ગુજરાતમાં જાણો ત્રીજી જાતિના કુલ કેટલા મતદારો છે

PC: deccanchronicle.com

ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યના તમામ (72-જસદણ વિધાનસભા મત વિભાગ સિવાય) વિધાનસભા મત વિભાગો માટે તા. 1લી જાન્યુઆરી-2019ની લાયકાતની તારીખના સદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા માટેનો એક કાર્યક્રમ જાહેર કરાયો હતો. ત્યાર બાદ મતદાર તરફથી રજૂ કરવામાં આવેલા હક્ક-દાવા અને વાંધા અરજીઓના નિકાલ બાદ રાજ્યમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિભાગની પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદીમાં તા.31મી જાન્યુઆરી-2019ની સ્થિતિએ મતદારોની સંખ્યામાં 6,69,485નો વધારો જોવા મળ્યો હોવાનું રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું છે.

ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તા.31મી જાન્યુઆરી-2019ની સ્થિતિએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં કુલ 4,47,44,759 મતદારો પૈકી 2,32,55,937 પુરૂષ મતદારો અને 2,14,87,769 સ્ત્રી મતદારો છે. આ ઉપરાંત ત્રીજી જાતિના 1,053 મતદારો છે. મતદાર સુધારણા કાર્યક્રમ દરમિયાન 10,69,239 મતદારો ઉમેરાયા હતા. 3,99,754 મતદારો કમી થયા છે, આમ મતદારોની સંખ્યામાં કુલ 6,69,485 વધારો થયો છે.

મુખ્ય નિર્વાચન અધિકારીના જણાવ્યા પ્રમાણે તા.31મી જાન્યુઆરી-2019ની સ્થિતિએ મતદાર યાદીમાં રાજ્યમાં કુલ 7,65,612 મતદારો 18 થી 19 વર્ષની વય તથા 80 વર્ષથી મોટી વયના કુલ 7,38,402 મતદારો છે. સૌથી મહત્વની વાત એ છે કે, મતદાર યાદીમાં નોંધાયેલા કુલ મતદારો પૈકી 99.99 ટકા મતદારોની ફોટો-ઇમેજ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવી છે. તેમજ 99.99 ટકા મતદારોને ચૂંટણી તંત્ર તરફથી મતદાર ફોટો ઓળખકાર્ડ(EPIC) આપી દેવામાં આવ્યા છે.

મુખ્ય નિર્વાચન અધિકારીના જણાવ્યા પ્રમાણે તા.31/01/2019ના રોજ સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ આખરી મતદાર યાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી, કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી,પ્રાંત અને મામલતદાર કચેરી, સંબંધિત ભાગના બૂથ લેવલ ઓફિસર, ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર-1950, મુખ્યનિર્વાચન અધિકારી(CEO)ની વેબસાઇટ http://ceo.gujarat.gov.in અને ભારતીય ચૂંટણીપંચના રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ(NVSP) દ્વારા www.nvsp.in ઉપર પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મતદાર ફોટો ઓળખકાર્ડ ધરાવનાર મતદારનું નામ પ્રવર્તમાન મતદારયાદીમાં સમાવિષ્ટ હશે તો જ સંબંધિત ચૂંટણીમાં મતદાન કરી શકશે, જેથી મતદારયાદીમાં નામ સમાવિષ્ટ થયા હોવાની ચકાસણી કરી લેવા સર્વે નાગરિકો-મતદારોને અનુરોધ કરવામાં આવે છે.

મતદારયાદીની તા.31મી જાન્યુઆરી-2019ના રોજ કરવામાં આવેલ આખરી પ્રસિદ્ધિ બાદ પણ તા.1લી જાન્યુઆરી-2019ની લાયકાતની તારીખના સંદર્ભમાં 18 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા લાયકાત ધરાવતા યુવા નાગરિકો તથા મતદારયાદીમાં નોંધણી માટે લાયકાત ધરાવતા બાકી રહેલ તમામ નાગરિકો ‘સતત સુધારણા’ (Continuous updation) હેઠળ મતદારયાદીમાં નામ દાખલ કરવા સંબંધિત મતદાર નોંધણી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરી શકે છે. પ્રવર્તમાન મતદારયાદીમાંથી નામ કમી કરવા ફોટો/વિગતમાં સુધારો કરવા, એક જ વિધાનસભા મતવિભાગ હેઠળ સ્થળ ફેરફાર માટે નિયત નમૂનામાં અરજી કરી શકે છે. ઉપરાંત, www.nvsp.in પર જઈને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાશે.

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2019માં લાયકાત ધરાવતા તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પ્રવર્તમાન મતદારયાદીની ચકાસણી કરીને, બાકી રહેલ નાગરિકોએ મતદારયાદીમાં નામ નોંધાવવા અને રાજ્યની તમામ વિધાનસભા મતવિભાગોની મતદારયાદીઓ ક્ષતિરહિત અને સંપૂર્ણ તૈયાર થાય તે હેતુથી ચૂંટણી તંત્રને સહકાર આપવા મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp