26th January selfie contest

મંત્રીઓ જાગૃત બને તો લોકોના પ્રશ્નો ચપટીમાં ઉકલી શકે, આ રહ્યો માર્ગ

PC: hindimilap.in

ગુજરાત સરકારની કેબિનેટના સભ્યો જો લોકોના પ્રશ્નો ચપટીમાં ઉકેલવા માગતા હોય તો તેમણે સોશિયલ સાઇટ્સને લોકભોગ્ય બનાવવી જોઇએ. માત્ર ફોલોઅર્સ વધારવા માટે નહીં પણ મતવિસ્તારના લોકોના કામ કરવા મંત્રીઓ ટ્વીટર, ફેસબૂક અને વોટ્સઅપનો સરળતાથી ઉપયોગ કરી શકે છે.

ગુજરાતના તત્કાલિન રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી (સ્વતંત્ર વિભાગ) શંકર ચૌધરીએ એક અનુકરણિય કદમ ઉઠાવ્યું હતું જેને સચિવાલયમાં ભારે લોકચાહના મળી હતી. તેમણે ટ્વીટર પર આવેલા એક મેસેજને ગંભીરતાથી લઇને કેન્સર પેન્શનને મા અમૃતમ યોજના હેઠળ મળતા સરકારી લાભ અપાવી વધુ દામ વસૂલ કરનારા સામે તપાસ શરૂ કરવાનો આદેશ કર્યો હતો. ડિજિટલ ગુજરાતમાં આજે સચિવાલય અને સરકારી કચેરીઓમાં લાઇવ સંપર્ક આવશ્યક બન્યો છે અને તેના માટે સોશિયલ મીડિયા એ અસરકારક માધ્યમ બન્યા છે.

આ પહેલા તત્કાલિન મંત્રી શંકર ચૌધરીએ તેમની ઓફિસનું જીવંત પ્રસારણ કરીને રાજ્યની કેબિનેટને ચોંકાવી દીધી હતી. કેન્દ્ર સરકારમાં સુષ્મા સ્વરાજ અને સુરેશ પ્રભુ એવા બે મંત્રીઓ છે કે જેઓ ટ્વીટરના કન્વર્જેશન અથવા મેસેજ જોઇને અરજદારોના પ્રશ્નોને ઉકેલવાના શરૂ કરે છે, તેમ શંકર ચૌધરીએ પણ આવો પ્રયોગ ગુજરાતમાં શરૂ કર્યો હતો પરંતુ તેઓ ફરીથી ચૂંટાયા નહીં.

જો ગુજરાતમાં પબ્લિક ડિલીંગ કરતા વિભાગોના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ફેસબૂક અને ટ્વીટરના માધ્મયથી લોકોના પ્રશ્નો અને ફરિયાદોનો નિકાલ કરે તો સામાન્ય જનતાને રાહત મળી શકે છે. આપણા પ્રજાના પ્રતિનિધિઓ તેમજ સચિવાલયનો વહીવટ કરતી બ્યુરોક્રેસી ઓનલાઇન બને તો ફાઇલોના નિકાલમાં ઝડપ આવે અને અરજદારોની ફરિયાદો ઉકેલવામાં મહિનાઓનો વિલંબ થતો અટકી શકે છે. આજે સચિવાલયમાં રજૂઆતકર્તાઓના વિવિધ પ્રશ્નો મહિનાઓથી પેન્ડીંગ પડી રહ્યા છે.

ગુજરાતમાં આરોગ્ય ઉપરાંત ગૃહ, પંચાયત, શહેરી વિકાસ, ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટેશન, શ્રમ, રોજગાર, શિક્ષણ, મહેસૂલ, કૃષિ અને તેના જેવા એક ડઝન વિભાગો એવા છે કે જેમાં પબ્લિક ડીલીંગ વધારે જોવા મળે છે. રોજબરોજ લોકોની ફરિયાદો વિવિધ વિભાગોમાં આવતી હોય છે. આપણા પ્રજાના પ્રતિનિધિઓ સોશિયલ માધ્યમનો ઉપયોગ તો કરે છે પરંતુ સાથે સાથે જો તેઓ નિયમિત લોકોના મેસેજ વહન કરે તો સચિવાલયમાં મુલાકાતીઓની ભીડ ઓછી થાય અને લોકોના પ્રશ્નો સ્થળ પર ઉકલી શકે છે. લાંચના કેસોમાં તો આ માધ્યમો ખૂબ જ અસરકારક નિવડે છે.

સ્કૂલ કે કોલેજમાં વિદ્યાર્થીનીની છેડતી થઇ હોય, શિક્ષણમાં કોઇ વિદ્યાર્થીને ઇન્સ્ટિટ્યૂટમાંથી ખરાબ અનુભવ થાય, સરકારની સહાય યોજનાઓમાં કોઇ અધિકારી વિલંબ કરે અથવા લાંચની રકમ માટે કે કોઇ જગ્યાએ અકસ્માત થયો હોય અને ત્વરીત મદદની જરૂર હોય તો- તેવા સંજોગોમાં ટ્વીટર, ફેસબૂક અને વોટ્સઅપ માધ્યમ ફાયર ફાઇટરનું કામ કરે છે.

ભૂતકાળમાં જયનારાયણ વ્યાસ એવા મિનિસ્ટર હતા કે જેમણે તેમની ઓફિસમાં ઓપીડી શરૂ કર્યું હતું. મુલાકાતીઓ અને ફરિયાદીઓની માહિતી એકત્ર કરીને તેના નિકાલની સમયમર્યાદા બાંધી હતી અને લોકોને યસ ઓર નો નો જવાબ કારણ સાથે મળી જતો હતો. ગુજરાતમાં ટ્વીટર અને ફેસબૂક હેન્ડલ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી, મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સરાહનિય કાર્યો કર્યા છે. તેમની જેમ આપણી બ્યૂરોક્રેસીમાંથી પંજક કુમાર, વિજય નહેરા, અજય ભાદુ, રાજીવકુમાર ગુપ્તા જેવા અધિકારીઓએ ફેસબૂક અને ટ્વીટરનો પોઝિટીવ ઉપયોગ કરે છે. તેમની આ પ્રવૃત્તિ મીડિયા જ નહીં સચિવાલયમાં પણ લોકપ્રિય બની છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp