની જેમ કામ કરી શકે. છેલ્લી જેટલી પણ ચૂંટણીઓ થઇ તે તમામે તમામમાં તેમણે જીત અપાવી છે. એટલે તેમનો આત્મવિશ્વાસ ઊંચો હોય તે સ્વાભાવિક છે. આ આત્મવિશ્વાસ હાલ ગુજરાતના કોઇ બીજા નેતામાં દેખાતો નથી. તે જાહેરમાં પણ દેખાય છે. એટલે લોકો તેમને સુપર CM. કહેવા લાગ્યા છે.

બીજી એક વાત એ છે કે તેમના આવ્યા પછી આખી ગુજરાત કેબિનેટ બદલાઇ ગઇ. તેનો શ્રેય પણ પાટીલને અપાયો. એવું કહેવાયું કે વિજય રૂપાણી સાથે તેમને બનતું ન હતું એટલે આખી કેબિનેટ બદલી નંખાઇ. પરંતુ આ વાત કોઇને ગળે ઉતરે તેવી નથી. માત્ર સી.આર. પાટીલના કહેવાથી આખી કેબિનેટ બદલાઇ ગઇ હોય તેવું શક્ય નથી. હા તેમનો મત જરૂર જાણ્યો હોઇ શકે. જોકે, ત્યારપછી જે નિમણૂકો થઇ તેમાં સી.આર.પાટીલનું વજન વધારે રહ્યું તે હકીકત છે.

પરંતુ તે હોવું પણ જોઇએ. જ્યારે તેમણે વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાની જાહેરાત કરી હોય ત્યારે સરકારમાં પણ તેમની સલાહ અને અનુકૂળતા મુજબની ટીમ બેસે તે તેમણે નક્કી કરાવ્યું જ હોય. વિરોધીઓ તેમની ઉપર મરાઠી હોવાનું લેબલ લગાવીને પણ ટીકા કરે છે. સંઘમાં જ મોટા પદ પર કામ કરી ચૂકેલા એક સમર્થકે કહ્યું કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે તેમને નિમણૂક આપી ત્યારે આ ગણતરી ન કરી હોય તેવું બની શકે નહીં. વડાપ્રધાનની એક શૈલી છે કે તેઓ એકવાર જેને કોઇ કામ સોંપે તો પછી તેની પાછળ તમામે તમામ શક્તિઓ લગાવી દે છે. એટલે જો કોઇ એવું વિચારતું હોય કે સી.આર. પાટીલને ચૂંટણી પહેલા હટાવી દેવાશે તો તે શક્ય નથી. 

આમ પણ સંઘની કાર્યશૈલીની વાત કરીએ તો તેમાં હમેશા સંગઠનને સરકાર કરતા વધુ મહત્ત્વ મળતું હોય છે. કારણ કે સંગઠનના લોકો જ જનતા સાથે સીધા સંપર્કમાં હોય છે. તેમના ફીડબેકના આધારે સરકાર ચાલતી હોય છે. સી.આર. પાટીલ પ્રમુખ બન્યા તે પહેલા ગુજરાતના ઘણા ચૂંટાયેલા નેતાઓએ જાહેરમાં નિવેદનો આપ્યા હતા કે સરકારમાં અધિકારીઓ તેમનું સાંભળતા નથી. કાર્યકરો પણ કહેતા હતા કે તેમનું કોઇ સાંભળતું નથી. પરંતુ સી.આર. પાટીલના આવ્યા પછી આવા નિવેદનો બંધ થઇ ગયા છે. એટલે અધિકારીઓ પર પણ તેમનો દબદબો છે. આમ પણ તેઓ પ્રદેશ પ્રમુખ હોવા ઉપરાંત એક સાસંદ પણ છે. તેઓ સાંસદ તરીકે તો અધિકારીઓ સાથે સીધી વાત કરી જ શકે છે.

રરાજકીય વિષ્લેષકોનું માનવું છે કે ભારતનું રાજકારણ જોઇએ તો સરકાર ત્યારે જ સારી ચાલે જ્યારે સરકાર પર સંગઠનનું સતત દબાણ હોય. જો સંગઠનને સાઇડલાઇન કરી દેવાય તો પાર્ટીને નુક્સાન થાય છે. ઇન્દિરા ગાંધીએ સેવાદળને મહત્ત્વ આપવાનું બંધ કર્યું ત્યારથી જ કોંગ્રેસની હાલત ખરાબ થવાની શરૂઆત થઇ ગઇ હતી. કારણ કે કાર્યકરોનો ઉત્સાહ ત્યારે જ રહે જ્યારે તેમનું સરકારમાં સંભળાતું હોય.

તેઓ લોકોના કામ લઇને જાય ત્યારે મંત્રીઓ અને અધિકારીઓ તે કરી આપતા હોય. એટલે જો સંગઠનની વ્યક્તિનું સરકારમાં દબાણ હોય તો લોકોના કામ થઇ શકે છે. જો સંગઠનના વડાનું સરકાર પર દબાણ ન હોય તો તેના પદનો કોઇ અર્થ જ રહેતો નથી. સરકાર અને સંગઠન વચ્ચે બેલેન્સ ઓફ પાવર જરૂરી છે. જો કે આવું થાય ત્યારે સંગઠનના પ્રમુખ સુપર CM હોય તેવો આરોપ લાગી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp