26th January selfie contest

ભાજપમાં અમદાવાદના એકપણ ઉમેદવારના નામ પર સર્વસહમતિ ન સધાતા પક્ષની મૂંઝવણમાં વધારો

PC: khabarchhe.com

ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. જેને લઇને કોંગ્રેસ અને ભાજપમાં ઉમેદવારની પસંદગીનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતની લોકસભાની બેઠકો પરથી ઉમેદવારની પસંદગી માટે કાર્યકર્તાઓના સેન્સ લેવાની કામગીરી શરૂ કરી છે. ગઈકાલે એટલે કે ગુરુવારે ભાજપના નિરીક્ષકો દ્વારા અમદાવાદમાં સેન્સ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના કારણે હવે પ્રદેશ ભાજપ ત્રણ નામ પર ચર્ચા કરીને ઉમેદવારોની પસંદગી કરશે. ગઈકાલે અમદાવાદની પૂર્વ બેઠક માટે મહેશ કસવાલા, મધુ પટેલ અને જગદીશ પટેલે ટિકિટ માંગી હતી, તો બીજી તરફ ભૂષણ ભટ્ટ, નિર્મલા વાધવાણી, માયા કોડનાની અને ચૈતન્ય શંભુ મહારાજે ટિકિટ માંગી છે. પરંતુ આ એક પણ નામ પર સર્વસંમતિ નથી મળી, ત્યારે હવે પક્ષ દ્વારા આ બેઠક પર સી. કે. પટેલ, મનોજ જોશી અને જગદીશ પંચાલના નામ પર ચર્ચા કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, 2014 અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી પરેશ રાવલ ચૂંટણી લડ્યા હતા અને જનતાએ તેમને જંગી મત આપીને વિજયી બનાવ્યા હતા. ત્યારે હવે અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકોએ સાંસદ પરેશ રાવલ પર એવા આક્ષેપો કર્યા છે કે, તેઓ ચૂંટણી જીત્યા પછી ક્યારેય પોતાના વિસ્તારના એકપણ નાગરિકની દરકાર લેવા આવ્યા નથી, તેઓ અભિનેતા બનવામાં સફળ રહ્યા પણ જનતાના પ્રતિનિધિ બનવામાં નિષ્ફળ રહ્યા અને સુત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે, સાંસદ પરેશ રાવલે આ લોકસભાની ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.

અમદાવાદ પૂર્વ વિસ્તારને ભાજપનો ગઢ માનવામાં આવે છે, ત્યારે હવે ભાજપ પણ ઈચ્છું રહ્યું છે કે, તે આ બેઠક પરથી એવા મજબૂત નેતાને ઉતારે કે જેનાથી ભાજપ પોતાનો ગઢ જાળવી શકે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp