ખેત તલાવડી કૌભાંડ રોજ બહાર આવી રહ્યા છે, છતાં સંયુક્ત તપાસ નહીં

PC: indianexpress.com

ખેડૂતો માટેની યોજનાઓમાં વ્યાપક પણે ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ખેડૂતોના ખેતરમાં નાના તળાવ બનાવવાની યોજનામાં વ્યાપક કૌભાંડ થયું છે. રોજ આવા કૌભાંડ બહાર આવી રહ્યાં છે. વડોદરા જિલ્લાના સોખડા અને બરકાલ ગામે સરકારી અધિકારીઓએ લાખોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. જેમાં મદદનીશ નિયામક સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. 13 ખેતરમાં તળાવ બનાવવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ કરતાં વધું એક કૌભાંડ બહાર આવ્યું છે.

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લી.ની વડોદરા કચેરીના મદદનીશ નિયામક કે.જી. ઉપાધ્યય, પૂર્વ મદદનીશ નિયામક એન.એચ. પટેલ, ફિલ્ડ સુપરવાઇઝર કે. જે. શાહ, ક્ષેત્ર મદદનીશ એન.સી. રાઠવા તથા ગેંગ લીડર છોટુ રવજી રાઠવા અને ગેંગ લીડર જેઠારામ પુરખારામે મળીને ખેડૂતરમાં તળાવ બનાવ્યા બગર રૂપિયા વાપરી નાંખ્યા હતા. તેર તલાવડી માત્ર કાગળ પર બતાવીને રૂા.11.64 લાખનું કૌભાંડ કર્યું હતું. મોડાસાના વતની એન.એચ. પટેલ, કે.જે. શાહ, એન.સી. રાઠવાની ધરપકડ કરી હતી. આ ઉપરાંત તેમની મિલકતની ચકાસણી માટે પોલીસે તેમના નિવાસસ્થાનોની તપાસ કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં તપાસ ન થઈ

ગુજરાતમાં અત્યાર સુધીમાં ખેત તળાવ કૌભાંડમાં 70 જેટલાં અધિકારીઓને ધરપકડ કરી છે. આજ સુધી ક્યા શું પકડાયું? તમામ જિલ્લાઓમાં તપાસનો આદેશ કરાયો હતો. જે તપાસ ન થઈ. ત્રણ જિલ્લામાં દરોડા પાડીને કામગીરી અટકાવી દેવામાં આવી હતી. કુલ છ ટીમો બનાવીને રાજ્યના તમામ જિલ્લામાં અધિકારીઓની કાર્યપદ્ધતિ અને ગાંધીનગર સુધી ગોઠવાયેલા ‘ઉઘરાણાંના નેટવર્ક’ની તપાસ કરવાની હતી. જમીન સંપાદન અધિકારીઓ અંગે તપાસ, અધિકારીઓની બેનામી, અપ્રમાણસર મિલકતો અંગે કેસો કરવા માટે ખાસ ડી.એ. યુનિટની રચના કરવાની જાહેરાત થઈ હતી. પણ પછી 12 ઓક્ટોબર 2018 સુધી કંઈ જ થયું નથી.

મુખ્ય કચેરીમાં જ દરોડો, મોટું લાંચ કાંડ

5 વર્ષે રૂ. 3000 કરોડનું ટર્નઓવર ધરાવતાં ગુજરાત જમીન વિકાસ નિગમમાં લાંચ રૂશ્વત વિરોધી દળે દરોડો પાડતાં પાંચ અધિકારીઓ પાસેથી તેમની કચેરીમાંથી રૂ. 56 લાખ પકડાયા હતા. સરકારની કંપનીના જોઈન્ટ ડાયરેક્ટર કે. સી. પરમારની પાસેથી રૂ. 40 લાખ મળી આવ્યા હતા. ખેડૂતો અને ગામમાં કોઈ કામ થયા ન હોય અને તેનું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું. આ બધી બાબતો બહાર આવતાં ગાંધીનગરનું સૌથી મોટું લાંચ કૌભાંડ હતું. ખેડૂતોની 21 યોજનાઓમાં 50 ટકાથી 100 ટકા સહાય આપવામાં આવે છે. રાજ્યભરમાં અનેક વિસ્તારમાં ખેત તલાવડી માત્ર કાગળ પર બનાવીને કરોડોના આચરવામાં આવેલા કૌભાંડ અંતર્ગત તપાસ કોઈ એક સ્થળેથી કરવાના બદલે અલગ અલગ રીતે તપાસ કરવામાં આવે છે.

આ કંપની શું કામ કરે છે?

ખેત તલાવડી, સીમ તલાવડી બનાવવી, તળાવો ઊંડા કરવા તથા નવા તળાવ બનાવવા, પાળા બાંધવા, નાળા છાંદવા, ઢોળાવ ખેતી, જમીન સંરક્ષણ, સમતોલનું કામ આ કંપની કરે છે. સુરત, વલસાડ, ભરૂચ વગેરે આદિવાસી જિલ્લાઓમાં ડાંગરની ખેતી માટે ક્યારી બનાવવા માટે ખેડૂતોને નાણાં આપે છે. ડાંગ જિલ્લાના ઢોળાવો પર સ્ટેપ પદ્ધતિથી ખેતી, ક્ષાર નિયંત્રણ, પરકોલેશન ટેન્ક માટે નાણાં આપે છે. જે પ્રજા સુધી પહોંચ્યા જ નથી.

કોણ છે અધિકારીઓ?

ગુજરાતના વરિષ્ઠ અધિકારી સંજય પ્રસાદ(IAS) જમીન વિકાસ નિગમ-કંપનીના અધ્યક્ષ, ડો. કે. એસ. દેત્રોજા કે જે મેનેજિંગ ડાયરેક્ટર હતા, ડાયરેક્ટરમાં અક્ષયકુમાર સકસેના (IAS), અક્ષયકુમાર સક્સેના IFS, આર જી ભલારા, એન. સી. પટેલ, બી. આર. શાહ (એગ્રીકલ્ચર ડાયરેક્ટર), બી. એમ. મોદી (બીજ નીગમના એમ.ડી.) છે. આમ ખેતી વાડી વિભાગના અધિકારીઓ આ કંપની સાથે જોડાયેલાં છે. ACBએ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓની ડાયરી, કમ્પ્યુટર સહિતની વસ્તુઓ કબજે કરી છે. જેમાં રાજકારણીઓના અને ટોચના અધિકારીઓના નામો હોવાની શંકા હતી પણ તે વિગતો જાહેર કરાઈ નથી.

કરોડોના ટેન્ડર આપીને લાંચ કૌભાંડ થયું છે?

આ વર્ષે તળાવો સુકાઈ ગયા હોવાથી તળાવો ઊંડા કરવાનું રૂ. 24.30 કરોડનું ટેન્ડર હમણાં જ બહાર પાડવામાં આવ્યું હતું. ઉપરાંત એક લાખ ક્યુબીક મીટર જમીનનું ખોદકામનું કામ આપવા આવ્યું હતું. 90 હોર્સપાવરના 51 બુલડોઝર ભાડેથી લાવીને તેમને કામ મેળવવા માટે ટેન્ડર આપવામાં આવ્યું હતું. દરેક જિલ્લા દીઠ તળાવો ઊંડા કરવાના રૂ. 3.40 કરોડ અને આખા રાજ્યનું કુલ રૂ. 50 કરોડનું કામ આપવાનું હતું. જે એક એજન્સીએ એક લાખ ક્યુબીક મીટર માટી ખોદવાનું કામ મહિને કરે છે. લાંચની રકમ આ રીતે કરોડો રૂપિયાના ટેન્ડરો દ્વારા વર્ષોથી મેળવવામાં આવી રહી હતી.

જૂનું કૌભાંડ ઢાંકવા નવું કૌભાંડ

લોકશાહી બચાઓ અભિયાન દ્વારા સરકાર જૂઠું બોલી રહ્યાં હોવાનો ગંભીર આરોપ મૂકીને સનસનાટીભરી વિગતો પ્રજા સમક્ષ જાહેર કરી હતી. તેમના નેતાઓ પૂર્વ CM સુરેશચંદ્ર મહેતા, પર્યાવરણ વીદ્દ મહેશ પંડ્યા અને અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે સંયુક્ત નિવેદનમાં 28 જુલાઈ 2018ના રોજ જાહેર કર્યું હતું કે, ગુજરાત સરકારનું જળ સંચય અભિયાન એટલે ભ્રષ્ટાચારના જંગી ખાડા ખોદવાનો કાર્યક્રમ હતો. જૂનું કૌભાંડ ઢાંકવા નવું કૌભાંડ હતું. પણ ગંભીર બાબત એ છે કે, નદીઓને પુનર્જીવિત કરવાના મુદ્દે ગુજરાતના CM નીતિ આયોગમાં હળાહળ જૂઠું બોલ્યા છે. તેમણે જાહેરમાં વચન આપ્યું હતું કે જળ સંચય અભિયાનનો હિસાબ જાહેર કરીશું પણ જાહેર કરાયો જ નહીં. તેથી ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર છૂપાવવા માંગે છે. ચોમાસામાં વરસાદ પડી જતાં આ ભ્રષ્ટાચાર પણ ઢાંકી દેવાયો છે.

છ કરોડ પ્રજા સાથે છેતરપિંડી આચરી

17 જૂન 2018ના રોજ CMએ એમ જણાવ્યું હતું કે સરકારે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દ્વારા ગુજરાતની 32 નદીઓ પુનર્જીવિત કરી છે અને તેમણે તમામ રાજ્યોનના મુખ્ય પ્રધાનોને તે જોવા માટે નિમંત્રણ પણ આપ્યું હતું. પરંતુ આ નદીઓ કઈ તે ગુજરાત સરકારે હજુ સુધી કહ્યું જ નથી. આ અભિયાનનો હિસાબ સંપૂર્ણપણે પારદર્શક રહેશે, ચોમાસુ પૂરું થયું છતાં હિસાબ હજુ સુધી જાહેર કરાયા નથી. છ કરોડની પ્રજા સાથે છેતરપિંડી કરી હતી. CM પાસે આ હિસાબ માંગતો પત્ર લખવામાં આવ્યો તો પણ તેમણે હિસાબ આપ્યો નથી. મુખ્ય પ્રધાન પાસે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી હતી.

એક કૌભાંડ ઢાંકવા બીજું કરોડોનું કૌભાંડ

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમનું જે કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું, તેને છાવરવા માટે અને તેના પર ઢાંકપિછોડો કરવા માટે સુજલામ સુફલામ જળ સંચય યોજના શરૂ કરી હતી. મહત્ત્વનું એ પણ છે કે સરકારે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમનું કૌભાંડ બહાર આવ્યા પછી એ નિગમની કામગીરી સ્થગિત કરી દીધી હતી અને તેની બધી કામગીરી નર્મદા, જળ સંપત્તિ, પાણી પૂરવઠો અને કલ્પસર વિભાગને સોંપી દીધી હતી. જમીન વિકાસ નિગમના ચેરમેન એવા આઈએએસ અધિકારી સરકારની આખી યોજના જ નિગમના અધિકારીઓ ખાઈ ગયા છે. વ્યક્તિગત ભ્રષ્ટાચારનો નથી પણ સામૂહિક કૌભાંડનો જ છે.. જળ સંચય અભિયાન ચલાવીને સરકારે પોતે જ ભ્રષ્ટાચારનો માર્ગ મોકળો કર્યો હતો. જૂનું કૌભાંડ ઢાંક્યું અને નવું કૌભાંડ કર્યું. તેમ સુરેશચંદ્ર મહેતા (ભૂતપૂર્વ CM), મહેશ પંડ્યા અને હેમંતકુમાર શાહે જાહેર કર્યું છે.

ભાજપના ધારાસભ્યએ કૌભાંડ બહાર પાડી પડદો પાડી દીધો

પંચમહાલ જિલ્લાના 160 ખેડૂતોએ શહેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. એક ખેત તલાવડીના રૂ. 87 હજાર લેખે 160 ખેડૂતોના રૂ.99 લાખનું કૌભાંડ હતું. મદદનીશ નિયામક કુશવાહ અને શહેરા તાલુકાના ફીલ્ડ સુપરવાઈઝર જે.કે. વણકરે કૌભાંડ કર્યું હતું. ખેત તલાવડી બનાવવા માટે તેઓ દ્વારા કોઈ પણ જાતની અરજી આપવામાં આવી નથી. ખેડૂતોની જાણ બહાર આ નાણાં ચૂકવી દેવાયા હતા. ભાજપના એક ધારાસભ્યએ આ કૌભાંડ જાહેર કર્યું અને હવે તેના ઉપર ઢાંકી દેવા રાજ્યાશ્રય મળ્યો છે.

ખેત તલાવડીમાં 20થી 30 ટકા કમિશન

જમીન વિકાસ નિગમના અધિકારીઓ તળાવ માટેની ગ્રાંટ મંજૂર કરાવવા 20થી 30 ટકા કમિશન લેતા હતા. જેમાં ટોચના નેતાઓ અને ટોચના અધિકારીઓ સંડોવાયેલાં હતા. એસ દેત્રોજા અને કે સીની ડાયરીની પણ તપાસ થશે પુરાવા માટે જમીન વિકાસ નિગમના તમામ CCTV ફુટેજ ACBએ કબજે લીધા હતા. જમીન વિકાસ નિગમની કચેરીમાંથી 30 હજારની કિમતની સોનાની લગડી મળી આવી હતી. જે વિગતો આજ સુધી જાહેર કરાઈ નથી. નિગમમાં વર્ષે રૂ.3000 કરોડનો ભ્રષ્ટાચાર થતો હોવાનું માનવામાં આવે છે. જે પ્રકરણ જ તળાવો ઉંડા કરવાની જાહેરાત કરીને દબાવી દેવાયું હતું. શું થયું તેની વિગતો બહાર આવી નથી.

મોટો ઘટસ્ફોટ, 150 કરોડ લેવાયા

ACB ફૂટી જતાં ટ્રેપ કરી તે પહેલા એક વ્યક્તિ ખૂબ જ મોટું રોકડનું કલેક્શન લઈને કચેરીમાંથી ભાગી ગયો હતો. તો આ વ્યક્તિ કોણ છે? કેટલી રોકડ રકમ લઇને રવાના થયો તેની તપાસ ACB કરી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે રૂ.56 લાખનું કલેક્શન માત્ર એક જ દિવસનું હતું. તે હિસાબે અહીં વર્ષે કચેરીમાંજ રૂ.150 કરોડ લેવાતાં હતા.

પૂર સહાયમાં ભ્રષ્ટાચાર

બનાસકાંઠામાં પૂર બાદ સહાયમાં કરોડો રૂપિયાનો ગોટાળો કરનાર એમ.કે. દેસાઈ 2016માં બનાસકાંઠામાં જમીન વિકાસ નિગમના ઇનચાર્જ નિયામક હતાં જેમાં લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ‘આયોજનબદ્ધ’ રીતે ભ્રષ્ટાચારનું ‘ઉઘરાણાં’નું નેટવર્ક ગોઠવેલું હતું.

13,000 તળાવો બનાવવા નાટક

ભાજપ સરકારમાં વ્યાપક કૌભાંડ લોકોમાં ચર્ચાસ્પદ બનતાં લોકોને અવળા માર્ગે દોરવા માટે ગુજરાતમાં 13,000 તળાવો અને નદીઓ ઉંડી કરવા ‘ગુજરાત સ્થાપના દિન’ 1 મે 2018થી આખા મહિના દરમિયાન જળસંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે 12,000 તળાવો ઉંડા કરી દેવામાં આવ્યા હોવાની સરકાર દ્વારા એકાએક જાહેરાત CM વિજય રૂપાણી દ્વારા કરી દેવામાં આવી હતી.

ઠેર-ઠેર, ઘેર-ઘેર કૌભાંડ

રાજકોટના કોટડાસાંગાણીના નાના માંડવા અને જામકંડોરણાના બોરિયા ગામ, વલસાડમાં રૂ.34 લાખનું, સુરતના ત્રણ તાલુકા મહુવા, માંડવી, માંગરોળમાં 23 જેટલી ખેત તલાવડી બનાવ્યા વગર જ સરકારી રેકર્ડ પર બતાવીને કુલ રૂ.20.52 લાખનું કૌભાંડ, વલસાડના ધરમપૂરના બારોલીયા, સિંગારમાળ, બમાળ તથા કપરાડાના મધુબન અને નગર મળી કુલ 5 ગામોમાં મરણ પામેલા 35 ખેડૂતોના નામે કૌભાંડ થયા હતા.

આ બધા કૌભાંડો અંગે એક સંયુક્ત અહેવાલ તૈયાર કરવામાં આવે તો તેમાં રૂ.3000 કરોડથી વધુંનું કૌભાંડ થયું હોવાનું કૃષિ વિભાગના અધિકારી માની રહ્યાં છે.

(દિલીપ પટેલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp