26th January selfie contest

ગોવા કોંગ્રેસના પાટલી બદલુ ધારાસભ્યોમાંથી ભાજપે ત્રણને આપ્યું મંત્રીપદ

PC: ANI

ગયા બુધવારે કોંગ્રેસમાં ધિંગાણું થયું હતું અને કોંગ્રેસના વિપક્ષના નેતા ચંદ્રકાન્ત કાવલેકર સહિતના દસ કોંગી નેતાઓ રાજ્યના વિકાસનું બહાનું ધરીને ભાજપમાં જોડાઈ ગયા હતા. એ દસ ધારાસભ્યોમાંથી ત્રણ ધારાસભ્યોને મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આજે મંત્રી બનાવી દીધા છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ભાગેડુ ધારાસભ્યોને ખેરાત આપવા માટે સાવંત કેબિનેટમાં જગ્યા બનાવવી અત્યંત જરૂરી હતી. આ માટે મુખ્યમંત્રી દ્વારા ગોવા ફોર્વડ પાર્ટીના ત્રણ અને એક અપક્ષ એમ કુલ ચાર ધારાસભ્યો પાસે મંત્રીપદેથી રાજીનામા માગી લેવાયા છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે ગોવા ફોર્વડ પાર્ટીના જે ધારાસભ્યોને મંત્રીપદેથી હટાવાયા છે એ ધારાસભ્યોએ 2017માં મનોહર પર્રિકરની અલ્પમત સરકારને ટેકો આપીને જીવનદાન આપ્યું હતું. અને ભાજપનું નાક કપાતું બચાવ્યું હતું. પરંતુ હવે આ પક્ષને બેક ફોર્વડ કરી દેવાયો છે.

ગોવા સરકારના આ નિર્ણય પછી ભાજપમાં આવેલા ચંદ્રકાન્ત કાવલેકર, ફિલિપ નેરી રોડ્રિગ્સ અને એતાનાસિયો મેન્સેરાતે સહિત ગોવા વિધાનસભાના ઉપ અધ્યક્ષ માઈકલ લોબો આજે બપોર પછી રાજભવનમાં શપથ લેશે. આ સાથે જ ત્રણ મહિના પહેલા બનેલી સાવંત સરકારના મંત્રીમંડળમાં આ બીજી વારની ફેરબદલ છે.

બીજી તરફ ગોવા ફોર્વડ પાર્ટીના ધારાસભ્ય અને અત્યાર સુધી ગોવાના ઉપમુખ્યમંત્રી રહેલા વિજય સરદેસાઈએ મીડિયામાં જણાવ્યું હતું કે તેઓ મૈત્રીપૂર્ણ રીતે આ સંકટનું સમાધાન ઈચ્છી રહ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી સાવંતે ભાજપના કેન્દ્રીય નેતૃત્વનો આ નિર્ણય હોવાની વાત કરીને પોતાના હાથ ખંખેરી લીધા છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp