26th January selfie contest

પાટીદાર અનામતને લઈ આનંદીબેનનાં પતિ મફત પટેલનો પત્ર, જાણો ચોંકાવનારી હકીકત

07 Dec, 2017
01:58 PM
PC: khabarchhe.com

આનંદીબેનના પતિની ભવિષ્ય વાણી સાચી પડી, અનામતનો પ્રશ્ન કોઈ ઉકેલવા માંગતા ન હતા

Loading...

આનંદીબેનના પતિ અને અમદાવાદ જિલ્લામાં ભાજપનો પાયો નાંખી સત્તા સુધી લઈ જનારા લેખક, મનોવિતજ્ઞાનના પ્રાધ્યાપક તથા વિદેશમાં રહેતાં વિશ્વ વિખ્યાત 500 જેટલાં પાટીદારા જીવન લેખન કરનાર ડો.મફતભાઈ પટેલે બે વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલો પત્ર અને તેમાં તે આગાહીઓ કરી હતી તે અક્ષરઃ સાચી પડી છે. તેમનું અદભૂત વિઝન આ પત્રમાં જોવા મળે છે. જે તેમણે આજે એટલે કે, 7 ડિસેમ્બર 2017માં પ્રજા વચ્ચે જાહેર કર્યો છે. જેમાં સ્પષટ કહે છે કે, આ પ્રશ્ન ગુજરાત ભાજપના એક પણ નેતા ઉકેલી શકે તેમ નથી. તેમની વાત સાચી પડી છે. તેમણે કહ્યું છે કે દિલ્હીથી જ આદેશો થયા હતા કે, પાટીદારોને મારો, અત્યાચાર કરો. તેમની તમામ વાતો આજ સુધીમાં સાચી પડી છે. આવા દિર્ધદ્રષ્ટા લેખક અને રાજકારણી જો સમજી શકતા હોય તો તે સમયે તેમના પત્ની આનંદબેન પટેલ, નીતિન પટેલ, વિજય રૂપાણી અને ભાજપનાં નેતાઓ કેમ ન સમજી શક્યા ? શું ભાજપનાં નેતાઓ પોતે જ આ સમસ્યાનો હલ લાવવા માંગતા ન હતા ? વાંચો આ આખો પત્ર અને પછી તમે જ એક ગુજરાતના નાગરિક તરીકે વિચારો.

- ડો.મફતલાલ પટેલ

35, સ્વામી ગપણાતીતનગર સોસાયટી,

મેમનગર, અમદાવાદ-380052

તા.15-9-2015

પરમ સ્નેહી શ્રી નરેન્દ્રભાઈ મોદી,

સાદર સપ્રેમ નમસ્કાર,

ઘણો સમય ગયો, અપને મળાની તીવ્રતમ ઈચ્છા હતી, પણ આપ ખૂબ વ્યસ્ત છો, ને હવે આપને મળવું મુશ્કેલ હોવાથી આ પત્ર આપને પહોંચાડું છું. આપની દિશા, આપનું માર્ગદર્શન અત્યંત મહત્વનું બનશે.

ગુજરાતમાં પાટીદાર આંદોલન અંગે કેટલીક મહત્વની, અસંદર્ભ માહિતીઓ – આપની જાણ માટે –

1- પાટીદારોનું અનામત આંદોલન ગુજરાતના ગામે-ગામ ફેલાઈ ગયું છે, પકડ યુવાનોના હાથમાં છે. ગુજરાત સરકાર આ આંદોલનને સમજી શકી જ નથી. હજુ ભ્રમમાં છે કે આ આંદોલન ભૂતકાળના આંદોલનની જેમ દબાવી દઈશું એટલે દબાઈ જશે.

2- પાટીદારોના બધા જ જૂથોની એકતા અસાધારણ છે.

3- પાટીદારોના કહેવાતા નેતાઓ, જે સરકાર સમક્ષ પોતાના કાર્યો કરાવવા આવે છે, ને માત્ર ગુજરાતના મુખ્યમંત્રી આગળ આવીને હા જી હા કરે છે, તેઓ આમાં કશું જ કરી શકે તેમ નથી. યુવાવર્ગ તેમને ગાંઠે તેમ નથી. આ વર્ગ સરકારને ગેરમાર્ગે દોરે છે.

4- લેઉવા અને કડવા પાટીદારોની ધાર્મિક સંસ્થાઓની પકડમાં આ યુવાનો નથી. જેથી આ સંસ્થાઓ પણ કશું જ નહિ કરી શકે.

5- ગુજરાતનું નેતૃત્વ સંભાળનાર નીતિનભાઈ પટેલ, ભૂપેન્દ્રસિંહજી ચૂડાસમા, સૌરભભાઈ પટેલ કે પછી ભાજપનું સંગઠન કોઈ ઉકેલ લાવવાની કાર્યક્ષમતા ધરાવતાં નથી. તેઓની વાતો માત્ર વાતો જ છે એમ માનીને આંદોલનકારીઓ ચાલે છે.

6- મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આંદોલનને શાંત કરવા માટે તનતોડ મહેનત કરે છે. ગઈકાલની બેઠકમાં ઘણું વિચારાવામાં આવ્યું છે. દસ દિવસનો સમય આપ્યો છે, પણ જો દસ દિવસમાં જે માગણીઓ રજૂ કરી છે તેનો સંપૂર્ણ અમલ નહિ થાય તો આંદોલન આગળ વધશે, ને પછી સરકાર પણ તેને રોકી નહીં શકે. પરિણામે સરકાર પણ કોઈ કાર્યક્રમો જાહેર કરી શકશે નહિ – આ પરિસ્થિતિ આવવાની છે.

હવે એક જ ઉપાય છે – આપની મદદની, આપની દીર્ધદ્રષ્ટિ સંપન્ન સૂઝની, ઈલાજની, માર્ગદર્શનની જરૂર છે. આપ સમગ્ર પ્રશ્ન હાથમાં લેશો તો જ ઉકેલ આવશે, અન્યથા આગામી નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ભાજપ ધોવાઈ જશે. આ ગાંઠે બાંધી રાખશો.

આંદોલનને ગતિ આપવાની ને હિંસક માર્ગે વાળવાની ભૂલ સરકારે જ કરી છે ને વાતની નોંધ વિશ્વ ફલક ઉપર ફેલાયેલા પાટીદારોએ લીધી છે. આ આંદોલનથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે પોલીસ તંત્ર ઉપર, વહીવટ ઉપર સરકારનો કાબૂ જ નથી. સરકાર આટલી નબળી છે, તેનો પહેલીવાર ખ્યાલ લોકોને આવ્યો છે.

આંદોલનને તાત્કાલિક સ્થગિત કરવાના ને બંધ કરવાના ઉપાયો છે, ને તે આપના હાથમાં છે.

25મીના રોજ જી.એમડીસીના મેદાનમાં એકત્ર થયેલી મેદની પછી પોલીસે જે રીતે મારઝૂડ કરી, આ નિર્દય અને લોકશાહી વિરૃદ્ધની ઘટના હતી. વિશ્વમાં ક્યારેય આવી ઘટના બની નથી. ગાંધીમાર્ગે આંદોલન કરનારાઓ ઉપર તૂટી પડ્યા ને તેનો પડઘો ગુજરાતમાં પડ્યો. કરોડોની સંપત્તિ લોકોએ બાળી, ભૂલ સરકારના પોલીસ તંત્રે કરી ને પછી છોકરાઓને પકડી પકડી, નિર્દોષ લોકોને ઘરમાંથી ખેંચી લાવીને, જે રીતે માર્યા, 1500 જેટલી ગાડીઓ પોલીસોએ જ તોડી નાંખી, આની વિડીયો કેસેટો માત્ર ભારતમાં જ નહિ, વિશ્વમાં લોકોએ જોઈ – આનો પડઘો એ પડ્યો કે હવે વિશ્વભરના પાટીદારોએ નિર્ણય લીધો છે કે, આનામતનો મુદ્દો લોકશાહી રીતે ઉકેલવાનો છે. પણ સરકારે જે કાર્ય કર્યું છે, તેનો જવાબ આમને મળવો જોઈએ ને પાટીદારોને ઝૂડી નાંખવાનું કાર્ય ને તેની સૂચનાઓ કે હુકમ મુખ્યમંત્રી આનંદીબેને કર્યો જ ન હોય તો ગુજરાત સરકાર ચલાવે છે કોણ ? ગુજરાતમાં વ્યાપક ચર્ચા ગામેગામ ચાલે છે કે, દિલ્હીથી સૂચના અમિત શાહે આપી હતી. કેટલાંક અધિકારીઓ અમિત શાહ કહે એમ જ કરે છે, ને અમિત શાહે આ માટે નરેન્દ્રભાઈના આશીર્વાદ મેળવ્યા હતા, એવું ચર્ચાઈ રહ્યું છે.

નરેન્દ્રભાઈ, એક સત્ય વાત કરું આનંદીબેન મારી પત્ની છે, એ રીતે નહીં પણ આનંદીબેન ગુજરાતને આગળ લઈ જવા માટે રાત-દિવસ મહેનત કરે છે, પ્રામાણિકતા અને નીડરતાથી છેલ્લા એક વર્ષમાં જે કાર્યો કરી બતાવ્યા છે, તે તમામ કાર્યોનો સરવાળો કરું તો આપે પાંચ વર્ષમાં જેટલું કાર્ય કર્યું હતું, તેટલું કાર્ય એક વર્ષમાં કર્યું છે. તેઓ કદી પોતાના કાર્યોના વખાણ કરતા જ નથી, કોઈને ગમે કે ન ગમે, કોઈ ખુશ થાય કે ન થાય, લોકોના હિતમાં કાર્યો કર્યા જ કરે છે. આટલું બધું સારૂં કાર્ય કરવાના અંતે પાટીદારોની રેલી પ્રસંગે અમિત શાહ કે આપના દ્વારા પોલીસતંત્રને સીધા હુમલો કરીને સમગ્ર પાટીદાર સમાજની ઈમેજ, પ્રતિષ્ઠાને તોડી નાંખી છે. આનું ભારે દુઃખ આનંદીબેનને તેમજ સમગ્ર પાટીદાર સમાજને છે.

ભૂલો ઉપરથી થઈ છે તો હવે 14મીના રોજ હાર્દિક સાથે આનંદીબેન તેમજ ભાજપના મોવડીમંડળ સાથે જે વાટાઘાટો થઈ તેનો તાત્કાલિક અમલ કરાવવાની સૂચના આપવા વિનંતી છે. પાટીદારો જ ભાજપની પાર્ટીનો પ્રાણ છે. પાટીદારોએ જ પાર્ટીને સબળ બનાવી છે, પાટિદારોને નાખુશ ન કરો, મારી અંગત વિનંતી છે.

નરેન્દ્રભાઈ આપ તો દીર્ઘદ્દષ્ટિ સંપન્ન તત્વચિંતક છો. વિશ્વમાં આપની ઈમેજ અકલ્પનીય રીતે ફેલાઈ ગઈ છે. આપ ઉપર અબજો લોકો નવા પરિવર્તનની આશા રાખીને બેઠા છે.

ભારતને વિશ્વ કક્ષાએ લઈ જવા માટે આપની મહેનતને હું વંદન કરું છું. આપ આગળ વધો તેવું સૌ કોઈ માને છે.

હવે અનામત, જે જ્ઞાતિ આધારિત છે, તેનાથી જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે કારણ વિના અથડામણો થઈ રહી છે. જ્ઞાતિઓ વિકૃત માર્ગે આગળ વધી રહી છે. ત્યારે ભારતની બધી જ્ઞાતિઓમાં સમરસતા સ્થાપિત થાય, કૌટુંબિક ભાવના જાગૃત થાય, એકબીજા માટે જીવે તેવું કરુણા અને પ્રેમથી ભરેલું વાવરણ માત્ર આપ જ સર્જી શકો તેમ છો, સંઘની ભાવના આપવા હ્રદયમાં સતત કાર્યશીલ છે, તો હવે અનામતથી કોઈનો વિકાસ શક્ય નથી, કોઈ નવો રસ્તો વિચારો. બધી જ્ઞાતિઓ એક સાથે મળીને વિકાસ કરી શકે તેવું કરો. લગામ તમારા હાથમાં છે. મતનું રાજકારણ હવે ક્યાં સુધી રમીશું? દુનિયામાં ક્યાંય જ્ઞાતિ આધારિત અનામત નથી, ને કોઈ જગ્યાએ છે તો તેનું કોઈ મહત્વ નથી.

21મી સદીમાં ભારતના યુવાનોમાં અસાધારણ તાકાત છે, ને તેઓ વિશ્વફલક ઉપર આગળ વધી રહ્યાં છે, ત્યારે જ્ઞાતિના કોચલામાં તેઓને બંધ કરી દઈને તેઓના અસલી વ્યક્તિત્વને લૂણો લગાડવાનું કાર્ય ના થાય તે જોવાનું કાર્ય આપ જેવા સશક્ત દીર્ધદ્રષ્ટા ભાગ્યવિધાતાનું છે.

  • આભાર
  • અપનો
  • (સહી)
  • મફતલાલ પટેલ

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Loading...