ગાંધીનગરમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રી બોલ્યા- પાટીલે મને કહ્યું 3 સીટ ઓછી કેમ..

PC: bhaskar.com

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ઐતિહાસિક જીત ભાજપે હાંસલ કરી છે. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને વિપક્ષમાં બેસવા માટેનું પણ સ્થાન મળ્યું નથી. કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટીને 1 સીટ મળી છે. ત્યારે ભાજપની જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સાથે એક જ કારમાં કમલમ પર પહોંચ્યા હતા. ત્યાં તેમને એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું અને જનતાનો આભાર માન્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સી.આર. પાટીલને મો મીઠું કરાવીને ગાંધીનગરમાં ભાજપની ભવ્ય જીત માટે અભિનંદન આપ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકામાં ગત વખતની ચૂંટણીમાં ભાજપ પાસે 17 બેઠક હતી અને કોંગ્રેસની પાસે 15 બેઠક હતી. ત્યારે આ ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે ગાંધીનગર મહાનગરપાલિકા પર કબજો કર્યો છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પાર્ટીના વરિષ્ઠ મુરબ્બી અને અમારા પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ મને એવું કહેતા હતા કે આ ત્રણ સીટ ઓછી કેમ આવી. એટલે તેઓ અત્યારથી જ લાગી ગયા કે આ ત્રણ સીટ કેમ ઓછી આવી. મારા મગજમાં આવ્યું કે આ તો 182 પ્રમાણે ચાલવાનું છે બધાએ. જ્યારે અમે ગાંધીનગરમાં છેલ્લા દિવસે રેલી કરી ત્યારે મેં કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણી સમયે જ કામ કરવાવાળી પાર્ટી નથી. હર હંમેશા સંગઠન અને ચૂંટાયેલી પાંખ તાલમેલથી કામ કરતી પાર્ટી છે. હું કાયમ મારા કાર્યકર્તાઓને કહું છું કે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હશે ત્યારે પણ કાર્યકર્તાઓના ભાગે કામ નહીં આવે તેવું નહીં બને ક્યારેય. તેમને પ્રજાની વચ્ચે રહીને કામ તો કરવું જ પડશે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે, ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહને ગાંધીનગરની જવાબદારી આપવામાં આવી હતી. તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 

તેમને વધુમાં જણાવ્યું હતું કે, હું પહેલાથી અમિતભાઈના હિસાબથી હું જ્યારે મુખ્યમંત્રી નહોતો બન્યો ત્યારે પણ ગાંધીનગર આવતો હતો. અમિતભાઈ નાનામાં નાના માણસની ચિંતા કરતા હતા અને અહિયાં જે લોકોને રાશન ન મળ્યું હોય તેમના માટે અહિયાં વોર્ડ વાઈઝ મીટીંગ કરતા હતા. હરહંમેશ અમારે ત્યાં ગમે તેટલો મોટો હોદ્દેદાર હોય તે ભાજપમાં કાર્યકર્તા તરીકે કામ કરવા માટે ટેવાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમારા બધામાં વિશ્વાસ મુક્યો છે તે વિશ્વાસ પૂરો કરવાની અમને ગાંધીનગર પાલિકાથી લઇને જે-જે નગરપાલિકા અમે જીત્યા છીએ, તાલુકા, જિલ્લા પંચાયત જ્યાં-જ્યાં અમે જીત્યા છીએ એટલે હું પ્રજાનો આભાર માનુ છું. જ્યાં-જ્યાં જીત્યા છીએ ત્યાં હું અને મારી ટીમ મારા સંગઠનના પ્રમુખની સાથે રહીને જનતાએ મુકેલા વિશ્વાસને પૂરો કરવાના હર હંમેશા પ્રયાસ કરતા રહીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp