ગુજરાત કોંગ્રેસના આ પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના 16 સભ્યો સાથે ભાજપમાં જોડાયા

PC: facebook.com/pareshdhananiofficial

ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. 3 નવેમ્બરના રોજ 8 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન થશે ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને જીતાડવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા પેટાચૂંટણીમાં તમામ બેઠકો જીતવાનો દાવો કરવામાં આવે છે. તો કોંગ્રેસે 7 બેઠક જીતવાનો દાવો કર્યો છે. તો બીજી તરફ પેટાચૂંટણીને લઈને ગુજરાતમાં તોડ-જોડની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. કેટલી જગ્યા પર કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાઇ રહ્યા છે, તો કેટલીક જગ્યાઓ પર ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો કોંગ્રેસની સાથે જોડાઇ રહ્યા છે પરંતુ આ પેટાચૂંટણીમાં ડાંગ વિધાનસભાની બેઠક પર રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કારણ કે, કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત દ્વારા જે ફોર્મ ભરવામાં આવ્યું છે, તેમાં 50 કરતા વધારે ભૂલો હોવાનો દાવો ભાજપના ઉમેદવારે કર્યો છે અને સાથે ચૂંટણીપંચ સમક્ષ સૂર્યકાંત ગાવિતનું ફોર્મ રદ્દ કરવાની માગણી કરી છે. ભાજપે ડાંગ વિધાનસભાની બેઠક પરથી વિજય પટેલને ટિકિટ આપી છે.

ડાંગમા કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિતે રાજ્યસભાની ચૂંટણી સમયે રાજીનામું આપતા ડાંગ બેઠક પર પેટાચૂંટણીનું નિર્માણ થયું છે. ત્યારે પેટાચૂંટણી પહેલા જ ડાંગનું રાજકારણ ફરી ગરમાયુ છે કારણ કે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. મંગળની સાથે-સાથે કોંગ્રેસના અન્ય સભ્યો પણ ભાજપની સાથે જોડાઈ ગયા છે. વનમંત્રી ગણપત વસાવાની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતની સાથે કોંગ્રેસના 16 સભ્યો ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ભાજપ દ્વારા પેટાચૂંટણીમાં મોટાભાગે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. પરંતુ ભાજપે મંગળ ગાવિતને પોતાના ઉમેદવાર તરીકે ટિકિટ આપી નથી પરંતુ પોતાની સાથે લઈને કોંગ્રેસના પરંપરાગત મતોને પોતાની તરફ ખેંચવાનો દાવપેચ રમ્યો છે. એવી પણ માહિતી મળી રહી છે કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણી પહેલા મંગળ ગાવિતે દ્વારા ભાજપ સમક્ષ ટિકિટની માગણી કરવામાં આવી હતી પરંતુ ભાજપે મંગળ ગાવિતને ટિકિટ ન આપી હોવા છતાં પણ મંગળ ગાવિતે મંત્રી ગણપત વસાવા અને મંત્રી ઈશ્વર પરમારની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ભાજપને અપનાવવાનો નિર્ણય કર્યો હતો અને પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત કોંગ્રેસના 16 સભ્યો સાથે ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp