ગુજરાત ભાજપના સંગઠન ક્ષેત્રમાં પણ ધરખમ ફેરફાર આવી રહ્યાં છે

PC: oneindia.com

રાજ્યની ભાજપ સરકારના વહીવટીતંત્રમાં સેવા આપી રહેલા સનદી અધિકારીઓની બદલી બાદ ભારતીય જનતા પાર્ટીના સંગઠન ક્ષેત્રમાં પણ મોટા ફેરફાર થવાના અહેવાલ મળી રહ્યાં છે. પ્રદેશ ભાજપમાં સંભવિત ફેરફારો અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નવા ચહેરાઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવશે. બીજી તરફ યુવા મોરચામાં આક્રમક નેતૃત્વ આપે તેવા યુવા નેતાની પસંદગી થવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં ભળેલા શંકરસિંહ વાઘેલા જૂથ તેમજ જનતાદળ ગુજરાતના નરહરિ અમીનના જૂથને પણ ભાજપ પ્રદેશ કક્ષાએ મહત્ત્વના સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત કોળી સમાજના એક-બે ચહેરાઓને પણ સ્થાન મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

આગામી 2019 લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કક્ષાએ જ્ઞાતિ જાતિ તેમજ વિવિધ મોરચા અને સેલમાં કાર્યરત પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો વચ્ચે સંકલનનો અભાવ તેમજ પક્ષની અંદર ચાલી રહેલી ભેદભાવની નીતિને ચૂંટણી પહેલા દૂર કરવા માટે ભાજપ હાઇકમાન્ડે નિર્ણય કર્યો છે. મનાઈ રહ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ચાલતી યાદવાસ્થળી દિવસેને દિવસે વધી રહી છે.

આ કારણે ભાજપ હાઇકમાન્ડ પણ ચિંતિત છે. ત્યારે પ્રદેશ કક્ષાએ સંગઠન ક્ષેત્રમાં ફેરફારોની તાતી જરૂરિયાત હોવાનું પણ મનાઈ રહ્યું છે. એટલે જ આવનારા ટૂંક સમયમાં જ ભાજપમાં અનેક નવા ચહેરાઓને પક્ષ વિવિધ જવાબદારીઓ સોંપશે એમ મનાઈ રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ યુવા અને મહિલા મોરચામાં હાલ જૂથબંધી અને અંદરોઅંદરની ખેંચતાણ વધી રહી છે ત્યારે વિધાનસભાની ચૂંટણી ટાણે શરૂ થયેલું શીત યુદ્ધ પરાકાષ્ટાએ છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી કે જે શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઉપસી આવી છે ત્યારે પક્ષના જ હોદ્દેદારો અને કાર્યકરો વચ્ચે પડેલી ફાટ દૂર કરવી પડે તેમ છે અને એટલે જ ભાજપમાં ધરખમ ફેરફારો થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીમાં પાયાના અગ્રણી કાર્યકરો અને એક સમયનું ટોચનું નેતાગણ હાલ હાંસિયામાં ધકેલાઈ ગયું છે. તો બીજી તરફ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા કમિટેડ નેતાઓ પણ ભાજપમાં ભરાઈ ગયાની ભીતિ વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના કુંવરજી બાવળીયાને ગણતરીના કલાકોમાં મંત્રી પદ આપી દેવાની ઘટના ખૂબ જ ગંભીર બની છે. એટલે આ સંજોગોમાં ભાજપનું હાઇકમાન્ડ પણ આ તમામ ઘટનાઓથી વાકેફ તો છે પરંતુ વધતી જતી તિરાડ હવે કેમ પૂરવી તેની પેરવીમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp