કોંગ્રેસને એવો ધક્કો દેવો છે કે ધીમે ધીમે નહીં પણ આખી કોંગ્રેસ પડી જાયઃ રૂપાલા

PC: divyabhaskar.co.in

કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલાએ જામનગર જિલ્લાના ફલ્લા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને એક જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો એક દોર તા. 21/02/2021ના રોજ પુરો થઇ ગયો છે, અને બીજો દોર તા. 28/02/2021ના રોજ પુરો થવાનો છે. જ્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સુશાસનની શરૂઆત થઇ છે ત્યારથી કોંગ્રેસ પોતાની મેળેજ આંતરીક વિખવાદના કારણે કેન્દ્ર થી ગામડાઓ સુધી તુટતી રહી છે. આ ધીમે ધીમે પડતી કોંગ્રેસને હવે આપણે સૌએ ભેગા મળી તા. 28/02/2021ના રોજ એવો ધક્કો દેવો છે કે, ધીમે ધીમે નહીં પણ આખે આખી કોંગ્રેસ પડી જાય.

પરસોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશ થી લઇને ગામડાઓ સુધી જ્યારે કોંગ્રેસ સત્તાના નશામાં ચકચૂર હતી ત્યારે જનકલ્યાણકારી કાર્યો અર્થે દિલ્હીમાંથી મોકલવામાં આવતો રૂપિયો જનકલ્યાણકાર્યો અર્થે માત્ર 10 પૈસા રૂપે જ આવતો હતો. બાકીના 90 પૈસાનો વહીવટ થઇ જતો હતો પરિણામે જનસુખાકારીના નામે દેશ અને દેશનું નાનામાં નાનું ગામડું શુન્ય રહેતું હતું. અને આ વાતનો સ્વિકાર તેમના પૂર્વ વડાપ્રધાને પણ કર્યો હતો. પરંતુ આપણાં ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્ર મોદીને આપણે સૌએ દિલ્હીમાં મોકલ્યાં છે, ત્યારથી વચેટીયા પ્રથાને નાબુદ કરી દિલ્હીથી મોકલવામાં કોઇપણ જનકલ્યાણકારી સહાયનો રૂપિયો સીધે સીધો ડીબીટી મારફતે જમાં કરાવવામાં આવે છે. પરિણામ એ આવ્યું છે, ગ્રામપંચાયતના ખાતામાં જમાં થતાં વિકાસ કાર્યોની પુરેપુરી ગ્રાન્ટ વિકાસકાર્યોમાં જ વપરાવા લાગી છે.

 ખેડૂત સન્માનનીધીની રકમ સીધે સીધે ખેડૂત ખાતેદારના ખાતામાં જમાં થવાથી ખેડૂત સમયસર પુરેપુરી રકમનું બિયારણ ખરીદી શકશે. આજે ગ્રામ પંચાયતોનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો થયો છે. ડીબીટી મારફતે પૈસા જે તે ખાતામાં જમાં થતાં હોવાથી ભ્રષ્ટાચાર અને વચેટીયાઓ નાબુદ થઇ ગયાં છે અને એટલે જ કોંગ્રેસીઓ અને વિપક્ષોને ભાજપા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દીઠા ગમતાં નથી.

પરસોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલાં કોગ્રેસની સરકાર વખતે જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હતી, પરંતુ તે ખાતમુર્હત અને ફોટા પડાવવા પુરતી સિમીત હતી. ખાતમુર્હત થઇ જાય એટલે યોજના કાગળ ઉપર જ રહી જતી હતી. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી સત્તાના સુકાન સંભાળ્યાં છે, ત્યારથી કોંગ્રેસની માત્ર ખાતમુર્હત વાળી યોજનાઓનું અમલીકરણ જ નહીં પણ તેમના દ્વારા મૂકવામાં આવેલ અન્ય વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ અને લોકાર્પણ કરવામાં આવેલ છે, અને આ તમામ અમલી બનેલ યોજનાઓથી છેવાડાના માનવી સુધીનું જીવન સ્તર ઉપર આવ્યું છે અને સાથે સાથે પરસોત્તમ રૂપાલાએ વડાપ્રધાન દ્વારા અમલી કરવામાં આવેલ વિવિધ યોજનાઓની વિસ્તૃત છણાવટ પણ કરી હતી.

કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરસોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં જનસુખાકારીના વિવિધ પગલાં ભરી દેશમાં નાગરિકોના જીવનને બચાવવા માટે સતત ચિંતિત રહ્યાં કરે છે. કોરોનાને અટકાવવા માટે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે ત્વરીત નિર્ણયશક્તિ દ્વારા આકરા પગલાં લેવામાં પણ પાછી પાની કરી નથી. દેશની જનતાને કોરોનાથી બચાવવા માટે વૈજ્ઞાનિકો સાથે સીધી વાતચીત કરી શક્ય તેટલી વધુ ઝડપે કોરોના સામે રક્ષણ મેળવવાની રસી શોધવા સૂચન કર્યું હતું, અને વૈજ્ઞાનિકોએ પણ વડાપ્રધાનની આ અપીલને માથે ચડાવી દિવસ રાત એક કરી વિશ્વમાં સૌથી પહેલાં કોરોનાની રસી શોધી કાઢી દેશની જનતાને તબક્કાવાર આપવામાં છે. દેશના વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવેલ કોરોનાની આ રસી અને વડાપ્રધાન દ્વારા કોરોના સામે લેવાયેલા પગલાંઓની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ સરાહના કરી છે. વિશ્વના અન્ય દેશો પણ ભારત પાસે કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીની માંગણી કરી રહ્યાં છે. વિશ્વમાં એક બીજા દેશોની સહાયતા કરવા માનવતાના ધોરણો અપનાવી આપણા ગૌરવશાળી વડાપ્રધાને પણ કોરોના અંગેની રસી જ નહીં પરંતુ દેશમાં ઉત્પાદીત પી.પી.ઇ. કીટ પણ મોકલી સહાયતા કરી છે.

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મજબૂત બનાવવા માટે બે બે વખતે ગુજરાતે લોકસભાની 26 માંથી 26 બેઠકો આપી છે વિકાસની વણઝાર આપણા વડાપ્રધાને અવિરત ચાલુ રાખી છે ત્યારે રાજ્યમાં પણ વિકાસને અવરોધ ન આપતાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તમામ બેઠકો ઉપર ભાજપા તરફી કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે જંગી મતદાન કરવા અપીલ કરી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp