નર્મદા ડેમ લોકાર્પણ : PM મોદીની પૂરેપૂરી સ્પીચ, વાંચો અહીં...

PC: gujaratinformation.net

 

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ જણાવ્‍યું કે સરદાર સાહેબે છેક 1946માં નર્મદા નદી પર વિશાળ બંધના નિર્માણની પરિકલ્‍પના કરી હતી. એવી જ રીતે, મહામાનવ ર્ડા.બાબાસાહેબ આંબેડકરએ કેન્‍દ્રીય મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન જળક્રાંતિ, જળશકિત અને જળમાર્ગોની પરિકલ્‍પના કરી હતી. હું વિશ્ર્વાસ સાથે કહું છું કે જો આ મહાપુરૂષો થોડું વધુ લાંબુ જીવ્‍યા હોત તો સરદાર સરોવર બંધ 60 થી 70ના દાયકામાં જ બંધાઇ ગયો હોત.

પ્રધાનમંત્રીએ મધ્‍ય ગુજરાતમાં વડોદરા જિલ્‍લાના ડભોઇ ખાતે સરદાર સરોવર બંધ લોકાર્પણ જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્‍યકત કર્યો હતો કે નર્મદાનું પાણી એ માત્ર પાણી નથી એ પારસમણી છે. નર્મદા જળ જે જે વિસ્‍તારોમાં પહોંચશે, એ તમામ વિસ્‍તારોની ધરતી સુજલામ સુફલામ બનશે અને સોનું પકવશે.
આજે સવાસો કરોડ દેશવાસીઓને હું બાપુ અને સરદાર સાહેબની ધરતી પરથી, બાબાસાહેબની સંકલ્‍પભૂમિ પરથી આ બંધ અર્પણ કરૂં છું. આ બંધ અને દિવ્‍ય નર્મદા યોજના દેશવાસીઓની નવી તાકાતનું પ્રતિક બનશે એવો વિશ્ર્વાસ પ્રધાનમંત્રીએ વ્‍યકત કર્યો હતો.

• ભારત સરકાર પશ્ચિમ ભારતને પાણી અને પૂર્વ ભારતને વીજળી અને ગેસ મળે અને દેશનો સમતોલ વિકાસ થાય એ માટેની યોજનાઓ પર કામ કરી રહી છે 
• આદિવાસી સંસ્કૃતિ ધરાવતા રાજ્યોમાં આદિવાસી સ્‍વતંત્રતા સેનાનીઓનું ડીજીટલ વર્ચ્‍યુઅલ સંગ્રહાલય બનાવાશે : ગુજરાતના કેવડીયાથી થઇ શરૂઆત
• સરદાર સરોવર બંધ અને કેનાલોનું નેટવર્ક ઇજનેરી કૌશલ્યની કમાલ
• સરદારસાહેબ અને ર્ડા.બાબાસાહેબ આંબેડકરજી થોડા વધુ વર્ષ જીવ્‍યા હોત તો સરદાર સરોવર બંધ 60-70ના દાયકામાં બંધાઇ ગયો હોત
• નર્મદા મહોત્‍સવની સ્‍પર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ અને નર્મદા વિસ્‍થાપિતોના પુન:સ્‍થાપનની સાફલ્યગાથા એવી કોફી ટેબલ બુકનું વિમોચન

પ્રધાનમંત્રીએ કેવડીયા કોલોનીમાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિની સમીપે આદિવાસી સ્‍વતંત્રતા સેનાનીઓનું ડીજીટલ વર્ચ્‍યુઅલ રાષ્‍ટ્રીય સંગ્રહાલય બનાવવાના કામનો શુભારંભ જાહેર કરતાં જણાવ્‍યું કે દેશના જે રાજયો આદિવાસી વારસો ધરાવે છે, એ તમામ રાજયોના આદિવાસીઓએ દેશની સ્‍વતંત્રતા માટે બલિદાનો આપ્‍યા છે. સો સો આદિવાસી સ્‍વતંત્રતા સેનાનીઓને એક સાથે ફાંસી આપવામાં આવી છે ત્‍યારે ભાવિ પેઢીને તેમના બલિદાનોથી વાકેફ કરવા દેશના આવા તમામ રાજયોમાં આદિવાસી સ્‍વતંત્રતા સેનાનીઓના સંગ્રહાલયો બનાવવામાં આવશે.

પાણીમાં આર્થિક ક્રાંતિ આણવાની તાકાત છે એવી લાગણી વ્‍યકત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્‍યું કે દેશના પશ્ર્ચિમ વિસ્‍તારોને વિકાસ માટે પાણીની જરૂર છે. પૂર્વ વિસ્‍તારોને વિકાસ માટે વિજળી અને ગેસની જરૂર છે. તે બાબતને અનુલક્ષીને ભારત સરકાર પશ્ર્ચિમ ભારતને પાણી અને પૂર્વ ભારતને ગેસ અને વિજળી મળે અને દેશનો સમતોલ વિકાસ થાય એવી યોજનાઓ પર કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ ગુજરાતના સાધુ-સંતોએ નર્મદા માટેની લડતનું નેતૃત્‍વ કર્યું અને નર્મદા માટે નાણાંની ખેંચ પડી ત્‍યારે મંદિરોએ તેમના ભંડાર ખુલ્‍લા મૂકયા એ માટે અહોભાવપૂર્વક ઋણ સ્‍વીકાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્‍યું કે નર્મદા યોજના કોઇ એક પક્ષ કે સરકારનો કાર્યક્રમ નથી. એ કરોડો લોકોની જનશકિતનો કાર્યક્રમ છે. નર્મદાનું પાણી ગુજરાતની સૂકી ધરતીને નવપલ્‍લિત કરશે. ગુજરાત, મહારાષ્‍ટ્ર, મધ્‍યપ્રદેશ અને રાજસ્‍થાનના કરોડો ખેડૂતોનું ભાગ્‍ય નર્મદા જળથી બદલાશે એવો વિશ્ર્વાસ પ્રધાનમંત્રીએ વ્‍યકત કર્યો હતો.

તેમણે જણાવ્‍યું હતું કે નર્મદા બંધ અને સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિના કારણે કેવડીયા વિસ્‍તાર સાહસિક જળરમતોનું કેન્‍દ્ર અને દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણ જગવતું પ્રવાસનધામ બનશે.

પ્રધાનમંત્રીએ સરદાર સરોવર બંધ લોકાર્પણ જનસભામાં, રાજયના મુખ્‍ય મંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય જળસંસાધન મંત્રી નીતિન ગડકરીની ઉપસ્‍થિતિમાં રીમોટ દ્વારા ડીજીટલ તકતીનું અનાવરણ કરીને સરદાર સરોવર બંધનું રાષ્‍ટ્રાર્પણ કર્યું હતું. તેમણે નર્મદા મહોત્‍સવના ભાગરૂપે ગુજરાત સરકારે યોજેલી કાવ્‍ય અને સૂત્રલેખન, સાફલ્‍યગાથા લેખન, નિબંધ લેખન અને મોબાઇલ ફિલ્‍મ મેકીંગ સ્‍પર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ કર્યું હતું. તેમણે વિસ્‍થાપિતોના સુસ્‍થાપનને વણી લેતી જહાન્‍વી પટેલની કોફી ટેબલ બુક કીપીંગ પ્રોમીસીસનું વિમોચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કરોડો દેશવાસીઓની જનશકિતથી નવીન ભારત બનાવીને જ જંપીશ એવો સંકલ્‍પ વ્‍યકત કર્યો અને જણાવ્‍યું કે હું તમારા સપના સાકાર કરવા માટે જીવીશ. તેમણે કરોડો દેશવાસીઓએ જન્‍મદિવસની પાઠવેલી શુભકામનાઓ માટે હ્રદયપૂર્વક આભાર માન્‍યો હતો અને તેમની ભાવનાઓને અનુરૂપ ભારતનું ઘડતર કરવાનો સંકલ્‍પ વ્‍યકત કર્યો હતો.

તેમણે ટકોર કરી કે જે વિશ્વ બેંકે ગુજરાતને નર્મદા યોજના માટે નાણાં આપવાની ના પાડી એ વિશ્વ બેંકે કચ્‍છના નમૂનેદાર પૂન:સ્‍થાપનાના ગુજરાતના કામને પર્યાવરણ શ્રેષ્‍ઠતાનો પુરસ્‍કાર આપ્‍યો. વિશ્વ બેંક સહિત વિશ્વની તમામ તાકાતોએ નર્મદા બંધના કામમાં ખડા કરેલા અવરોધોનો ઉલ્‍લેખ કરતાં તેમણે કહયું કે આજે ભારતના પરિશ્રમથી આ બંધ બન્‍યો છે. કચ્‍છની સરહદે બી.એસ.એફ.ના જવાનો માટે નર્મદા જળ પહોંચાડવાના પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા કામ માટે પ્રધાનમંત્રીએ પરમ સંતોષની લાગણી વ્‍યકત કરી હતી.

પ્રધાનમંત્રીએ નર્મદા બંધની પૂર્ણતામાં યોગદાન માટે મધ્‍યપ્રદેશ, મહારાષ્‍ટ્ર અને રાજસ્‍થાનના લોકોને અને નર્મદા માટે વિસ્‍થાપન વહોરનાર આદિવાસી જનસમૂદાયને આભાર સાથે ધન્‍યવાદ આપ્‍યા હતા. તેમણે નર્મદા યોજનાની ભગીરથ કામગીરીનો ચિતાર આપતા જણાવ્‍યું કે કાશ્‍મીરથી કન્‍યાકુમારી અને કંડલા થી કોહિમા સુધી આઠ મીટર પહોળી સડક બનાવી શકાય તેટલું ક્રોંક્રિટ આ એક બંધના કામમાં વપરાયું છે. તેમણે જણાવ્‍યું કે લોકશકિત મારી સાથે હોવાથી હું આવા વિરાટ કામ કરી શકુ છું. તેમણે ગુજરાતના મુખ્‍ય મંત્રી વિજય રૂપાણીને યશસ્‍વી મુખ્‍યમંત્રી તરીકે બિરદાવીને ખાસ ધન્‍યવાદ આપ્‍યા હતાં. તેમણે નર્મદા સ્‍વચ્‍છતા અને હરીતકરણ અભિયાન ચલાવવા માટે મધ્‍યપ્રદેશના મુખ્‍ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને અભિનંદન આપ્‍યા હતા.

માત્ર 02 ટકા  પાણી ઉદ્યોગો માટે આપવામાં આવે છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ ‘‘સરદાર સરોવર ડેમ’’ રાષ્‍ટ્રને લોકાર્પણ કરવા બદલ ગુજરાતની જનતા વતી વડાપ્રધાનનો આભાર માનતા જણાવ્‍યું હતું કે, સરદાર વલ્‍લભભાઇ પટેલએ 1946માં નર્મદા બંધના નિર્માણ દ્ધારા લાખો લોકોની તૃષા છીપાવવા માટે જોયેલા સ્‍વપ્‍નને અનેક અવરોધો અડચણો વચ્‍ચે વડાપ્રધાનએ આજે સાકાર કર્યો છે. મુખ્‍ય મંત્રીએ વડાપ્રધાનને જન્‍મદિનની શુભેચ્‍છાઓ પણ પાઠવી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતનો વિકાસ રૂધાંયો, વર્ષો પહેલા ત્રણ હજાર કરોડના ખર્ચ સામે આજે 56 હજાર કરોડના ખર્ચે આ વિશ્વમાં પ્રતિષ્‍ઠાસભર ડેમના લોકાર્પણ દ્ધારા 9700 ગામડાઓની પ્રજાની પીવાના પાણીની પ્‍યાસ બુઝાશે. પાઇપલાઇનો દ્ધારા ધરતી પુ્ત્રોને સિંચાઇનું પાણી મળી રહેશે તેમણે એમ પણ કહયું હતું કે આ સરકાર ઉદ્યોગો માટેની છે તેઓ ખોટો પ્રચાર કરવામાં આવ્‍યો છે. ખરેખર નર્મદા યોજનાનું 88 ટકા પાણી ખેડુતોને સિંચાઇ માટે, 10 ટકા પાણી પીવા માટે અને માત્ર 02 ટકા પાણી ઉદ્યોગોને આપવામાં આવે છે આ ખોટી માનસિક્તા ધરાવનારાઓ સામે વડાપ્રધાનએ વર્ષોના સંઘર્ષ પછી આ સ્‍વપ્‍ન પુરૂં કરી ગુજરાતના વિકાસને વધુ ગતિમય કર્યો છે.

સ્‍ટેટ ઓફ ધી આર્ટ પ્રોજેકટ છે : કેન્દ્રીય જળ સંસાધન મંત્રી નીતિન ગડકરી

આજનો દિવસ દેશના ઇતિહાસમાં મહત્‍વપૂર્ણ છે એવી લાગતી વ્‍યક્ત કરતા કેન્દ્રીય જળસંશાધન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્‍યું કે, રાષ્‍ટ્ર નિર્માણ અને રાષ્‍ટ્રના વિકાસમાં એથીક્સ, ઇકોનોમી અને એન્‍વાયરમેન્‍ટના મહત્‍વ સાથે સરદાર સરોવર પ્રોજેકટ સ્‍ટેટ ઓફ આર્ટનું ઉત્તમ ઉદારહણ છે.

નીતિન ગડકરીએ ઉમેર્યું હતું કે, દેશમાં 30 જેટલી નદીઓને જોડવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્‍યો છે જે પૈકી ત્રણ પ્રોજેક્ટનો ટુંક સમયમાં પ્રારંભ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્ધારા આગામી પાંચ વર્ષમાં વધુ 90 લાખ હેકટર જમીનને સિંચાઇ હેઠળ આવરી લેવામાં આવશે.

વડાપ્રધાનના વર્ષ 2022 સુધીમાં દેશના ખેડુતોની આવક બમણી કરવાનું સ્‍વપ્‍ન સરદાર સરોવર યોજના થકી પૂર્ણ થશે એવો વિશ્વાસ વ્‍યક્ત કરતા નીતિન ગડકરીએ જણાવ્‍યું કે, સરદાર સરોવર યોજનાથી ગુજરાતના ચાર કરોડ નાગરિકોને પીવાનું પાણી, 18 લાખ હેકટર જમીનને સિંચાઇનું પાણી મળી રહેશે. કેન્‍દ્ર સરકાર પર્યાવરણના રક્ષણ સાથે દેશના નાગરિકોને પીવાનું પાણી ખેડુતોને સિંચાઇનું પાણી અને યુવાનોને રોજગારી મળી રહે તે દિશામાં આગળ વધી રહી છે.

નીતિન ગડકરીએ જણાવ્‍યું કે, પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ વિશ્વના બીજા સૌથી મોટા એવા સરદાર સરોવર પ્રોજેક્ટ રાષ્‍ટ્રને સમર્પિત કરીને લોખંડી પુરૂષ સરદાર સાહેબનું સ્‍વપ્‍ન આજે પૂર્ણ કર્યું છે. સરદાર સરોવર યોજનામાં સહયોગ આપનાર મહારાષ્‍ટ્ર, મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન અને ગુજરાત સરકાર સહિત આ રાજયોના નાગરિકોને તેમને શુભેચ્‍છાઓ આપી હતી.

નીતિન ગડકરીએ જણાવ્‍યું કે, પંડિત દિનદયાળ ઉપાધ્‍યાયના અંત્‍યોદયના સામાજીક, આર્થિક ચિંતનના વિચારો પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના સક્ષમ નેતૃત્‍વ કેન્દ્ર સરકાર સમાજના શોષિતો, દલિતો, પીડિતો એવા દરિદ્ધનારાયણોના સર્વાગી વિકાસ થકી સાકાર કરી રહી છે.

નાયબ મુખ્‍ય મંત્રી નીતિન પટેલ નર્મદા યોજના સદીઓ સુધી ગુજરાતને સમૃધ્‍ધ અને ખુશહાલ રાખશે તેવી લાગણી વ્‍યકત કરતાં નાયબ મુખ્‍ય મંત્રી નીતિન પટેલએ જણાવ્‍યું કે પ્રધાનમંત્રી દ્વારા સરદાર સરોવરના લોકાર્પણથી ગુજરાત સહિત ચાર રાજયોના કરોડો લોકો માટે અભૂતપૂર્વ વિકાસ અને પ્રગતિના યુગનો સૂર્યોદય થયો છે. તેમણે બંધના દરવાજા બેસાડવા અને બંધ કરવાના ઐતિહાસિક નિર્ણયો લેવા માટે પ્રધાનમંત્રીને અભિનંદન આપતાં જણાવ્‍યું કે પોતાના જન્‍મદિવસે પ્રધાનમંત્રીએ ગુજરાતને અવિસ્‍મરણીય ભેટ આપી છે. હવે નર્મદા યોજનાનો પૂરેપૂરો લાભ મળતો થશે અને યોજના અટકવા-લંબાવાથી ગુજરાતને થયેલા અન્‍યાયની ક્ષતિપૂર્તિ કરતું અવિરત વળતર મળશે એવી ભાવના તેમણે વ્‍યકત કરી હતી.

આ અવસરે ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ રમણલાલ વોરા, વિવિધ ધર્મો અને સંપ્રદાયોના સંતો-મહંતો, ગુજરાતના પક્ષ પ્રભારી અને સાંસદ ભૂપેન્‍દ્ર યાદવ, પક્ષ અગ્રણી જીતુ વાઘાણી, પૂર્વ મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ, કેન્‍દ્રીય મંત્રીઓ હરિ ચૌધરી, જશવંતસિંહ ભાભોર, નર્મદા યોજના ભાગીદાર રાજયોના મંત્રીઓ, સંસદસભ્‍યો, ધારાસભ્‍યો, પદાધિકારીઓ, મુખ્‍યસચિવ જે. એન. સિંઘ, જી. આર. એ.ના અધ્‍યક્ષ દવે સહિત ઉચ્‍ચ અધિકારીઓ, કલેકટર પી. ભારતી, જિલ્‍લા વિકાસ અધિકારી ર્ડા. સૌરભ પારઘી તથા જિલ્‍લા પોલીસ વડા ર્ડા. સૌરભ તોલંબીયા અને વિવિધ જિલ્‍લાઓમાંથી હકડેઠઠ ઉમટેલો જનસમૂદાય ઉપસ્‍થિત રહયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp