26th January selfie contest

મનમોહન સિંહની સામે રાજ્યસભામાં ભાજપ નહીં ઉતારે કોઈ ઉમેદવાર

PC: app.goo.gl

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ભાજપ રાજ્યસભામાં વોકઓવર આપશે. આ માટે ભાજપે નિર્ણય લીધો છે કે, રાજસ્થાનમાંથી રાજ્યસભાની ચૂંટણી લડી રહેલા ડૉ. મનમોહન સિંહની સામે તેઓ પક્ષનો કોઈ ઉમેદવાર ઊભો નહીં રાખે. રાજ્યસભાના પૂર્વ સાંસદ અને રાજસ્થાન ભાજપના પૂર્વ અધ્યક્ષ મદનલાલ સૈનીના અવસાન પછી રાજસ્થાનની રાજ્યસભાની એ સીટ ખાલી પડી હતી.

બીજી તરફ ત્રણ દાયકા સુધી આસામથી રાજ્યસભાના સભ્ય રહેલા ડૉ. મનમોહન સિંહનો સભ્ય તરીકેનો કાર્યકાળ 14 જુને પૂરો થઈ ગયો હતો. આ સંદર્ભે BJPના સૂત્રો દ્વારા કહેવાયું છે કે ભાજપના કેન્દ્રીય મોવડીમંડળે આ નિર્ણય લીધો છે કે, રાજસ્થાનની રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ ડૉ. મનમોહન સિંહની સામે કોઈ ઉમેદવારને નહીં ઉતારે.

આ માટે ડૉ. મનમોહન સિંહે રાજસ્થાનના જયપુરમાં પોતાનું ઉમેદવારીપત્રક ભર્યું હતું. તેઓ રાજસ્થાન પહોંચ્યા ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને ઉપમુખ્યમંત્રી સચીન પાયલોટે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનની રાજ્યસભાની એ બેઠકની ચૂંટણી 26મી ઓગ્સ્ટે છે. આ માટે રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસ પાસે પૂરતા મત ઉપલબ્ધ છે. કારણ કે રાજસ્થાન વિધાનસભામાં તેમના સો જેટલા ધારાસભ્યો છે. જેથી ડૉ. મનમોહન સિંહ સરળતાથી રાજ્યસભામાં પહોંચી શકશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp