મહારાષ્ટ્રમાં અસલી-નકલીની લડાઈ, કોનું થશે પાર્ટીનું નામ અને શિવસેનાના તીર-કમાન?

PC: prabhatkhabar.com

મહારાષ્ટ્રના સંકટને જોતા હવે રાજકીય ગલિયારાઓમાં ચર્ચાનો મુદ્દો એ વાત પર જ અટકી ગયો છે કે, બાલાસાહેબ ઠાકરેની શિવસેના કોની હશે અને પક્ષનું ચૂંટણી ચિહ્ન તીર-કમાન કોને મળશે. બળવાખોર નેતા એકનાથ શિંદે અને પાર્ટીના 'સુપ્રીમો' ઉદ્ધવ ઠાકરે સામ-સામે છે. સખત પ્રયાસો થઈ રહ્યા છે અને ઘેરાબંધી પણ શરૂ થઈ ગઈ છે. બળવાખોર કેમ્પે ભરત ગોગાવલેને નવા મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા છે. મુખ્ય દંડકની નિમણૂક કરીને શિંદે કેમ્પ બતાવવા માંગે છે કે પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો તેમની સાથે છે અને અસલી શિવસેના તેમની સાથે છે. શિંદે કેમ્પે શિવસેનાના 37 અને નવ અપક્ષ સહિત 46 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. 20 જૂનથી ગુવાહાટીની એક હોટેલમાં હાજર બળવાખોર ધારાસભ્યોએ 23 જૂનના રોજ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવા માટે શિંદેને અધિકૃત કર્યા હતા. મતલબ કે, તેઓ ગુવાહાટીમાં પડાવ જમાવેલા બળવાખોર ધારાસભ્યોના સર્વસહમતિથી નેતા તરીકે ચૂંટાયા છે.

બીજી તરફ ઉદ્ધવ છાવણી પણ શાંત બેઠી નથી. વિધાનસભામાં, શિવસેનાના સુનીલ પ્રભુએ એક પત્ર બહાર પાડીને પક્ષના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને બુધવારે સાંજે 5 વાગ્યા પહેલા 'વર્ષા' નિવાસ સ્થાને હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. એકનાથ શિંદેએ ટ્વીટ દ્વારા આ આદેશને ગેરકાયદેસર ગણાવ્યો હતો. આ પછી, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે કેમ્પે રાજ્ય વિધાનસભાના ઉપાધ્યક્ષ સમક્ષ અરજી કરીને, એકનાથ શિંદે સહિત 12 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. શિવસેનાએ શિંદે ઉપરાંત પ્રકાશ સુર્વે, તાનાજી સાવંત, મહેશ શિંદે, અબ્દુલ સતાર, સંદીપ ભુમારે, ભરત ગોગાવાલે, સંજય શિરસાટ, યામિની યાદવ, અનિલ બાબર, બાલાજી દેવદાસ અને લતા ચૌધરીને ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે.

બીજી વ્યૂહરચના તરીકે, ગત મંગળવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને વિધાયક દળના નેતા પદેથી હટાવીને અજય ચૌધરીની નિમણૂંક કરતો નવો આદેશ બહાર પડ્યો હતો. આ નિમણૂંકને નકારી કાઢતાં, એકનાથ શિંદેએ કહ્યું હતું કે પાર્ટીએ તેમને નવેમ્બર 2019માં જ (સરકાર બનાવતી વખતે) વિધાયક દળના નેતા જાહેર કર્યા હતા અને તેઓ હજુ પણ વિધાયક દળના નેતા છે. મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર નજર રાખનારા નિષ્ણાતો કહે છે કે, આ બધી રાજકીય પોસ્ટિંગ એટલા માટે થઈ રહી છે કારણ કે, બેમાંથી કોની પાસે પાર્ટી અને પાર્ટીનું ચૂંટણી ચિહ્ન હશે. જોકે, જાણકારોનું કહેવું છે કે પક્ષમાં ભાગલા પડશે તે નિશ્ચિત છે, પરંતુ પ્રશ્ન એ છે કે પક્ષ અને તેનું ચિન્હ કોની પાસે હશે. સામાન્ય રીતે પક્ષ બે રીતે વહેંચાયેલો હોય છે. પ્રથમ, જ્યારે સંસદ અથવા વિધાનસભાનું સત્ર ચાલુ હોય અને કેટલાક ધારાસભ્યો તેમનો પક્ષ છોડી દે, તો આવી સ્થિતિમાં પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થાય છે. આવી સ્થિતિમાં સ્પીકરને નિર્ણય લેવાનો અધિકાર છે.

બીજી પરિસ્થિતિ ત્યારે થાય છે જ્યારે પાર્ટીમાં આ વિભાજન એવા સમયે થાય છે જ્યારે વિધાનસભા અથવા સંસદનું સત્ર ચાલુ ન હોય. એટલે કે આ વિભાજનને વિધાનસભા કે સંસદની બહારનું વિભાજન માની લેવામાં આવે છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચની ભૂમિકા મહત્ત્વની બની જાય છે. વિભાજન પછી, જો કોઈ જૂથ પક્ષના ચૂંટણી ચિહ્ન પર દાવો કરે, તો ચૂંટણી પંચ સિમ્બોલ ઓર્ડર 1968 હેઠળ નિર્ણય લે છે. ચૂંટણી પંચ બંને પક્ષોની દલીલો સાંભળે છે અને પછી નિર્ણય લે છે. ચૂંટણી પંચને પણ સિમ્બોલ ફ્રીઝ કરવાનો અધિકાર છે. ચૂંટણી પંચનો નિર્ણય બંને પક્ષોએ સ્વીકારવો પડશે.

જોકે, આજની તારીખમાં જે પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે તે જોતાં તેવું ન કહી શકાય કે, ફલાણા જૂથને જ પક્ષનું પ્રતીક અપાશે. કારણ કે કહેવાય છે કે, ચાના કપ અને હોઠ વચ્ચે ઘણું અંતર હોય છે. ઓછામાં ઓછું આજના રાજકારણમાં આ નરી વાસ્તવિકતા છે. મામલો લાંબો સમય ચાલશે. કોર્ટથી લઇને ચૂંટણી પંચ સુધી જવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp