26th January selfie contest

આજથી પ્રવિણ તોગડીયાના અનિશ્ચિતકાળ સુધી ઉપવાસ

PC: twitter.com

અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને BJP સરકાર પર દબાણ વધી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પદેથી હટ્યા બાદ આજે પ્રવિણ તોગડીયા રામ મંદિર નિર્માણ સહિત અનેક મુદ્દાઓ પર અનિશ્ચિતકાળના ઉપવાસ શરૂ કરી દીધા છે. પ્રવિણ તોગડીયા 32 વર્ષ સુધી VHPના અધ્યક્ષ રહ્યા હતા. તેમણે VHPના નવા અધ્યક્ષ એસ.કોકજેને પણ ઉપવાસમાં શામેલ થવા માટે આગ્રહ કર્યો હતો અને કહ્યું હતું કે, કાં તો તેઓ ઉપવાસમાં શામેલ થાય, કાં તો તેઓ સંસદમાં રામ મંદિર નિર્માણને લઈને બીલ લાવવા માટે દબાણ કરે.

તેમણે કહ્યું હતું કે, જ્યારે અમે સંસદમાં બહુમતથી આવીશું, ત્યારે અમે બીલ પાસ કરવા અને રામ મંદિરનું નિર્માણ કરવાનો માર્ગ મોકળો કરીશું. VHPએ લોકોને અયોધ્યામાં કાર સેવા કરવા માટે અને શહાદત આપવા માટે પણ કહ્યું હતું. રામ મંદિર માટે લગભગ 60 લોકોએ પોતાની શહાદત આપી હતી. ગુજરાતના હજારો લોકોએ પોતાનું યોગદાન આપ્યું હતું. 

રામ મંદિરના જૂના વીડિયો કરશે રીલિઝ...

વિશ્વ હિન્દુ પરિષદમાંથી તગેડી મૂકાયેલા પ્રવીણ તોગડીયાએ બપોરે બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં તોગડીયાએ સરકારની નીતિઓ અંગે ટીકા કરી હતી અને નવેસરથી રામ મંદિરનું આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી. 

પ્રવીણ તોગડીયાએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદમાંથી સત્તાના મદમસ્તોએ સત્ય અને ધર્મને દબાવ્યો છે. દેશભરના લાખો કાર્યકર્તા રોષ સાથે મારો સંપર્ક કરી રહ્યા છે. મારો ગુનો શું હતો. 100 કરોડ હિન્દુઓ માટેના અવાજને 32 વર્ષથી ઉઠાવ્યો. 12 વર્ષથી ઘર છોડયું અને પ્રતિ દિવસ 25-30 લાખની ડોકટરી પ્રેકટીસ છોડી. 

તેમણે જણાવ્યું કે મારી મુખ્ય માંગોમાં રામ મંદિર માટે સંસદમાં કાયદો બને. ગૌરક્ષા માટે કાયદો બને. કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને રહેતા કરવામાં આવે. ખેડૂતોને દેવામાંથી મૂ્કિત આપવામાં આવે. યુવાનોને રોજગાર આપવામાં આવે. સમાન સિવિલ કોડ બને. પરંતુ કરોડો હિન્દુઓના અવાજને આજે દબાવી દેવામાં આવ્યો છે. મારી માંગ હિન્દુઓ માટેની હતી મારા માટેની હતી નહી. પરિષદમાં કરોડો હિન્દુઓનાં અવાજને ગળે ટૂંપો દેવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે આજે હું પરિષદમાં નથી. હિન્દુ હી આગે અભિયાન ચલાવ્યું અને આ અભિયાન ચાલતો રહેશે. ચાણક્યનો ઉલ્લેખ કરતા તોગડીયાએ કહ્યું કે ચાણક્યએ કહ્યું છે કે મોટી જીત હાંસલ કરવા માટે નાની હારમાંથી પસાર થવું પડે છે. હવે મોટી જીત હાંસલ કરવા માટે આવી નાની હારનો સામનો કરવો પડ્યો છે. 

હિન્દુઓ અને ખેડૂતો, યુવા, મજુર મહિલાઓની માગને લઈ મંગળવારથી અમદાવાદમાં અનિશ્ચિત અનશન પર બેસવા જઈ રહ્યો છું. વિહિપમાં રહીને હિન્દુઓનો અવાજ ઉઠાવતો રહ્યો છું. યુવાનોને આહવાન છે જેવી રીતે આગળ સાથે જોડાયેલા હતા તેવી જ રીતે હવે પછી પણ જોડાયેલા રહેજો. રામ મંદિર માટે સંસદમાં કાયદો અમે બનાવીશું. સરકારે ખેડૂતોને સી-2ના આધારે પાકના ભાવ આપીને છેતરપિંડી કરી છે. યુવાઓ અને ખેડૂતો સહિતના માંગને લઈને 17મી એપ્રિલ, મંગળવારથી અમદાવાદમાં ઉપવાસ શરૂ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે પરિષદમાંથી મને દૂર કરવા માટે રાજકારણ કરવામાં આવ્યું છે. મેં હજુ પરિષદ છોડી નથી. મને છ મહિનાથી કહેવાતું હતું કે સંસદમાં રામ મંદિર માટે કાયદો બનાવવાની વાત છોડી દો અથવા પરિષદનું પ્રમુખપદ છોડી દો. મેં પ્રમુખ પદ છોડવાનું મન બનાવી લીધું હતું. આ બધી વાતોનું વીડિયો રેકોર્ડીંગ છે અને સમય આવ્યે આ રેકોર્ડીંગ મીડિયાને આપવામાં આવશે. હિન્દુ હી આગે અભિયાનને વધુ વેગ આપવામાં આવશે. મને વિહિપમાંથી બહાર કરવા માટે મતદાન કરવામાં આવ્યું છે.  

તોગડીયાના સમર્થનમાં પડ્યા 500થી વધુ રાજીનામા...

વિશ્વ હિન્દુ પરિષદમાં અધ્યક્ષસ્થાનેથી છૂટ્ટી થયા બાદ પ્રવિણ તોગડીયાના સમર્થનમાં 50 જિલ્લાના 500થી વધુ પ્રખંડના પદાધિકારીઓના રાજીનામા પડી ગયા છે, જેમાં ફક્ત અરવલ્લી જિલ્લાના જ કાર્યાધ્યક્ષ સહિત 50થી વધુ કાર્યકરોના રાજીનામા પડી ગયા છે. ગાંધીનગર તેમજ અન્ય જિલ્લાઓમાંથી પણ આજે રાજીનામા પડી શકે છે. આ તમામ રાજીનામા RSSને પણ ફોરવર્ડ કરવામાં આવશે.

ફરીએકવાર મીડિયાને સંબોધિત કરતા પ્રવિણ તોગડીયાએ કહ્યું હતું કે, પ્રશ્ન હવે સંસ્થાનો નથી, પરંતુ કરોડો હિન્દુઓને આપેલા વચનને પાલન કરવાનો છે. સરકારે વચન આપ્યું હતું કે, બહુમત મળશે તો અમે રામ મંદિર બનાવીશું અને ગૌ રક્ષાનો કાયદો લાવીશું, પરંતુ ક્યારે બનાવશે તે સવાલ છે. 17 એપ્રિલના રોજ હું ઉપવાસ પર બેસવાનો જ છું. રામ મંદિર, કોમન સિવિલ કોડ, કાશ્મીરી પંડિતો મામલે હું અનિશ્ચિતકાળ સુધી ઉપવાસ પર બેસવાનો છું.

મને રામ મંદિર વિશે બોલવા ન દેવાયો, પણ અમે રામ મંદિરનો અવાજ બુલંદ કરીશું. 100 કરોડ હિન્દુઓનો અવાજ દબાવાઇ રહ્યો છે. મને ઉપવાસ ન કરવા માટે પણ દબાણ કરવામાં આવ્યું છે, પરંતુ ઉપવાસ પર તો હું બેસીસ જ. VHPના સંતો દ્વારા તોગડીયાને ઉપવાસ ન કરવા માટે મનાવવાની કોશિશ થઈ રહી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp