નીતિન પટેલને સણસણતો જવાબ આપતા પરેશ ધાનાણી, જાણો શું કહ્યું?

PC: indianexpress.com

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો અને મંત્રીએ કરેલી મારામારી અને ગાળા-ગાળીને લઈ વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર પલટવાર કર્યો હતો. નીતિન પટેલને જવાબ આપતા પરેશ ધાનાણીએ કહ્યું કે ભાજપના ધારાસભ્યો અને મંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યો સામે ષડયંત્ર કરી ગુજરાત વિધાનસભાને અભડાવી છે.

પરેશ ધાનાણીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એમ કહે છે કે કોંગ્રેસના ધારાસભ્યોએ આ કામ કર્યું છે તો ભાજપના ધારાસભ્યો જગદીશ પંચાલ અને હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે ગાળાગાળી કરી હતી. સ્પીકરની સૂચનાથી કોંગ્રેસ ધારાસભ્ય વિધાનસભા લોન્જમાંથી બહાર જઈ રહ્યા હતા ભાજપના આ બન્ને ધારાસભ્ય અને મંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યોને ગાળો આપી હતી જેથી કરીને ઉશ્કેરાયેલા કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપના ધારાસભ્યોને આડેહાથે લીધા હતા. ભાજપના ધારાસભ્યો અને મંત્રી કોંગ્રેના ધારાસભ્ય અમરિષ ડેરને ગૃહની લોન્જમાં ઘેરી લઈ ગડદાપાટુનો માર માર્યો હતો. ભાજપે ગુંડાગર્દીની તમામ હદો પાર કરી છે. વિધાનસભાને કલંકિત કરી છે. આખીય ઘટનાને ષડયંત્રરૂપએ પાર પાડવામાં આવી હતી.

તેમણે કહ્યું કે નીતિન પટેલ એમ કહેતા હોય કે કોંગ્રેસના ધારાસભ્યોએ શરૂઆત કરી છે તો ભાજપના ધારાસભ્યો શું તાબોટા પાડતા હતા. ભાજપના ધારાસભ્યોએ ગૃહના ઈતિહાસને કાળા અક્ષરે લખવાનો નિર્લજ્જ પ્રયાસ કર્યો છે. નીતિન પટેલ સાચા હોય તો વિધાનસભાની કાર્યવાહીની તમામ રેકોર્ડીંગ મીડિયાને સુપરત કરી સાર્વજનિક કરે. કોઈ પણ પ્રકારના છેડછાડ વગર ગૃહની કાર્યવાહીને સાર્વજનિક કરવામાં આવે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા વારંવાર માંગ કરવામાં આવે છે પરંતુ સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ ટેલિકાસ્ટીંગ કરી રહી નથી. કોંગ્રેસના ધારાસભ્યોને ઉશ્કેરવા માટે ગાળો આપવામાં આવી અને આ બધું વીડિયો રેકોર્ડીંગમાં છે જ. ભાજપ સરકારના મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આ બાબતનો વીડિયો કાપકૂપ વિના પ્રજાની સમક્ષ મૂકે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જશે.

પરેશ ધાનાણીએ કહ્યું કે ગુજરાત વિધાનસભામાં જે કંઈ પણ બન્યું તે માટે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને ઠપકો આપ્યો છે અને તેમને આચરણમાં રહેવાનો આદેશ આપ્યો છે પરંતુ સત્તાના નશામાં છાટકા બનેલા ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ અને હર્ષ સંઘવી વિરુધ્ધ કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પ્રશ્ન પણ બહુ શંકા ઉપજાવી રહ્યો છે. ભાજપ સરકારના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે. કોંગ્રેસ દ્વારા સમગ્ર કાંડની તપાસ કરવાની માંગ કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે સ્પીકરને વારંવાર ફરીયાદ અને રજૂઆત કરવામાં આવી રહી છે કે કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાં બોલવા દેવાતા નથી, પૂરક પ્રશ્નો, પોઈન્ટ ઓફ ઓર્ડર પર પણ બોલવા દેવામાં આવતા નથી. તેવામાં વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે પરંતુ ભાજપ સરકાર આંખ આડા કાન કરે છે. સ્પીકર પોતાની તટસ્થ ભૂમિકાનો પરિચય આપે તો વિધાનસભાનું સંચાલ સુચારું રીતે થઈ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp