26th January selfie contest

પાટીદાર વોટબેંક કબજે કરવા ભાજપની નવી નીતિ

PC: khabarchhe.com

ભારતીય જનતા પક્ષના નેતાઓને કડવા પાટીદારો પ્રત્યે એકાએક અહોભાવ ઊભો થયો છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ભાવ પેદા થયો છે. વિધાનસભાની ચૂંટણીમાં અનેક જ્ઞાતિઓએ ભાજપને મત આપ્યા ન હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનું સાવ ધોવાણ થયું હતું. ત્યાર બાદ ભાજપે અલગ અલગ કોમ પ્રમાણે મતો મેળવવા તેમના ધાર્મિક સ્થાનો પર પ્રભાવ વધારવા અને શક્ય હોય ત્યાં તેના પર કબજો જમાવવા અને જ્ઞાતિ આધારિત નવી સંસ્થાઓ ઊભી કરવાની રાજકીય નીતિ બનાવી છે. જેમાં અગાઉ અનેક જ્ઞાતિઓ સાથે આ રીતે મતોનું ધ્રુવીકરણ કર્યા બાદ હવે ઓપરેશન કડવા પાટીદાર હાથ ધર્યું છે. પહેલાં અમદાવાદ અને હવે ઊંઝા તથા સીદસરમાં આ રીતે ભાજપે પોતાની કડવા પાટીદાર મત બેંક ઊભી કરવા માટે રાજનીતિ બનાવતાં સમાજના લોકોમાં આ બાબત ટીકા પાત્ર બની છે. લોકો એવું માનવા લાગ્યા છે કે, હાર્દિક પટેલ ફરી એક વખત ગુજરાતમાં ભાજપને ભારે પડી રહ્યો છે ત્યારે તેનું પ્રભુત્વ ઘટાડવા અને પાટીદારોની સંસ્થાઓ પર કબજો જમાવવા આ પ્રયાસ છે. સીદસરના મેનેજિંગ ટ્રસ્ટી વાંસજાલીયા અને ભાજપના પૂર્વ ધારાસભ્ય પણ આ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. સરકારના કાબુમાં હોય એવા અધિકારીઓ પણ સીદસર મંદિરના ટ્રસ્ટી છે. આમ ઊંઝા, સીદસર અને વિશ્વ ઉમિયા ફાઉંડેશન પર હવે ભાજપનો સંપૂર્ણ કબજો આવી ગયો છે. જે હવે મત બેંક બની રહેશે. પણ લોકો એવું કહી રહ્યાં છે કે ભાજપે આ સંસ્થાઓનો ઉપયોગ જ કર્યો છે પણ મદદ શું કરી? પાટીદાર યુવાનો બેકાર છે, અનેક જેલમાં છે તેમને શું મદદ કરી? આ પ્રશ્નનો જવાબ ભાજપના એક પણ પાટીદાર નેતાઓ આપી શકતા નથી.

સીદસર

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઉમિયા સાગર તળાવના કિનારે આવેલા પ્રસિદ્ધ કડવા પાટીદારોના તીર્થધામ સીદસર મંદિરે ઉમિયા માતાજીના ચરણોમાં શીશ નમાવી પૂજા અર્ચના કરી, પ્રાર્થના કરી, ધ્વજાજીનું પૂજન કર્યું હતું. સાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવેલું હતું. ત્યારબાદ સીદસર મંદિરના ટ્રસ્ટીઓ સાથે એક બેઠક યોજી હતી. તેમાં સીદસર મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરના વિકાસ પ્રોજેક્ટની એક ડોક્યુમેન્ટ્રી રજૂ કરી હતી.

ઊંઝા

તો વળી ઊંઝામાં કડવા પાટીદારોની કુળદેવી ખાતે ઉમિયાધામનું ખાતમુહૂર્ત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સરકારના પ્રવાસન વિભાગ દ્ધારા આ ધામ માટે 8.5 કરોડ રૂપિયાના ખર્ચે એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ઊંઝા ઉમિયા મંદિરને વિકસાવવા માટે સરકાર દ્વારા પૂરઝડપે કામગીરી હાથ ધરી છે. શનિવારે સંસ્થાના હોદ્દેદારોની મીટિંગ મળી હતી. રૂપરેખા નક્કી કરવામાં આવશે.

અમદાવાદ

અમદાવાદના વૈષ્ણોદેવી ચાર રસ્તા પાસે ભાજપના નેતાઓ પ્રેરિત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા રૂ. 1000 કરોડના ખર્ચે ઉમિયા ધામ બનાવવાની જાહેરાત થોડા દિવસ પહેલાં કરવામાં આવી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp