ચૂંટણી પહેલા રાજીનામું આપનાર નરેશ પટેલ ફરી વખત ખોડલધામના પ્રમુખ પદે

PC: khabarchhe.com

પાટીદાર સમાજના અગ્રણી એવા નરેશ પટેલ ફરી પાછા ખોડલ ધામ ટ્રસ્ટની ગાદી ઉપર બિરાજમાન થશે. ચૂંટણી સમયે અપાયેલા અનેક વચનોમાનું એક વચન એટલે નરેશ પટેલનું ફરી વખત ખોડલધામના પ્રમુખપદનો સ્વીકાર અને ત્યારે 'ઘીના ઠામમાં ઘી' યુક્તિ સાર્થક થશે, કારણ કે ચૂંટણી સમયે 'નરેશ પટેલ હશે કોંગ્રેસ પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર' જેવા સમાચાર જે રીતે માધ્યમોમાં ચાલ્યાં હતા, તેને લઈને તાબડતોબ નરેશ પટેલ પાસે આખોય ગાંધીનગરનો 'રસાલો' પહોંચી ગયો હતો. લાભ, પ્રલોભન અને અનેક પ્રકારની શાબ્દિક અને ગર્ભિત ધમકીઓના સુરમાં કરાયેલી ચર્ચા બાદ નરેશભાઈ પટેલે સજાવેલા હથિયાર હેઠે મૂક્યાં હતાં. તે બાબતના અનેક કારણોમાનું એક કારણ પોતાને ખોડલધામના પ્રમુખ પદેથી હટવું અને યોગ્ય સમયે ફરી પાછું આવી જવું પણ સામેલ હતું.

ગુજરાત વિધાનસભા 2017 ચૂંટણી કદાચ વિશ્વની સૌથી ચિંતિત અને ચર્ચિત ચૂંટણીઓમાંની એક હશે. સામ, દામ, દંડ ,ભેદ જેવી તમામ રાજકીય યુક્તિઓનો સળંગ સરવાળો એટલે સત્તરની ચૂંટણી!

એક તરફ વર્ષો પછી કોંગ્રેસ પોતાના મોભી એવા અહેમદ પટેલની રાજ્યસભામાં થયેલી જીત જોઈને તમામ કોંગ્રેસી કાર્યકરોમાં એક નવો જોમ-જુસ્સો વધારવા પૂરતું હતો અને કાર્યકરોની મહેનત અને ભાજપ સામેની સાર્વત્રિક પણ 'છૂપી' નારાજગી કામ કરી ગઈ અને કોંગ્રેસ 45માંથી 80 લઈ ગઈ.

આખીય ચર્ચામાં ભાવાર્થ એ છે કે ચૂંટણીના અમુક મહિના પહેલા પોતાના સ્વપ્ન સમા ખોડલધામમાં રાજીનામું આપીને અને પોતાના તમામ વ્યવસાય ઉપરથી પોતાની જવાબદારી અન્ય સગાઓને સોંપી ને જે વ્યક્તિ પોતાના પાટીદાર સમાજ કાજે એક મજબૂત આહવાન સાથે લડવા નીકળવાનો હોય, તેની જગ્યા પોતાને 'રાજનીતિ સાથે કોઈ લેવાદેવા જ નથી' તેવું નકલી સ્ટેટમેન્ટ મીડિયા સમક્ષ આપવું પડે તો તે વાત બાબતે શું 'રાજ' હશે તે સમજવું રાજકોટની 'રાજબેન્ક' જેટલો જ સરળ છે.

નરેશ પટેલ પાટીદાર પુત્ર, એક મહેનતકશ ખેડૂત અને ખરેખર 'ગંદી' રાજનીતિથી જોજન દૂર એવો ચોખ્ખી ચણાક વ્યક્તિ. પોતાની મહેનત અને પરસેવે ભેગી થયેલી ઈજ્જત અને સંપત્તિને કઈ રીતે ડૂબતી જોઈ શકે, તેવી ચર્ચા ચૂંટણી સમયે રાજકોટની ગલીઓમાંથી થઈને છેક આખાય રાજ્યમાં ફરી વળેલી ત્યારે અનેક તર્ક-વિતર્ક માનો એક તર્ક એ પણ હતો કે ચૂંટણી અને રાજનીતિથી 'ડરી'ને દૂર ગયેલા નરેશ પટેલ ફરી પાછામાં ખોડલધામની સેવા કરવા એજ જવાબદારી સ્વીકારશે જેને નરેશ પટેલે ક્યારેય છોડી જ નહોતી.

(સંજય દવે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp