રાતે નશાખોરો બેફામ ગાડી ચલાવે છે, પેટ્રોલિંગ દિવસે નહિ રાતે કરવાની જરૂર: BJP MLA

PC: twitter.com

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પરના તથ્યકાંડે સૌ કોઈને હચમચાવી દીધા હતા. ત્યારે હવે સુરતમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત જેવા દ્રશ્યો સર્જાયા હતા. રવિવારે રાતે સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં એક યુવકે નશામાં પોતાની કાર પૂરઝડપે BRTS રૂટમાં હંકારી ત્રણ બાઈકચાલક અને બે રાહદારીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ, બે લોકો ગંભીર હોવાની માહિતી મળી છે. પોલીસે અકસ્માત સર્જનારા યુવકની ધરપકડ કરી છે. પરંતુ, હવે સતત થતા અકસ્માતો બાબતે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સવાલ ઉઠાવ્યા છે.

મીડિયા અહેવાલ મુજબ, કુમાર કાનાણીએ કહ્યું કે, પોલીસ દ્વારા દિવસે પેટ્રોલિંગ કરીને સામાન્ય વાહનચાલકો પાસેથી લાયસન્સ, હેલમેટ, નંબરપ્લેટના નામે દંડ વસૂલવામાં આવે છે. પરંતુ, રાતના સમયે નશાખોરો અને પૈસાદાર બાપના નબીરાઓ કાયદાના ભય વિના બેફામ થઈને ગાડી ચલાવી અકસ્માત સર્જી નિર્દોષ નાગરિકોના જીવ લે છે તેમની સામે કાર્યવાહી કરવા પોલીસે રાતના સમયે ડ્રાઇવ કરવાની જરૂર છે. આવી ઘટનાઓ બાબતે HM અને CMને રજૂઆત કરશે તેમ ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું.

સુરતમાં સતત વધી રહેલા અક્સ્માતની ઘટનાઓને પગલે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે, ગતરાતની ઘટના બાદ પોલીસ કાર્યવાહી કરવામાં આવી, એફઆઈઆર નોંધવામાં આવી, આરોપીની અટકાયત કરવામાં આવી છે. પરંતુ, આ પ્રકારના બનાવો બને છે તે જ ખૂબ ગંભીર બાબત છે. અમદાવાદની ઘટના બાદ પોલીસે પોતાની કાર્યવાહી સઘન કરી છે. આખા રાજ્યમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે. પરંતુ, મારું માનવું છે કે મોટાભાગે પોલીસે દિવસમાં કાર્યવાહી કરે છે અને ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ દંડ વસૂલે છે. પરંતુ અકસ્માતની ઘટનાઓ મોડીરાતે પણ બની રહી છે.

તેમણે કહ્યું કે, દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસો નહીંવત હોય છે પરંતુ, રાતના સમયે કેટલાક નબીરાઓ નશો કરીને બેફામ ગાડી હંકારતા હોય છે. આથી પોલીસે રાતે પેટ્રોલિંગ વધારી મોડીરાત્ર સુધી કાર્યવાહી કરવી જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે, ફક્ત વહીવટીતંત્ર પર આધાર રાખવાની જગ્યાએ હવે મા-બાપને પણ જાગૃત થવું પડશે. રાતના સમયે બહાર જતા પોતાના દીકરા-દીકરીનું ધ્યાન રાખવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp