નાગરિકોના કલ્યાણ માટે બિનજરૂરી નિયમોને અવરોધરૂપ બનવા દેવાતા નથીઃ PM મોદી

PC: PIB

સરકારે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના 1.47 લાખથી વધુ લાભાર્થીઓને પીએમએવાય-જીનો પહેલો હપ્તો હસ્તાંતરિત કર્યો હતો. આ અવસરે લાભાર્થીઓનાં ખાતાંમાં રૂ. 700 કરોડથી વધુ સીધા જમા કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીના હસ્તક્ષેપને પગલે, ત્રિપુરાની અનોખી ભૌગોલિક-આબોહવા સ્થિતિને ધ્યાને લેતાં, આ રાજ્ય માટે ‘કાચા’ મકાનની વ્યાખ્યાને વિશેષ રૂપે બદલવામાં આવી છે, જેનાથી ‘કાચા’ મકાનમાં રહેતા લાભાર્થીઓની મોટી સંખ્યા ‘પાકું’ ઘર બાંધવા સહાય મેળવવા માટે સમર્થ બની છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી અને ત્રિપુરાના મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ ત્રિપુરાના ધલાઇનાં અનિતા કુકી દેબ્બર્મા સાથે વાતચીત કરતા તેમને તેમનાં જીવન અને આજીવિકા વિશે પૂછ્યું હતું અને તેમને જેવું એને પાકું ઘર મળે કે તરત મજબૂત અને નોંધપાત્ર ઘરનું નિર્માણ કરવા કહ્યું હતું. પ્રધાનમંત્રીએ આ મહિલા લાભાર્થીને કહ્યું કે આ સરકાર જ્યારથી સત્તામાં આવી છે, ગરીબ અને આદિવાસી વર્ગનું કલ્યાણ એની સર્વોચ્ચ પ્રાથમિક્તા રહી છે. એકલવ્ય સ્કૂલો, વન પેદાશો સંબંધી જેવી યોજનાઓ આયોજિત કરાઇ અને સ્થળ પર અમલી કરાઇ છે. તેમણે લાભાર્થીને એમનાં બાળકોને શિક્ષણ આપવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં.

પ્રધાનમંત્રીએ સિપહિજલાનાં સોમા મજમુદારને આ યોજનાના લાભના અનુભવ વિશે પૂછ્યું હતું. તેમણે તેમને એમ પણ પૂછ્યું હતું કે નવું પાકું મકાન મળ્યા બાદ એમનું જીવન કેવી રીતે સુધરી જશે. લાભાર્થી મહિલાએ જણાવ્યું હતું કે આ યોજનાના કારણે પાકાં ઘરનું એનું સપનું પૂર્ણ થશે અને એનાથી ચોમાસા દરમ્યાન ઘણી મદદ મળી રહેશે. પ્રધાનમંત્રીએ તેમને અનુરોધ કર્યો કે તેઓ હપતાઓને માત્ર એમનાં ઘરના બાંધકામ પર ખર્ચ કરે. તેમણે કહ્યું હતું કે તેમની સરકારનો ઉદ્દેશ કોઇ પણ વચેટિયા કે અવરોધ વિના યોજનાના લાભો લાભાર્થીઓને મળે એ છે.

ઉત્તરી ત્રિપુરાના સમિરન નાથને પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું કે પીએમએવાય-જી હેઠળ એનું ઘર બાંધવા માટે હપતાની સાથે મળનારા લાભોથી તેઓ વાકેફ છે કે કેમ. પ્રધાનમંત્રીએ એમને યોજના પૂર્વેની પ્રવૃત્તિઓ જેવી કે એનું ઘર બાંધવા માટે કરવામાં આવેલ સર્વેના અનુભવ વિશે પણ પૂછ્યું હતું. પ્રધાનમંત્રીએ તેમને એમ પણ પૂછ્યું હતું કે આ યોજના હેઠળ લાભો મેળવવા માટે એમને કોઇ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો કે કેમ કે લાભો મેળવવા માટે એમણે કોઇ લાંચ આપવી પડી હતી કે કેમ. પ્રધાનમંત્રીએ અગાઉની એ વ્યવસ્થાની ટીકા કરી હતી જેમાં લાભાર્થીઓ લાંચ આપ્યા વિના કોઇ લાભ મેળવી શકતા ન હતા.

દક્ષિણ ત્રિપુરાનાં કેદાર બિયા સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ પૂછ્યું કે આ યોજના હેઠળ હપતાઓ તરીકે તેમને કેટલાં મળશે એ ખબર છે ખરી? પ્રધાનમંત્રીએ તેમને એમ પણ પૂછ્યું હતું કે શું એમણે કદી એવું સપનેય વિચાર્યું હતું કે સરકાર તેમને જોઇતું, તેમણે જે રીતે ઇચ્છેલું એ ઘર બાંધવામાં નાણાકીય મદદ કરશે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે પાકું ઘર એમનાં જીવનમાં ખુશીઓ લાવશે. તેમણે કહ્યું કે બિયા જેવા લાભાર્થીઓ સાબિતી છે કે સરકાર કોઇ ભેદભાવ કે વચેટિયા વગર લાભો સુનિશ્ચિત કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર નાગરિકોને લાભાન્વિત કરવાના દ્રષ્ટિકોણ સાથે કામ કરી રહી છે. પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી અને એમની ટીમને ઝડપથી કામ કરવા બદલ અભિનંદન આપ્યા હતા અને કહ્યું કે બિપ્લબ કુમાર દેબજીની સરકાર હોય કે મોદી સરકાર, નાગરિકોનાં કલ્યાણ માટે નિયમોને અડચણરૂપ બનવા દેવાતા નથી. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે પીએમએવાય હેઠળ ઘરો મહિલાઓનાં નામે છે.

સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનો કાર્યક્રમ આગામી સારા દિવસો અને ત્રિપુરા માટે આશાનો સંકેત છે. તેમણે ભાર મૂક્યો હતો કે રાજ્યમાં બિપ્લબ દેબજીની સરકાર અને કેન્દ્રની સરકાર રાજ્યની પ્રગતિને આગળ લઈ જવા પ્રતિબદ્ધ છે. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અપાયેલા પહેલા હપતાથી ત્રિપુરાનાં સપનાંને નવું જોમ મળ્યું છે. હું ત્રિપુરાના તમામ લોકોને, પહેલા હપ્તાનો લાભ મેળનવારા આશરે દોઢ લાખ પરિવારોને હ્રદયથી અભિનંદન પાઠવું છું એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ત્રિપુરાને ગરીબ રાખતી, ત્રિપુરાના લોકોને સુવિધાઓથી દૂર રાખતી વિચારધારાને આજે ત્રિપુરામાં કોઇ સ્થાન નથી. હવે ડબલ એન્જિનની સરકાર રાજ્યના વિકાસમાં પૂરી તાકાત અને ઇમાનદારીથી લાગેલી છે. આ પ્રદેશની લાંબા સમયથી થયેલી ઉપેક્ષા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે અગાઉ આપણી નદીઓ દેશના ઉત્તરીય અને પશ્ચિમી ભાગોમાંથી પૂર્વમાં આવતી હતી પરંતુ વિકાસની ગંગા અહીં આવતા પૂર્વે જ અટકી જતી હતી. દેશનો એકંદર વિકાસને ટુકડામાં જોવાતો હતો અને રાજકીય ચશ્માથી જોવામાં આવતો હતો. એટલે આપનું ઉત્તરપૂર્વ ઉપેક્ષિત અનુભવતું હતું એમ તેમણે ભાર મૂક્યો હતો. પરંતુ આજે દેશનો વિકાસ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના સાથે જોવાય છે. વિકાસને હવે દેશની એક્તા-અખંડિતા સાથે સમાનાર્થક તરીકે ગણવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ દેશના વિકાસમાં યોગદાન માટે ભારતની આત્મવિશ્વાસુ નારી શક્તિનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ નારી શક્તિના મહત્વનાં પ્રતીક તરીકે આપણી પાસે મહિલાઓનાં સ્વ સહાય જૂથો છે. આ એસએચજી જન ધન ખાતા સાથે જોડાયેલા છે. આવા જૂથોને કોલેટરલ મુક્ત મળતી લોન બમણી થઈને 20 લાખ રૂપિયા કરાઇ છે, એમ તેમણે કહ્યું હતું. વધતી જતી જીવન જીવવાની સુગમતા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે અગાઉ સામાન્ય માણસે દરેકે દરેક કામ માટે સરકારી કચેરીઓના ચક્કર લગાવવા પડતા હતા પણ હબે સરકાર પોતે તમામ સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવા લોકો પાસે આવે છે. અગાઉ, સરકારી કર્મચારીઓને સમયસર પગારની ચિંતા રહેતી હતી પણ હવે એમને 7મા પગાર પંચના લાભો મળી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આઝાદીના ઇતિહાસમાં ઉત્તરપૂર્વના અને દેશના અન્ય ભાગોના આદિવાસી લડવૈયાઓએ દેશ માટે એમનું જીવન બલિદાન કર્યું હતું. આ પરંપરાનું સન્માન કરવા, દેશ આ વારસાને આગળ ધપાવવા અથાગ રીતે કામ કરી રહ્યો છે. આ શ્રેણીમાં, દેશે અમૃત મહોત્સવ દરમ્યાન વધુ એક મોટો નિર્ણય લીધો છે. દેશ હવે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને દર વર્ષે 15મી નવેમ્બરે આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવશે. આ દિવસનું મહત્વ રાષ્ટ્રીય વ્યક્તિ મીમાસામાં બીજી ઑક્ટોબર-અહિંસા દિવસ, 31મી ઑક્ટોબર એક્તા દિવસ, 26મી જાન્યુઆરી-પ્રજાસત્તાક દિવસ, રામ નવમી, કૃષ્ણા અષ્ટમી ઇત્યાદિ જેટલું જ સમાન મહત્વ રહેશે. આ દિવસ આદિવાસી સમાજના યોગદાનની બિરદાવલી દિવસ તરીકે જ નહીં હોય પણ તે સંવાદી સમાજના પ્રતીક તરીકે પણ ઉદભવશે એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્જીને અને કનેક્ટિવિટી વધારીને પ્રદેશની જંગી સંભાવનાઓને મુક્ત કરાશે. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રદેશમાં થઈ રહેલાં કામો દેશને વિકાસની નવી ઊંચાઇઓએ લઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp