કોંગ્રેસના વિજયી થઇ શકે તેવા ઉમેદવારને બાપુનો રથ અટકાવશે

PC: thehindubusinessline.com

ગુજરાતમાં જ્યારે ત્રીજો મોરચો આવ્યો છે ત્યારે સૌથી વધુ નુકશાન કોંગ્રેસને થયું છે. 2012માં ભાજપના જ એક જૂથની બનેલી ગુજરાત પરિવર્તન પાર્ટીના કારણે 17 બેઠકોના પરિણામ ફરી ગયા હતા તેમ આ વખતે શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પ મોરચાના કારણે સૌથી વધુ ભય કોંગ્રેસને છે કારણ કે શંકરસિંહ વાઘેલાએ ભાજપને નહીં, કોંગ્રેસને તોડી છે.

ભારતના રાજ્યોમાં ત્રીજો મોરચો હોય છે. ગુજરાતમાં પણ ચૂંટણી આવે એટલે મોરચો ખુલી જતો હોય છે. મુખ્ય પાર્ટીઓ માને કે ન માને- થર્ડ ફ્રન્ટનુ અસ્તિત્વ હોય છે, ધારે તેને જીતાડી શકે છે, ચૂંટણીના પરિણામ પણ બદલી શકે છે. ગુજરાતમાં 1990માં ચીમનભાઇ પટેલનો મોરચો હતો અને તે આશ્ચર્યજનક રીતે સત્તામાં આવ્યો હતો. જો કે પહેલાં ભાજપ અને પછી કોંગ્રેસનો સાથ લેવો પડ્યો હતો.

ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણીમાં જો કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી- જીપીપી- મેદાનમાં ન હોત તો કોંગ્રેસને 57ના સ્થાને 66 બેઠકો મળી હોત. કુલ નવ બેઠકોમાં કોંગ્રેસને કેશુભાઇની પાર્ટી નડી ગઇ છે. ભાજપને પણ 119ની જગ્યાએ 127 બેઠકો મળી હોત. જીપીપીના ઉમેદવારો 9.95 લાખ મતો લઇ ગયા હતા જે કુલ મતદાનના 3.63 ટકા થવા જાય છે. કેશુભાઇની પાર્ટીના 159 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી.

હવે આ પાર્ટીનું તો વિલિનિકરણ થઇ ચૂક્યું છે ત્યારે શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવ્યા છે.આ વખતે કોંગ્રેસને શંકરસિંહ વાઘેલાની જનવિકલ્પ પાર્ટી, એનસીપી, શિવસેના, બીએસપી, એસપી અને આમ આદમી પાર્ટી નડી શકે છે. નોટબંધી અને જીએસટીના કારણે કદાચ ભાજપના સમર્થક મતદારો ઇનએક્ટિવ બની શકે છે પરંતુ તેઓ કોંગ્રેસને તો મત આપે તેમ નથી.

2012માં કેશુભાઇ પટેલની પાર્ટીએ સોશ્યલ મિડીયામાં એટલો પ્રચાર પણ કર્યો ન હતો અને લોકસંપર્ક પણ કર્યો ન હતો. જે વ્યક્તિ આવ્યો તેને પાર્ટીએ ટીકીટ આપી દીધી હતી અને કહ્યું હતું કે પાર્ટી પાસે રૂપિયા નથી, તમારા ખર્ચે અને જોખમે ચૂંટણી લડો. પરિણામે જીપીપીના માત્ર બે ઉમેદવારો વિજયી બન્યા હતા અને તેમાં એક તો ખુદ કેશુભાઇ પટેલ હતા. પાર્ટીના સ્થાપક એવા ગોરધન ઝડફિયા ચૂંટણી હારી ગયા હતા. જો કે શંકરસિંહ વાઘેલાએ ચૂંટણીની તૈયારીઓ અગાઉથી કરી દીધી હોવાથી જીપીપી કરતાં તેમને મતદાનમાં વધારે હિસ્સો મળે તેવું ચર્ચાઇ રહ્યું છે. જો કે શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પથી કોંગ્રેસને વધુ નુકશાન થઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp