મહારાષ્ટ્ર બાદ આ બંને રાજ્ય પર છે ભાજપની નજર, જાણો શું કહે છે સમીકરણ

PC: https://www.hindustantimes.com

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી અને પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણીમાં મોટો ફટકો પડ્યા બાદ ભાજપ માટે હાલ આ સૌથી કપરો સમય શરુ થયો છે. આગામી સમયમાં કર્ણાટકમાં પેટાચૂંટણી યોજાવાની છે. જ્યારે ઝારખંડના ચૂંટણી પરિણામ પર સૌની નજર છે. કર્ણાટકમાં ભાજપનું પ્રદર્શન ત્યાંય અસર કરશે જ્યાં આ અઠવાડિયામાં પેટા ચૂંટણી યોજાવવાની છે. ઝારખંડમાં હિંસક વાતાવરણમાં મતદાન થયા બાદ સૌ રાજકીય પક્ષોની નજર હવે પરિણામ પર છે. કર્ણાટકમાં આ ચૂંટણી બાદ જ નક્કી થશે કે, ભાજપ કર્ણાટક રાજ્યમાં સ્થિર અને બહુમત સરકાર બનાવી શકે છે કે કેમ? મહારાષ્ટ્રમાં થયું એવું રાજકીય નાટક અગાઉ કર્ણાટકમાં થઈ ચૂક્યું છે. હવે ફરી કોઈ રાજનૈતિક વળાંક આવે છે કે સરકાર બને છે એ ચૂંટણી પરિણામ પરથી જાણી શકાશે.

ઝારખંડ રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. 7 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાના મતદાન પહેલા કર્ણાટકમાં 15 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. જ્યાં એક સમયે કોંગ્રેસ અને જેડીએસએ ધારાસભ્યોના સંગઠનથી સરકાર પલટાવી નાંખી હતી. પછીથી સત્તા પર ભાજપ આવ્યો હતો. પરંતુ, ભાજપ તરફથી વિધાનસભામાં જોઈએ એટલી કોઈ બહુમતી ધરાવતી સંખ્યા નથી. આવનારું પરિણામ ભાજપના શક્તિ પ્રદર્શનની કસોટી કરશે. હાલમાં ભાજપ પાસે 105 બેઠક છે. 15 બેઠકો પર યોજાનારી ચૂંટણી બાદ ભાજપે ઓછામાં ઓછી સાત બેઠકો પર જીત મેળવવી અનિવાર્ય છે. કારણ કે ખાલી બેઠક પર હાલમાં કોઈ ચૂંટણી થઈ શકે એમ નથી.

ભાજપે પ્રયત્ન કરવો પડશે કે, કુલ 224ની સંખ્યાને ધ્યાન લઈને ઓછામાં ઓછી આઠ બેઠક જીતીને 113ની સંખ્યા સુધી પહોંચે. આ માહોલ વચ્ચે દક્ષિણ ભારતના કદાવર નેતા યેદિયુરપ્પા સામે મોટા પડકારો છે. કેટલાક બળવાખોર ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી છે. જે પોતાના વિસ્તારમાં મજબુત છાપ ધરાવે છે. જૂના મૈસુર વિસ્તારોની મુખ્ય બે સીટ કેઆર અને હુંસૂર વિસ્તારની બેઠકમાં તેઓ પોતાના પુત્ર વિજયેન્દ્રને પ્રમોટ કરી રહ્યા છે. જેઓ યેદિયુરપ્પાને પરોક્ષ રીતે મદદ કરી શકે છે. વિજયેન્દ્ર વિધાનસભાની ચૂંટણી વખતે વરુણા બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા, પણ એમને કોઈ ટિકિટ મળી ન હતી. આ પેટા ચૂંટણીનું ખાસ મહત્ત્વ એ છે કે, યેદિયુરપ્પા માટે પડકાર ભરી સ્થિતિ છે. પણ જીતનું એક સાંકેતિક મહત્ત્વ હશે. કારણકે, જેડીએસ પણ આ વખતે લડી લેવાના મૂડમાં છે.

સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે, જેડીએસ અને કોંગ્રેસ આ પેટાચૂંટણીને એક અવસરના રુપે જોઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ અને NCPના ગઠબંધન બાદ ભાજપ સાથે કોઈ ખાસ રાજકીય પક્ષનું ટ્યુનિંગ ન હોય એવું સાબિત થયું હતું. એ સમયે પણ જેડીએસના નેતાઓએ નિવેદનબાજી કરી હતી. બીજી તરફ ભાજપને એક મોટી પછડાટ આપવા માટે કોંગ્રેસ અંદરખાને તૈયારીઓ કરી રહ્યું હોય એવું લાગે છે. જેથી કેન્દ્રની ભાજપ સરકારને પરોક્ષ રીતે ફટકો પડે. ભાજપમાંથી પણ એક ટીમ એવી છે જે જેડીએસની તરફેણ કરી રહી છે. અટકળો તો એવી છે કે, જેડીએસને પ્રમોટ કરવા માટે બને એટલા તમામ પ્રયત્નો કરવા. જેથી એક સકારાત્મક સંદેશ મળી રહે. ઝારખંડમાં ખાસ કોઈ એવો માહોલ ઊભો ન કરીને ભાજપ હવે ચૂંટણી પરિણામની રાહ જુએ છે. જેથી પરિણામ બાદ ફરી કોઈ મજબુતી જોઈને હાથ મિલાવી શકાય.

બીજી તરફ યેદિયુરપ્પાએ આઠથી વધારે બેઠકો પર ચૂંટણી જીતીને પોતાની લોકચાહના ફરી સાબિત કરવી પડશે. ભાજપ માટે આ સ્થિતિ એક માનસિક મનોબળ સમાન છે. એક સમયે ભાજપ કર્ણાટકમાં પણ સૌથી મોટો પક્ષ રહ્યો હતો. જેમ મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ ગઠબંધન હતું. ભાજપના નેતાએ કર્ણાટક અને મહારાષ્ટ્ર બંનેમાં મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ લીધા પણ ફજેતી ત્યાં થઈ કે તેઓ કોઈ બહુમતી સાબિત કરી ન શક્યા. મુખ્યમંત્રીએ રાજીનામા ધરી દીધા. શક્તિ પરિક્ષણમાં સુરસુરિયું થઈ ગયું. સામે વિપક્ષે અંદરોઅંદર હાથ મિલાવીને ભાજપની સત્તાલક્ષી મલાઈ છીનવી લીધી. હવે ઝારખંડ અને કર્ણાટક બંનેમાં ભાજપને સારી આશા છે. પણ બહુમતી સાબિત કરવી અનિવાર્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp