#NareshPatelForCM કેમ્પેઈન કરનારા માટે આ છે આઘાતનાં સમાચાર...

PC: livemint.com

ખોડલધામ ટ્રસ્ટનાં મુખ્ય વહીવટકર્તા અને પાટીદાર સમાજનાં મોભી નરેશ પટેલને તેમનાં નજીકનાં અને પરિવારનાં સભ્યોએ #Naresh Patel For CM કેમ્પેઈનનાં અનુસંધાને જે સલાહ આપી છે તેને લઈને આ કેમ્પેઈન ચલાવનારાઓને કદાચ આઘાત લાગશે. નરેશ પટેલે નજીકનાં મિત્રો, પરિવારજનો અને શુભેચ્છકો સાથે વર્તમાન સમયમાં ચાલી રહેલા #Naresh Patel For CM અંગે સલાહ સૂચનો માંગ્યા હતા. નરેશ પટેલે આ બઘાને હજુ સુધી પોતાનો કોઈ પ્રત્યુત્તર આપ્યો છે કે કેમ તે અંગેની જાણકારી હજુ સુધી મળી રહી નથી.
સોશિયલ મીડિયામાં #Naresh Patel For CMનું કેમ્પેઈન શરૂ થયું અને લોકોએ તેને વધાવી લીધું તો કેટલાક લોકોએ જ્યાં છે ત્યાં બરાબર હોવાનું જણાવ્યું હતું.

હાલ વિદેશ યાત્રા કરી રહેલા નરેશ પટેલે પોતાનાં પરિવારજનો અને નજીકનાં મિત્રો સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચાનો એક જ સૂર બહાર આવી રહ્યો છે કે નરેશ પટેલની આ ત્રીજી પેઢી છે અને ત્રીજી પેઢી સુધી કોઈએ પણ સમાજ સેવા કરવા માટે રાજકારણમાં ઝંપલાવ્યું નથી. નરેશ પટેલના દાદાજી, પિતાજી અને હવે નરેશ પટેલ પોતે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિમાં ઓતપ્રોત છે. આવા સંજોગોમાં રાજકારણમાં જોડાવું પટેલ પરિવારની કોઈ જરૂરિયાત નથી. વર્ષે 3 હજાર કરોડનું ટર્ન ઓવર કરતી કંપની છે અને સાથે સાથે ખોડલધામ ટ્રસ્ટ થકી તેમની સામાજિક સેવાઓ વધુને વધુ વિસ્તરી રહી છે.

નજીકનાં વર્તુળોએ નરેશ પટેલને રાજકારણથી દુર જ રહેવાની સલાહ આપી છે. રાજકારણમાં પોઝીટીવ કાર્યને પણ નેગેટીવ રીતે જોવામાં આવે છે અને નરેશ પટેલની અત્યાર સુધી છબિ બિનવિવાદાસ્પદ અને સામાજિક એકતાનાં પુરસ્કર્તા તરીકેની રહી છે. તેમનાં પરિવારજનોએ રાજકારણમાં ઝંપલાવવા માટે નરેશ પટેલને સ્પષ્ટ નન્નો ભણી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

નરેશ પટેલ હાલ તો અમેરિકામાં છે, પરત ફરશે ત્યારે સ્થિતિ ત્યારે વધુ સ્પષ્ટ થશે. પરિવારનાં નજીકનાં સુત્રો કહી રહ્યા છે કે હાલ બધા જ રાજકીય પક્ષો માનભેર ખોડલધામ આવે છે અને વ્યક્તિગત રીતે નરેશ પટેલને માન આપે છે. કોઈ એક રાજકીય પક્ષ સાથે જોડાવું તેનો અર્થ એ થાય કે એકને નારાજ કરવો પડે.

નરેશ પટેલનાં પરિવારજનોને આ જરાય પસંદ આવી રહ્યું નથી કે કોઈ એક રાજકીય પક્ષમાં જોડાઈને રાજકારણ રમવું. બીજું એ કે કિંગ બનવા કરતાં કિંગ મેકર બની રહેવું વધુ સારું છે અને એટલા માટે રાજકારણમાં નહી જોડાવાની તેમનાં નજીકનાં મિત્રો, પરિવારજનો અને શુભેચ્છકોએ સલાહ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિદેશ યાત્રાએથી પરત આવ્યા બાદ નરેશ પટેલ શું કહે છે તે મહત્વનું બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp